________________
પ્રાકથન
ઇ. સ. ૧૯૬૪-૬૫ માં મેં ‘શ્રીમદ્ રાજચંદ્ર - એક અભ્યાસ' એ નામે પી.એચ.ડી.ની ઉપાધિ મેળવવા મહાનિબંધ લખ્યો. તે લખવા પાછળનો મારો મૂળ હેતુ તેમનાં જીવન અને કવનનો યથાર્થ અભ્યાસ કરી મારું જીવન સુધારી સમૃદ્ધ કરવાનો હતો. આથી એ વર્ષો દરમ્યાન તેમનાં જીવન તથા સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવાનું મેં આદર્યું. આ મહાનિબંધ લખવા માટે અભ્યાસ કરતાં કરતાં કેટલીએ મુશ્કેલીઓનો સામનો કરવાનું આવતું હતું; વળી કરેલા અભ્યાસનું તારણ કાઢી તેના નીચોડરૂપ વ્યવસ્થિત લખાણ કરવું ઘણીવાર અતિ કઠિન પણ થઈ જતું હતું. આ કઠણાઈ તોડવા હું રાજપ્રભુ પાસે પુત્રીભાવે સહજપણે પ્રાર્થના કરતી. અને તેનાં ફળરૂપે લગભગ દરેક વખતે ન સમજાતાં વચનો સહજતાએ તેનાં ગૂઢાર્થ સાથે સમજાઈ જતાં, જે લખવું ફાવતું ન હોય તે તેમની કૃપાથી સહેજે વ્યવસ્થિત લખાઈ જતું અને તેથી મહાનિબંધ લખવામાં ઘણી સરળતા થઈ જતી અનુભવાતી. આવા અનુભવો વારંવાર થતા રહેતા હોવાથી મારા મનમાં પ્રભુ પાસે પ્રાર્થના અને ક્ષમાપના કરતા રહેવાનું મહત્ત્વ દૃઢ થતું ગયું; તે કરવાની રીત પણ મારા મનમાં ઘડાતી ગઈ, તેમજ તેનો અનેકવિધ લાભ પણ પ્રત્યક્ષ જોવા મળતો ગયો. થયેલા સર્વ અનુભવોમાં નીચે જણાવેલો અનુભવ ચોક્કસ વિશિષ્ટ પ્રકારનો હતો.
મારે સપ્ટેમ્બર ૧૯૬૫માં યુનિવરસીટીને થીસીસ સોંપવાની હતી. એ વર્ષના માર્ચ મહિનામાં મેં જે સીનોસીસ આપી હતી તેમાં મેં યુનિવરસીટીને લખી જણાવ્યું હતું કે મારી થીસીસમાં “કૃપાળુદેવનો આત્મિક વિકાસ' એ મારી અંગત શોધ છે, અને તે નોંધનીય છે. વાસ્તવિકતામાં આ પ્રકરણ વિશે મારી પાસે કોઈ નક્કર જાણકારી હતી નહિ. પરંતુ તેમણે તેમનાં જીવ દરમ્યાન જે વેગથી આત્માની શુદ્ધિ કરી હતી તેની જાણકારી લઈ, તેને માણી, મારા જીવનને એ પ્રકારનું ઘડવાની અદમ્ય ઇચ્છા પણ હતી. આ તાલાવેલીના કારણે મેં આ પ્રકરણની યોજના કરવા વિચાર્યું હતું. પણ તેનું
xiii