________________
ક્ષમાપના
અજીવ એ બીજું તત્ત્વ છે. આત્મા જીવસ્વરૂપ શાથી બન્યો? જીવસ્વરૂપ થવાનું કારણ છે આત્માના પ્રદેશે પ્રદેશે લાગેલી કર્મની વર્ગણાઓ. આ કર્મ વર્ગણા શેની બનેલી છે ? કર્મ વર્ગણા જડ પુદ્ગલ પરમાણુઓની બનેલી છે. આ જડ પુદ્ગલ પરમાણુ એ જ અજીવ. “હું કર્મરજથી કરીને મલિન છું.” આ વચનથી સમજાય છે કે આત્માને કર્મ રૂપી રજ લાગી હોવાથી તે મલિન થયો છે. આ કર્મ ૨જ “અજીવ તત્ત્વનું” પ્રતિનિધિત્વ કરે છે. તે જ્ઞેય છે. આ ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તથા કાળ દ્રવ્ય પણ અજીવ તથા જ્ઞેય તત્ત્વ છે. આત્માને વ્યાપતા વિભાવને કા૨ણે કર્મપુદ્ગલરૂપી જડ તત્ત્વ તેના પર ચીટકી શાતા અશાતાના વેદનમાં ડૂબાડી, સંસાર પરિભ્રમણ કરવા તેને મજબૂર કરે છે. આ કર્મના ભોગવટા માટે જીવે લોકના અનેક સ્થળોએ ગમન કરવું પડે છે, આ ગતિને સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. એક જગ્યાએ રહી ભોગવટો કરવાની જરૂર હોય છે ત્યારે અધર્માસ્તિકાય સહાય કરી જીવને અને તેના ભાવાનુસાર પુદ્ગલને સ્થિરતા આપે છે. આમ ધર્માસ્તિકાય ગતિ અને અધર્માસ્તિકાય સ્થિતિ આપે છે. જીવાજીવ સર્વ દ્રવ્યને રહેવાની જગ્યા આપવાનું કાર્ય આકાશ કરે છે, એટલે કે તે દ્રવ્ય અવગાહના આપે છે. અને સર્વ દ્રવ્યમાં થતાં પરિવર્તનનો લક્ષ કાળ દ્રવ્ય આપે છે. આ છએ દ્રવ્યો, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ જ્ઞેય છે. તેમાંથી જીવ ચેતન અને અન્ય પાંચે અજીવ તત્ત્વમાં સમાય છે. આ સર્વ અજીવ દ્રવ્યની જાણકારી તથા કાર્યની સમજણ લેતાં જવાથી આત્માને અન્ય દ્રવ્યના આકર્ષણ અને જોડાણથી જુદો પાડવા માટે નિમિત્ત મળતું જાય છે.
શ્રી પ્રભુએ વર્ણવેલું ત્રીજું તત્ત્વ તે “પાપ” તત્ત્વ છે. આત્મા વિભાવભાવ કરે છે ત્યારે તેના પ્રભાવથી આકર્ષાઈને જડ પુદ્ગલ પરમાણુઓ કર્મસ્વરૂપે આત્માના પ્રદેશો પર ચીટકી જાય છે. અને અમુક કાળ પછી તેના પરિણામરૂપ વેદનમાંથી જીવ પસાર થાય છે. જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે પરમાણુઓ “પાપ” તત્ત્વ બતાવે છે. એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય “પાપ” તત્ત્વ સૂચવે છે. આવા પાપ
૧૧૩