________________
કેવળી પ્રભુનો સાથ
આ પ્રમાણે આત્માનું છઠ્ઠું પદઃ “મોક્ષનો ઉપાય છે” તે આ ક્ષમાપનામાં સમાય છે એ વિધાનનો વિચાર કરતાં, સહજતાએ જીવનો વિકાસક્રમ અને મોક્ષમાર્ગની સમજણ એ બંને આ ક્ષમાપનામાં સહજતાથી ગૂંથાયેલા જોવા અને સમજવા મળે છે; ક્ષમાપનાના આ પાઠથી શ્રીમદ્ રાજચંદ્રની લઘુવયની કૃતિનું અદ્ભુતપણું આપણી સમક્ષ પ્રત્યક્ષ થાય છે.
ક્ષમાપનામાં નવ તત્ત્વનો સમાવેશ
આત્માની જાણકારી મેળવવા માટે શ્રી તીર્થંકર ભગવાને નવ તત્ત્વની જાણકારીને મહત્ત્વની કહી છે. એ નવ તત્ત્વનાં શ્રદ્ધાન તથા જાણકારીનો શુભારંભ સમકિતથી થાય છે, અને તેની પૂર્ણતા કેવળજ્ઞાનમાં પરિણમે છે. એટલે કે આ નવે તત્ત્વોની યથાર્થ જાણકારી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ જીવ આત્મવિશુદ્ધિ પ્રતિ એક પછી એક ડગ ભરતો જાય છે.
શ્રી ભગવાને તે નવ તત્ત્વો આ પ્રમાણે જણાવ્યાં છે : જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આમાંથી સર્વ તત્ત્વ જ્ઞેય છે, કેટલાંક હેય છે અને કેટલાંક ઉપાદેય છે. શેય એટલે જાણવા યોગ્ય, હેય તે જાણીને છોડી દેવાં યોગ્ય અને ઉપાદેય તે જાણી ને આરાધવા યોગ્ય આમ કરવાથી નવે તત્ત્વની યથાર્થ જાણકારી જીવને આવતી જાય છે. તેની મદદથી જીવ પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ નવ તત્ત્વોની સિદ્ધિ શ્રીમદ્ રાજચંદ્ર રચિત મોક્ષમાળાના ૫૬મા “ક્ષમાપના”ના પાઠમાં કરી શકાય છે. અને તે તેમની રચયિતા તરીકેની સિદ્ધિ છે એમ કહી શકાય.
-
જીવ એ પહેલું તત્ત્વ છે. જીવ એટલે કર્મ સહિતનો આત્મા. આત્માનાં છ પદમાં પહેલું પદ “આત્મા છે” એ પદની સિદ્ધિ એ જ જીવ તત્ત્વ વિશે લઈ શકાય. સ્વસ્વરૂપની ઓળખાણ કરવાથી પોતાના અસ્તિત્વનો સ્વીકાર થાય છે; એ જ જીવતત્ત્વની સિદ્ધિ છે. તે જ્ઞેય છે.
૧૧૨