________________
ક્ષમાપના
વ્યવહારમાં આપણે આ જ નિયમથી વર્તીએ છીએ. બે વર્ષનું અણસમજુ બાળક કોઈ ભૂલ કે ખોટું વર્તન કરે તો આપણે તેને ત્વરાથી માફ કરીએ છીએ, પણ એવો જ દોષ જો કોઈ બાવીસ વર્ષનો યુવાન કે યુવતી કરે તો તેને મોટી શિક્ષા કરીએ છીએ. પરમાર્થમાં પણ એમ જ બને છે. જેમ જેમ જીવની સમજણ વધતી જાય, આત્મદશા ઉચ્ચ થતી જાય તેમ તેમ દોષો કરવાનો પરવાનો લુપ્ત થતો જાય છે, અને છતાં ઉચ્ચ અવસ્થાએ જો કોઈ પ્રમાદવશ બની દોષ કરે તો તેનો મોટો દંડ તેણે ભોગવવો પડે છે. આવી ભૂલ થાય નહિ તેની પૂર્વ તૈયારી રૂપે તે શ્રી પ્રભુને વિનંતિ કરે છે કે, “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું; એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.”
શ્રી પ્રભુએ જે માર્ગ આત્મશુદ્ધિ અર્થે બતાવ્યો છે, તે માર્ગે ચાલવામાં એક પળ માટે પણ અધૂરાપણું ન લાગે, પ્રમાદ ન આવે એવી મારી વર્તન કરાવજો એમ જીવ વિનંતિ કરે છે. પ્રભુના દાખવેલા માર્ગે, પળનો પણ પ્રમાદ કર્યા વિના સતત ચાલી શકાય એવી કૃપા કરવા પ્રભુને વિનવે છે. આમ પોતાને સદ્વર્તન કરતો રાખવાની જવાબદારી જીવ વિવેકપૂર્વક પ્રભુને સોંપી, પોતાનું રહ્યું હું અહંપણું અને મમપણું મૂકવાની તૈયારી કરી લે છે. સાથે સાથે સમર્થ અને અનુભવી પ્રભુનું માર્ગદર્શન તથા રક્ષણ મળતું હોવાથી ભૂલો થવાનો અવકાશ નહિવત્ થતો જાય છે.
સન્માર્ગે ત્વરાથી આગળ વધવાની એક અદ્ભુત ચાવી આપણને અહીં મળી રહે છે. પ્રભુની બિનશરતી શરણાગતિ સ્વીકારવાથી ઘણા ઘણા દોષોથી બચી જવાય છે. પ્રભુ આપણી ઘણી ઘણી રીતે કાળજી રાખે છે, અને ઊંચી પાયરીએ ચડાવવામાં મદદરૂપ થાય છે. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તે તેની માતા પાસે પૂરેપૂરી શરણાગતિ સ્વીકારીને રહે છે; માતા જે પીવડાવે તે પીએ, જે ખવડાવે તે ખાય, જે પહેરાવે તે પહેરે, જ્યાં સૂવડાવે ત્યાં સૂએ વગેરે. એ સંજોગોમાં માતા તેની ઘણી કાળજી કરે છે. તેના ખાવાના, પીવાના, સૂવાના વગેરે સમય સચવાય તેની કાળજી માતા રાખતી રહે છે. બાળકને વધુમાં વધુ શાતા મળે તેવી રીતે માતા પોતાના
૧૦૯