________________
કેવળી પ્રભુનો સાથ
ખાઈમાં ધકેલી દે છે. જીવ અગ્યારમે ગુણસ્થાનેથી પાછો વળી નીચલા ગુણસ્થાને આવી જાય છે. પ્રમાદમાં રહેલા આવા મોટા ભયસ્થાનનો લક્ષ કરાવવા માટે શ્રી મહાવીર ભગવાને પોતાના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીને વારંવાર બોધ આપ્યો છે કે, “હે ગૌતમ! એક સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.”
કેવળજ્ઞાન પહેલાં કોઈ પણ જીવને એક સમયનું જ્ઞાન સંભવતું નથી, અસંખ્યાત સમય વીતે ત્યારે તેનું જ્ઞાન જીવને થાય છે. આ અવસ્થામાં જીવ એક સમયના નહિ પણ અસંખ્યાત સમયના પ્રમાદમાં પડયો હોય છે. શ્રેણિમાં જીવની સમજણ સૂક્ષ્મ થતાં એક સમય માટે પણ પ્રમાદસેવન પાલવતું નથી, છતાં કોઈ જીવ એક સમય પણ સપ્રમાદ કાઢે તો તે જીવ નિયમપૂર્વક અગ્યારમાં ગુણસ્થાને જઈ નીચે ઉતરે છે, અને તેમાંથી કોઈ જીવ છદ્દે, કોઈ ચોથે અને કોઈક પહેલા ગુણસ્થાને અટકે છે. તે જીવ જ્યાં અટકયો ત્યાંથી આગળ વધવા ફરીથી બધો પુરુષાર્થ કરવો પડે છે. આમ શ્રેણિમાં એક સમયનો પણ પ્રમાદ કરવાથી જીવનો સંસાર વધી જાય છે. જ્યાં જે યોગ્ય નથી ત્યાં તે કરવાથી વિષમ ફળ ભોગવવું પડે છે.
જીવ જ્યારે સતત પ્રમાદી અવસ્થામાં રહેતો હતો ત્યારે તેને અનંત સંસારનું પરિભ્રમણ હતું. તેવા સંજોગોમાં તે જીવ પુરુષાર્થી થઈ એક સમય માટે અપ્રમાદી બને છે ત્યારે તેનાં ફળ રૂપે તેનું અભવીપણું ટળી જાય છે અને તેને ભવીપણું પ્રાપ્ત થાય છે, એટલે કે ભવિષ્યમાં તે જીવ કોઈ અને કોઈ કાળે મોક્ષપ્રાપ્તિ કરશે એવું નિશ્ચિત થાય છે. શરૂઆતમાં અપ્રમાદના આધારે તે જીવ પુરુષાર્થ કરી, પ્રમાદ ઘટાડતો જાય છે, અને સ્વઉપયોગ વધારતો જાય છે. આમ કરતાં કરતાં સ્વઉપયોગમાં જ રહેવા જેવો સમય આવે છે. આ પ્રસંગે જો જીવ એકાદ સમયનો પણ પ્રમાદ કરે તો આત્મદશામાં નીચે ઉતરી જાય છે. આ પરથી શ્રી આત્મસિદ્ધિની નીચેની ગાથાનું સ્પષ્ટપણું થશે.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.”
– શ્રીમદ્ રાજચંદ્ર. (આત્મસિદ્ધિ ગાથા ૮)
૧૦૮