________________
ક્ષમાપના
શુદ્ધાત્માના આંતરગુણોનો પૂર્ણ લક્ષ અને આંશિક અનુભવ થતાં જીવની લૌકિક સુખબુદ્ધિ તૂટી જાય છે, તેથી જે કંઈ ધર્મક્રિયા કે આચરણ ન થાય અથવા તો તે બંને ખામીભરેલાં થાય તે માટે તે સહૃદયતાથી ક્ષમા માગતો રહે છે. તેને પોતાનું હિત-કલ્યાણ કરવાના ભાવ એટલા પ્રબળ બને છે કે પોતાની નાની સરખી ભૂલ પણ ચલાવી લેવાના ભાવ તેના અંતરમાં રહેતા નથી. આથી તે પોતાની નાની મોટી પ્રત્યેક ભૂલ માટે નીરાગી પરમાત્માની સાક્ષીએ ક્ષમા માગતો રહે છે કે જેથી કોઈ દોષ ટકી શકે નહિ અથવા તો રહી જાય નહિ.
આ પ્રમાણે ધર્મ આરાધન કરતાં કરતાં રહીસહી લૌકિક ભાવનાનો ક્ષય થઈ જાય તે હેતુથી જીવ પ્રભુ પાસે માગણી કરે છે કે, “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.”
સમજણ પામ્યા પછી, પોતાનો આત્મા પ્રભુના માર્ગનું આરાધન કરતાં કરતાં, એક પળ માટે પણ મંદતા કે શિથિલતા સેવે નહિ, પ્રમાદનો ભોગ થાય નહિ, તેવી ભાવનાને આ વચન દ્વારા દઢ કરી છે. જેમ જેમ આત્મશુદ્ધિના માર્ગમાં વિકાસ થતો જાય તેમ તેમ જીવે પોતાના પુરુષાર્થની બાબતમાં પ્રમાદને ઘટાડતા જવાનો છે, તે એટલે સુધી કે છેવટના પુરુષાર્થમાં, શ્રેણિ માંડ્યા પછી એક સમય જેટલા નાના કાળ માટે પણ આત્મા પ્રમાદનું સેવન કરે નહિ. આ અંતિમ પુરુષાર્થ સુધી વિના પ્રમાદ પહોંચવાની ભાવના અહીં સેવાઈ છે તે સકારણ છે. માર્ગપ્રાપ્તિના આરંભના કાળમાં જીવ અતિ અલ્પતાએ ધર્મનું આરાધન કરતો હોય છે, કારણ કે તે બાબતની વૃત્તિ અને સુવિધાઓ ઘણાં ઓછાં હોય છે; આવા અસુવિધાના કાળમાં થોડા ધર્મારાધનનું વિશેષ ફળ મળે છે. પછી ધીમે ધીમે જેમ જીવની પાત્રતા વધતી જાય છે, અનુકૂળતા વધતી જાય છે તેમ ફળપ્રાપ્તિ તે પ્રમાણમાં હોય છે. યોગ્યતા, સાનુકૂળતા વધે ત્યારે, અસુવિધાના કાળમાં કરેલા ધર્મારાધનનું જે ફળ હોય છે તેના પ્રમાણમાં નાનું ફળ જીવને મળે છે. અને જ્યારે અંતિમ શ્રેણિનો પુરુષાર્થ કરવાનો હોય છે ત્યારે તો એક સમય જેટલા નાના કાળ માટેનો પ્રમાદ પણ જીવને પતનની
૧૦૭