________________
કેવળી પ્રભુનો સાથ
જીવને જેમ જેમ શુદ્ધિનો અને શાંતિનો પરિચય થતો જાય છે અને વધતો જાય છે, તેમ તેમ તેને અંતરમાં નિર્ણય થતો જાય છે કે શુદ્ધ થવા માટે જે માર્ગ પ્રભુએ બતાવ્યો છે તે જ સાચો છે. તે માર્ગના આરાધન વિના બીજા કોઈ પણ માર્ગ મોક્ષ સંભવી શકતો નથી. તે દઢત્વ દર્શાવવા કહે છે કે “તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી.”
આ સમજણ મળી નહોતી તથા દૃઢ થઈ નહોતી, ત્યાં સુધી એ માર્ગે જવાયું નહિ, મુક્ત થવાયું નહિ. જ્યાં મુક્તિનાં સુખ મેળવવા માટે આ જ માર્ગ છે એવો નિર્ણય હૃદયમાં વર્તે છે, ત્યાં જીવને એ નિશ્ચય થઈ જાય છે કે પ્રભુએ દર્શાવેલાં તત્ત્વનાં પાલન વિના જીવનો મોક્ષ થવો સંભવતો નથી. આ નિશ્ચય થતાં, પૂર્વકાળમાં જે જે કારણે પરિભ્રમણ થયું અને તેનાં કેવાં માઠાં પરિણામ આવ્યા તેની જાણકારી તેને સજાગ કરી દે છે. અત્યાર સુધીની સર્વ પ્રવૃત્તિ જીવે પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકારના વિષયો ભોગવવા માટે જ કરી હતી, તે પ્રવૃત્તિથી અળગા થઈ આત્મશાંતિ માટે કોઈ જાતની પ્રવૃત્તિ કરી નહોતી તેનો પશ્ચાત્તાપ “હું નિરંતર પ્રપંચમાં (પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકારના વિષયોના ભોગવટામાં) પડયો છું અજ્ઞાનથી અંધ થયો છું....” એ વચનોમાં જોવા મળે છે. ઇન્દ્રિયના વિષયોની જાળમાં ફસાવાનું કારણ અનાદિકાળથી આત્માને ચડેલાં અજ્ઞાનનાં પડળો છે. જીવને થાય છે કે અજ્ઞાનરૂપી અંધકાર આંતરચક્ષુઓ પર અનાદિકાળથી છવાયેલો હોવાથી, મોક્ષમાર્ગની ઝાંખી પણ જોવા મળી ન હતી. હવે અજ્ઞાનનાં પડળો ઘટવાં લાગ્યાં છે પણ ગયાં નથી, જો અજ્ઞાનનાં પડળો પૂર્ણતાએ જાય તો સંસાર હોય જ નહિ. વળી, સંસારની અમુક અમુક વૃત્તિઓ વર્તમાનમાં પણ ચાલુ છે. તેથી અજ્ઞાનરૂપી અંધાપો ચાલુ છે તેની વ્યથા “અજ્ઞાનથી અંધ થયો છું.” એ વચનથી વ્યક્ત કરી છે.
અમુક અંશે અજ્ઞાન ટળવાથી તેને અજ્ઞાનરૂપી અંધત્વ આવવાનું કારણ સમજાય છે કે “મારામાં વિવેકશક્તિ નથી.” સંજ્ઞી પંચેન્દ્રિયપણું મેળવ્યા પછી જીવમાં શ્રેય તથા પ્રેયની જાણકારી આવે છે એટલું જ નહિ પણ તેમાં શ્રેય શું અને પ્રેય શું તેનું તોલન કરવાની શક્તિ આવે છે. તે તોલનશક્તિનો – વિવેકશક્તિનો ઉપયોગ કરી પોતાના
(
૮