________________
ક્ષમાપના
જણાવતું વચન આવે છે કે “અને કમરજથી કરીને મલિન છું.” અહીં એ જોવા મળે છે કે જ્યારે જીવને છૂટવાની ભાવના જાગે છે ત્યારે તેનામાં સ્વદોષદર્શન કરવાની વૃત્તિ જાગે છે એટલું જ નહિ સ્વદોષદર્શન કરે પણ છે.
અહીં સુધી લખાયેલાં ક્ષમાપનાનાં વચનો સમજતાં એ સ્પષ્ટ થાય છે કે સન્માર્ગની પ્રાપ્તિ ઇચ્છતા જીવને “સંસારથી છૂટવાની ભાવના જાગવી તે પહેલું પગથિયું છે.' તે ભાવના અત્યાર સુધી થઈ નહોતી તે ભૂલનો પશ્ચાત્તાપ થવો જોઈએ, તથા તેના અનુસંધાનમાં નિષ્પક્ષપાત બુદ્ધિથી સ્વદોષદર્શન કરવું યોગ્ય છે. આટલે સુધી પહોંચ્યા પછી જીવ વિશેષ વિકાસ કરી મોક્ષમાર્ગમાં એક પગથિયું આગળ વધે છે –
“હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી, અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું.”
કરેલા દોષોની ક્ષમાપના કરવાથી અને કર્મરૂપી જંજીરોથી છૂટવાની તાલાવેલી વધવાથી જે સત્ય પ્રયત્નો કરવામાં આવે છે, તેનાં ફળરૂપે કર્મનાં આવરણો ઘટતાં જાય છે. તે આવરણો તૂટતાં અમુક અંશે આત્માનુભવ પ્રગટ થાય છે. પોતાને મળેલી આંશિક વિશુદ્ધિના આધારે તેને પ્રભુનાં ઉત્તમ આંતરસ્વરૂપનો અમુક અંશે ખ્યાલ આવે છે. પોતાનાં કરતાં અનેકગણાં આત્મશુદ્ધિ અને આત્મવૈભવ પ્રભુને હોવા જોઈએ એવી ગણતરી તેને થાય છે, કારણ કે પોતાનાં અંતરંગમાં જે ફેરફાર તેને થયો છે તે ફેરફાર તેને પ્રભુના આંતરવૈભવ તરફ દોરી જાય છે. આ સમજણના આધારે તે પ્રભુને “ભગવાન”ને બદલે “પરમાત્મા” શબ્દથી સંબોધે છે. પરમાત્મા એટલે પરમ આત્મા. જેમનું આંતરરૂપ જ્યોતિર્મય છે અને વિશુદ્ધિથી પૂર્ણ ભરેલું છે તે પરમાત્મા. પોતાના કષાયો થોડા નબળા થતાં જીવને ખ્યાલ આવે છે કે પ્રભુજી તો પૂર્ણતાએ કષાયરહિત બન્યા છે. આમ સન્માર્ગ મળતાં જીવનું દૃષ્ટિબિંદુ પ્રભુની બાહ્યવિભૂતિ પરથી ખસી અંતરંગ વિભૂતિ તરફ કેંદ્રિત થતું જાય છે. તેને લીધે આંતર વૈભવની ઝાંખી કરાવનાર “પરમાત્મા” સંબોધન આવે છે.