________________
ક્ષમાપના
“ભગ” એટલે ઐશ્વર્ય કે સમૃદ્ધિ. ભગવદ્ એટલે જેઓ ઐશ્વર્ય કે સમૃદ્ધિ સહિત છે તે. જીવને પ્રભુની અનેક અતિશયોથી સભર સ્થિતિ અને પોતાની પામર સ્થિતિ વચ્ચેનું અંતર સમજાયા પછી, તે જીવ પોતાનો પશ્ચાત્તાપ વિશેષ ઘેરો તથા વિશેષ ઊંડો કરી પ્રભુ પાસે પ્રગટ કરે છે. છત્રો, ધર્મધજા, સુવર્ણકમળ, સિંહાસન, સમવસરણ, અશોકવૃક્ષ, દેવદુંદુભિ, ચામર, પુષ્પવૃષ્ટિ, ૐ નાદ આદિ ચોત્રીશ અતિશયોના ધારક શ્રી પ્રભુની બાહ્ય સમૃદ્ધિ જોઈ જીવ અંજાઈ જાય છે, અને એવી સમૃદ્ધિ મેળવવાની ઇચ્છા તેનામાં જાગૃત થાય છે. પ્રભુની ભવ્યતા સામે પોતાની વર્તમાનની ભિખારી સદશ અવસ્થા જોઈ, તેનાં કારણો સમજાતાં તે પોતા માટેનો ખેદ અહીં સચોટ શબ્દોથી વ્યક્ત કરે છે. સર્વ પ્રકારની ઋદ્ધિથી વિભૂષિત થયેલા શ્રી પ્રભુને તે કહે છે કે “હું ભૂલ્યો છું.” ભૂલ કઈ કરી? જ્યાં મેં મારાપણું કરવાનું હતું ત્યાં કર્યું નહિ, અને જ્યાં મારું કંઇ પણ નથી, મારાપણું કરવા યોગ્ય નહોતું ત્યાં – તે પદાર્થોમાં મેં ખૂબ મારાપણું કર્યું છે. આ પ્રકારની ભૂલની પરંપરા મેં અનાદિકાળથી ચલાવી છે. અને તે ભૂલની પરંપરાના ફળ રૂપે આ સંસારમાં હું “આથયો અને હું “રઝળ્યો” છું. આથડ્યો એટલે અથડાયો, ભટકયો. અનેક પ્રકારે મેં કર્મ બાંધ્યા, તેના દબાણને કારણે તથા તેના ધક્કાને કારણે જે ગતિમાં જવું પડે તે ગતિમાં જઇને પરવશપણે તે દુઃખસુખરૂપે કર્મોને ભોગવ્યાં છે, તે ભોગવવામાં કોઈ પણ જાતની સ્વતંત્રતા મને મળી નહોતી તેનું સચોટ આલેખન “આથડયો” એ એક જ શબ્દથી થયું છે. આ જ પ્રમાણે “રઝળ્યો” શબ્દ પણ લક્ષ વગરના બાણ જેવા પરિભ્રમણને સૂચવે છે. કોઈ જ પ્રકારના ઉદ્દેશ વિના જીવ જ્યારે જુદાં જુદાં સ્થળોની મુલાકાત લે છે ત્યારે તે જીવ માટે “રઝળવા ગયો હતો” એવો શબ્દપ્રયોગ થાય છે. એ જ રીતે ચારે ગતિમાં જીવ ફરે છે ખરો, પણ તે ફરવા માટે તેને કોઈ નિશ્ચિત હેતુ કે લક્ષ મળ્યાં નહોતાં તે જીવને એકે ગતિમાં ખબર જ નહોતી કે તે
જીવે છે શા માટે? તેનાં જીવનનો ઉદ્દેશ શો છે! તેણે કોઈ પણ પ્રકારના ઉદ્દેશ વિના અનાદિકાળથી ચતુર્ગતિમાં પરિભ્રમણ કર્યું છે તેનું સૂચવન એક “રઝળ્યો” શબ્દથી થઈ જાય છે.
૯૫