________________
કેવળી પ્રભુનો સાથ
જેટલાં પરમાણુઓ ખરે તેટલા પ્રમાણમાં આત્માની પવિત્રતા વધે છે. મોહ અથવા તો રાગને કારણે જીવ અસત્ય આચરણ કરે છે. મોહ કે રાગ છૂટતાં જીવને વૈરાગ્ય પ્રગટે છે તથા મોક્ષાભિલાષ જાગે છે. સંસારનાં ક્ષણિક સુખો ભોગવવાની વૃત્તિ મંદ અને મંદતર થતી જાય છે. મંદતાને કારણે આત્મપ્રદેશો પર છવાયેલાં મોહનીય કર્મનાં પરમાણુઓ ખરતાં જાય છે અને આત્માની પવિત્રતા વધતી જાય છે.
મોહનીય કર્મ એવું છે કે તેના પ્રભાવથી જ્ઞાન દર્શનનાં આવરણો સહેલાઈથી વધે છે. જો મોહ પર સંયમ લેવામાં આવે તો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ પર સહેલાઈથી સંયમ વધે છે. જ્ઞાનાવરણ કે દર્શનાવરણ કર્મ તૂટે તો મોહનીય કર્મ તૂટે વા ન તૂટે, પરંતુ મોહનીય કર્મ તૂટે તો ક્રમે કરીને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ તૂટે જ. આમ હોવાથી મોહનીય કર્મ તોડવાથી આત્માની પવિત્રતા સૌથી વિશેષ વધે છે.
આ રીતે વિચારતાં સમજાય છે કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા એ ચાર ગુણો ખીલવવાથી ચારે ઘાતકર્મોનો નાશ કરવાની ચાવી મળે છે. જ્યાં સુધી પ્રભુ પ્રેરિત બોધ પ્રતિ લક્ષ ન અપાય, તેમાં જણાવેલાં તત્ત્વનો વિચાર કરવામાં આવે નહિ, ઉત્તમ શીલનું સેવન થાય નહિ, ત્યાં સુધી ચારે પ્રકારનાં ઘાતકર્મોથી જીવ બંધાતો રહે છે.
આ પરથી સમજાય છે કે સન્માર્ગ મેળવવા માટે સૌ પ્રથમ સંસારથી છૂટવાની ભાવના જીવને થવી જરૂરી છે. તે ભાવનાના અનુસંધાનમાં પૂર્વકૃત ભૂલોનો પશ્ચાત્તાપ જીવને થવો જોઈએ. ભૂલોનો પશ્ચાત્તાપ થતાં ભૂતકાળની ઘણી ભૂલો નાશ પામે છે અથવા પીગળીને નાની થાય છે, અને તે પશ્ચાત્તાપને પાયો બનાવી તેનાં સદ્વર્તનનું ચણતર જીવ કરી શકે છે. જો યોગ્ય પશ્ચાત્તાપ કરવામાં ન આવે તો ભૂતકાળમાં જે જે ભૂલો કરી છે તેનાં ફળરૂપે જીવને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે, તેનો ચિતાર તે પછીનાં વચનોમાં જોવા મળે છે –
“હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.”
८४