________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે. જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી જાય છે, તેનું શાંતસ્વરૂપ પ્રગટ થતું જાય છે. શ્રી પ્રભુના આશ્રયે તેમનાં વચનોનું આરાધન કરવાથી જીવને પરભાવ ઘટે છે; તેમાંનું મારાપણું ઘટે છે, તેથી તેનાથી નિપજતી સુખબુદ્ધિ ઘટે છે; આ સુખબુદ્ધિ ઘટતાં આત્માનું ચળવિચળપણું ટળી સ્થિરતા આવે છે, તે સ્થિરતા શાંતિના અનુભવને વર્ધમાન કરે છે. આ બધી યથાર્થ સમજણ વધતાં જીવનાં જ્ઞાનને આવરણ કરનાર ‘જ્ઞાનાવરણ’ કર્મનો નાશ થતો જાય છે. પોતા સિવાયના પદાર્થમાં સુખબુદ્ધિ ક૨વાથી જીવ વિપરીત જ્ઞાન ધરાવે છે, એટલે કે પોતાનું નથી તેને પોતાનું માની, પોતા તરફ દુર્લક્ષ કરે છે. આ વિપરીત જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાનને આવેલું આવરણ. તેથી સમજાય છે કે વિપરીત જ્ઞાન દૂર કરવા ૫૨૫દાર્થ વિશેની સુખબુદ્ધિ ત્યાગવી જરૂરી છે. તે સુખબુદ્ધિ જતાં જ્ઞાન નિરાવરણ થતું જાય અને એ દ્વારા યથાર્થ ‘શાંતિ’ ગુણ વિકસતો જાય છે.
આ વચનમાં ત્રીજો ગુણ વર્ણવ્યો છે તે છે ‘ક્ષમા.’ ક્ષમા કરવી એટલે જતું કરવું. પોતે બીજા કોઈનો અપરાધ કર્યો હોય તો પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવી એ એક; અને બીજા જીવે પોતાનો અપરાધ કર્યો હોય તેવા પ્રસંગે તે જીવ પ્રતિ બદલો લેવાની વૃત્તિ ન કરવી, તેના પ્રતિ કષાય ન કરવા, હિંસાદિ પ્રવૃત્તિ ન કરવી તે ક્ષમા આપવી આ બીજી; એમ બંને અપેક્ષાએ ‘ક્ષમા’નો ગુણ જીવે સમજવાનો રહે છે. ક્ષમા માગવાથી જીવનો માનભાવ તૂટે છે, સાથે સાથે પૂર્વે જે અયોગ્ય પ્રવૃત્તિ થઈ હતી તેવી પ્રવૃત્તિ ફરીથી ન કરવાનો ભાવ પણ તેમાં જોડાય છે. આમ પૂર્વે કરેલી દૂભવણીના એક૨ા૨ સાથે પશ્ચાત્તાપ ક્ષમા માગવામાં ગૂંથાય છે, એ દ્વારા પૂર્વે કરેલી હિંસાની નિવૃત્તિ ઇચ્છાય છે અર્થાત્ આડકતરી રીતે હિંસાની પ્રવૃત્તિ ત્યજાય છે. ક્ષમા આપવાથી, અન્ય અપરાધી જીવને શિક્ષા ન કરવા દ્વારા હિંસાથી નિવર્તવું થાય છે. હિંસા એટલે અન્ય જીવને દૂભવવા નાનામાં નાની દૂભવણીથી પ્રાણઘાતક દૂભવણી સુધીનો વિશાળ અર્થ ‘હિંસા’માં સમાવી શકાય. ટૂંકામાં કહીએ તો ક્ષમા માગવાથી પૂર્વે કરેલી દૂભવણી (હિંસા)ની નિવૃત્તિ મગાય છે અને ક્ષમા આપવાથી પોતા દ્વારા થતી નવી
-
૯૨