________________
ક્ષમાપના
તો આ આખી ક્ષમાપનામાં મોક્ષનો ઉપાય વણાયેલો જોઈ શકાય છે. તેથી આ પદની વિચારણા કરતી વખતે ધીરજથી આખી ક્ષમાપના સમજવી ઘટે છે.
“હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ. તમારાં પ્રણિત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહિ.”
જીવ જ્યારે સંસારનાં પરિતાપોથી તથા પરિભ્રમણથી છૂટવાના ભાવ કરે છે ત્યારે તેને સંસારમુક્ત શ્રી પ્રભુનો લક્ષ થાય છે. તેમનું ઐશ્વર્ય જોઈ પોતાને પણ એવા ઐશ્વર્ય મેળવવાના ભાવ જાગે છે. તેથી તે પૂર્ણસ્વરૂપ પ્રભુ સમક્ષ પ્રાર્થના કરે છે. પ્રભુનાં અઢળક ઐશ્વર્ય સામે પોતાની પામરતાનો ખ્યાલ તેને આવે છે. વળી, આ પામરતા સુધી ઘસડી જનાર ભૂલો તેનાં લક્ષમાં આવે છે અને તે પ્રભુની સમક્ષ આર્દ્ર હ્રદયે નિવેદન કરતાં કરતાં પોતે કરેલી ભૂલોની પરંપરા બાબત પશ્ચાત્તાપ કરતો જાય છે.
પહેલાં જ વચનમાં તે શ્રી પ્રભુને કહે છે કે, “હું બહુ ભૂલી ગયો.” આ મોટી ભૂલ કઈ? પોતે પોતાનાં સ્વરૂપને ભૂલીને દેહાદિ પરપદાર્થોમાં મારાપણું કરતાં કરતાં કાળ વીતાવ્યો તે જીવની મોટામાં મોટી ભૂલ ગણી શકાય. ઘણા લાંબા કાળ સુધી એકધારી સેવેલી આ ભૂલનું ભાન જીવને ખૂબ અકળાવે છે. તેથી તે વિચારણા કરતો જાય છે કે પોતાને કોઇએ ભૂલથી બચાવવા અટકાવ્યો પણ નહિ હોય? ત્યાં ખ્યાલ આવે છે કે સતત વર્તતી આ ભૂલનો ત્યાગ કરાવવા પ્રભુએ સુંદ૨ બોધ અનેક વખત આપ્યો હતો, પરંતુ પોતે પુદ્ગલ પદાર્થો પ્રતિની મારાપણાની મોહજાળમાં એવો ગૂંચાયેલો હતો કે પ્રભુનાં એ અમૂલ્ય બોધવચનો સાંભળવા પ્રતિ જરા પણ લક્ષ આપ્યું ન હતું. જો લક્ષ આપ્યું હોત તો તેમાં રહેલી કરુણા જીવને સ્પર્શી જાત અને સંસારભ્રમણ તોડવા યોગ્ય છે એવી સમજણ જીવને મળી હોત. આ રીતે અલક્ષિત રહેવાનો અફસોસ જીવના પશ્ચાત્તાપમાં વધારો કરે છે અને તેની અભિવ્યક્તિ “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ” એ વચનમાં થાય છે. શ્રી પ્રભુનાં વચનોને અમૂલ્ય ગણાવ્યાં છે કારણ કે તેના પ્રતિ લક્ષ કર્યો હોત તો સંસારમુક્તિનો ક્રમ તેમાંથી સુલભ થયો હોત.
૮૯