________________
ક્ષમાપના
અહીં જણાવેલા હેતુઓને કારણે શ્રી તીર્થંકર પ્રભુએ દરેક શ્રાવક તથા મુનિજનોને દિવસમાં ઓછામાં ઓછું બે વખત ક્ષમા માંગવાનું કર્તવ્ય બતાવ્યું છે. જે જે સંભવિત દોષો જીવ દિવસ તથા રાત્રિ દરમ્યાન કરે છે તેની યાદી કરી, તે તે દોષોની ક્ષમાપના શ્રી સિદ્ધ પરમાત્મા તથા તીર્થકર ભગવાનની સાક્ષીએ લેવાની વાત તેમાં કહી છે. સર્વ સંભવિત દોષોની યાદી સાથેની ક્ષમાપના એ જ “પ્રતિક્રમણ”. પ્રતિક્રમણ એટલે સામે પૂરે તરવું. આખો જનપ્રવાહ કર્મ બંધનના રસ્તે જતો દેખાય છે. મોક્ષમાર્ગી તેનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે કર્મકટિના રસ્તે જાય છે. જનપૂરથી વિપરીત માર્ગે કલ્યાણાર્થે જવું એટલે પ્રતિક્રમણ. મોક્ષમાર્ગમાં પ્રતિક્રમણ એ અત્યંત આવશ્યક અંગ ગણાયું છે. તે અંગનું આરાધન જેટલા વિશેષ પ્રમાણમાં થાય તેટલા વિશેષ પ્રમાણમાં મોક્ષ નજીક આવે છે.
સમર્થ શ્રી મહાવીર પ્રભુએ લોકોને પ્રતિક્રમણ તેમના સમયની લોકભાષા અર્ધમાગધીમાં કરવા સૂચવ્યું હતું. બોલચાલની લોકભાષામાં ક્ષમાપના કરવાનું એટલા માટે જણાવ્યું જણાય છે કે રોજિંદા જીવનની ભાષામાં જીવના મનોભાવ વિશેષ જોડાય છે, અને ભાવનું વદન તથા ઊંડાણ વધારે આવી શકે છે; તે કાર્યને સફળતા આપવામાં અત્યંત જરૂરી તત્ત્વ છે. આ પ્રતિક્રમણમાં જીવથી થતા લગભગ બધાં જ સંભવિત પાપકર્મોની ક્ષમા યાચી છે, એટલું જ નહિ પણ સર્વ ક્ષેત્રના એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની ત્રિકાળમાં કરેલી અશાતનાની ક્ષમા માંગી છે તેથી તે પ્રતિક્રમણ વિસ્તૃત બને તે સહજ અને સ્વાભાવિક છે. વળી, રાત્રિ સંબંધી કરેલા દોષોની ક્ષમાયાચના રાઈય પ્રતિક્રમણથી કરવાની, દિવસ સંબંધી કરેલા દોષોની ક્ષમાયાચના દેવસીય પ્રતિક્રમણથી કરવાની, તેમાંથી બચીને એકઠા થતા દોષોની ક્ષમાયાચના પાક્ષિક પ્રતિક્રમણથી કરવાની, તેમાંથી શેષ રહેતા દોષોની ક્ષમાયાચના એક માસને અંતે માસિક પ્રતિક્રમણથી કરવાની, તેમાંથી પણ ગળાઈને રહી ગયેલા દોષોની ક્ષમાયાચના છ માસિક પ્રતિક્રમણથી કરવાની, અને તેમ કરતાં પણ જે કંઈ દોષો બચી ગયા હોય તેની ક્ષમાપના વિસ્તૃત સાંવત્સરિક પ્રતિક્રમણથી કરવાની ભલામણ શ્રી પ્રભુએ કરી છે. જીવને વર્તતા દોષો ટાળવા માટે પ્રતિક્રમણમાં