________________
કેવળી પ્રભુનો સાથ
જીવ જ્યારે સ્વદોષદર્શન કરતાં શીખે છે ત્યારે બીજા પર પોતાની આફતના દોષનો ટોપલો ઓઢાડતાં પહેલાં ખૂબ વિચાર કરતો થાય છે. અને પરનાં ગુણોનું દર્શન કરવાની વૃત્તિ પણ તેનામાં ક્રમે ક્રમે જાગૃત થતી જાય છે. પોતાને જે કંઈ મુશ્કેલી આવી છે તેનું કારણ નિમિત્ત કરતાં પૂર્વમાં પોતે કરેલી ભૂલો જ (ઉપાદાન) વિશેષ જવાબદાર છે એમ તેને સમજાય છે તેથી તે કરેલી ભૂલોની ક્ષમાપના કરવા તૈયાર થાય છે. અને પોતાનું માન મોડી, વિનમ્ર બની, ક્ષમાપના કરી તે ભૂલના અશુભ પરિણામને ખૂબ મંદ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો બીજા લાભો મેળવવા સાથે જીવ નિર્માનીપણું અને વિનમ્રતાના ગુણો ક્ષમાપના કરતાં કરતાં વિશેષતાએ ખીલવી શકે છે.
ઉપર જણાવ્યાં અનેક કારણોને લીધે કરેલી ભૂલોની “પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગવાને શ્રી તીર્થકર પ્રભુએ મોક્ષમાર્ગના એક આવશ્યક અંગ તરીકે ઓળખાવ્યું છે. જે જીવના નિમિત્તે દોષ કરી જીવ અપરાધી થયો હોય, માર્ગપ્રાપ્તિ માટે અંતરાય બાંધી હોય, તે અંતરાય ક્ષમા મેળવ્યા વિના બીજી રીતે તૂટી શકતી નથી. જેનો અપરાધ કર્યો હોય તેની સાચા દિલથી પ્રભુની સાક્ષીએ ક્ષમા યાચના કરવાથી બાંધેલી અંતરાય તૂટે છે. પ્રત્યેક જીવે પોતાની સ્વરૂપપ્રાપ્તિને લગતી અંતરાય, શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવાન, શ્રી સત્પરુષ અથવા શ્રી જ્ઞાનીપુરુષની અશાતના કરવાને લીધે બાંધી હોય છે. આ અંતરાય જ્યાં સુધી શ્રી સર્વજ્ઞપ્રભુની સાક્ષીએ, સર્વ સિદ્ધ પરમાત્મા, અરિહંત ભગવાન, કેવળી ભગવાન, સપુરુષ તથા જ્ઞાનીપુરુષની સપશ્ચાત્તાપ ક્ષમા માંગવામાં ન આવે ત્યાં સુધી તૂટતી નથી. વળી, જ્યાં સુધી અંતરાય કર્મ નાશ પામે નહિ ત્યાં સુધી જીવ મોહનીય, કે જ્ઞાનાવરણ કે દર્શનાવરણ કર્મનો નાશ કરવા સમર્થ થઈ શકતો નથી. આમ માર્ગપ્રાપ્તિ માટે અંતરાય કર્મ તોડવું અનિવાર્ય છે. તે કર્મ સદ્ગુરુનાં શરણમાં રહી, શ્રી સર્વજ્ઞ પ્રભુની સાક્ષીએ સર્વ આત્માર્થી બંધુઓની કરેલી ભૂલો માટે હૃદયથી પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગવાથી તૂટે છે તે આપણે જોયું. આથી જીવ માટે ક્ષમાપના કરવી તે મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે અત્યંત જરૂરી અંગ છે તેમ કહી શકાય.