________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
આગળ વધવા જતાં મનની અવળચંડાઈને કારણે અમે ઘણી વિટંબણા વેઠી. તેથી અમને અમારી ભૂલ આપ પ્રભુની કૃપાથી સમજાઈ. જે દશાએ જે યોગ્ય છે તેનું આચરણ કરતા જવાથી વિકાસ થાય છે, તથા વિપરિત રીતે આચરણ કરવાથી નુકશાન થાય છે, તેવો અનુભવ અમને મનને જેર કરવા જતાં અનેક વખત સાંપડયો. તેથી અમને નિર્ધાર થયો કે તમારી સાથેનું એકપણું કરવા માટે શુદ્ધ વ્યવહાર નયથી આગળ વધી નિશ્ચય નયના આશ્રયે જવું જરૂરી છે. નિશ્ચયનયમાં વ્યવહારનયની અપેક્ષાઓનો ત્યાગ હોય છે, સાથે સાથે શુદ્ધ સ્વરૂપે આત્મા કેવો છે તેની વિચારણા અને અનુભવરૂપ નિર્ણયનો આશ્રય હોય છે. આ પ્રકારે, મનને યોગ્ય રીતે વાળવાથી, અન્ય સર્વ જગ્યાએ ભટકવાથી કંઈ વળવાનું નથી, અને સ્વમાં જ સાચું સુખ સમાયેલું છે એમ તેને સમજાવવાથી તે (મન) અંકુશમાં આવતું જાય છે. પર સાથે જોડાવા કરતાં સ્વ સાથેનું જોડાણ વિશેષ સુખ આપે છે, એવો અનુભવ કરવા યોગ્ય છે; એવી સમજણ દૃઢ કરવાથી મન, પરભાવ ત્યાગી, આત્માને સ્વભાવમાં સ્થિર થવા દે છે.
આ રીતે બાહ્ય અવલંબનો છોડતા જવાથી અને અંતરંગનો આશ્રય કરતા જવાથી શુદ્ધ વ્યવહારનયનું સ્થાન પ્રારંભિક નિશ્ચયનય લેતો જાય છે. જ્યારે નિશ્ચયનયનો આશ્રય છૂટે છે ત્યારે જીવ શુદ્ધ વ્યવહારનયમાં આવી સવિચારવાળી – શુભવિચાર વાળી અવસ્થા ગ્રહણ કરે છે.
અહો શ્રી અરનાથ પ્રભુ! આપની સવિશેષ કૃપાથી મનને નાથવાની ચાવી અમને મળી, તે માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પરંતુ જ્યાં સુધી અમે તમારી સાથેનું એકપણું અનુભવી શકીશું નહિ ત્યાં સુધી અમારી પ્રીતિ એક પક્ષીય ઠરવાની છે, કારણ કે ત્યાં સુધી ભગવાન અને ભક્ત વચ્ચેનો ભેદ ભૂંસાતો નથી. તમે પૂર્ણતાએ નિર્વિચાર છો અને અમે મુખ્યતાએ સવિચાર છીએ તેથી તમારી સાથેની એકતા અમે લઈ શકતા નથી. આપણી વચ્ચેનો જો આ ભેદ ભૂંસાય, અર્થાત્ અમે પણ અમુક ક્ષણો માટે નિર્વિકલ્પપણું અનુભવી તમારી દશાને માણી શકીએ તો જ અમારો પુરુષાર્થ અને તમારી કૃપા સાર્થક થઈ ગણાય. માટે હે અરિહંત! તમે અમારા