________________
કેવળી પ્રભુનો સાથ
પ્રત્યેનો વિનય સમાયેલો છે. આમ અંતરાય કર્મ તોડવા માટે જીવે જ્ઞાનીના શરણે જવા સિવાય બીજો કોઈ સ્વતંત્ર પુરુષાર્થ કરવાનો રહેતો નથી. માટે જેણે જ્ઞાનીનું અનન્ય શરણ સ્વીકાર્યું છે તેને માટે અંતરાય કર્મ સહુથી નિર્બળ થઈ જાય છે.
બાકીના ત્રણે (અંતરાય સિવાયના) ઘાતી કર્મો જીવે પોતે પુરુષાર્થ કરીને તોડવા પડે છે. આ ત્રણમાં સૌથી બળવાન મોહનીય કર્મ છે, અને તેને કારણે ઘાતી અઘાતી કર્મો બંધાતા રહે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો યથાર્થ નાશ થતો નથી ત્યાં સુધી અન્ય કર્મો બંધાતા જ રહે છે, પુરુષાર્થ કરી તેને હળવા બનાવવામાં આવે છતાં મોહની એક ઝાપટથી તે પાછા બળવાન થઈ જાય છે. શાસ્ત્રના વાંચન આદિ ઉપાયોથી મેળવેલી સમજણ મોહનું મોજું ફેલાતા વિલિન થઈ જાય છે. આવા જ હાલ દર્શનાવરણ કર્મ માટે પણ થાય છે. પરંતુ જે જીવ પુરુષાર્થ કરી મોહનીય કર્મ ક્ષીણ કરતો જાય છે તેને, તેના અનુસંધાનમાં જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ ખીલતી જાય છે. જ્ઞાનાવરણ કે દર્શનાવરણ કર્મ તોડવાથી એના અનુસંધાનમાં મોહ તૂટતો નથી, પણ મોહનીય તોડતાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ક્ષીણ થતાં જાય છે, માટે મોહનીય કર્મનું બળવાનપણું સમજાય છે. આપ શ્રી જિનેશ્વર પ્રભુની અસીમ કૃપાથી અમારો સંસારી પદાર્થો પ્રતિનો મોહ ઘટવા લાગ્યો છે, અને અમારાં મિથ્યાજ્ઞાન તથા મિથ્યાદર્શન સમ્યક્તાને પામ્યાં છે.
અજ્ઞાન અવસ્થામાંથી પ્રગતિ કરી જીવ જ્યારે જ્ઞાનાવસ્થામાં આવવા ઈચ્છે છે ત્યારે તેને સહુ પ્રથમ સાચી સમજણની જરૂર છે. જો સમજણ સવળી ન હોય તો જીવ સાચી પ્રવૃત્તિ કરી શકતો નથી. તેથી સમ્યક્ સમજણ અનિવાર્ય છે. પ્રાથમિક ભૂમિકામાં, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ મોહનાશ સાથે થાય છે અર્થાત્ દેહાત્માની ભિન્નતાનો અનુભવ સમજણ સાથે થાય છે ત્યારે જીવને સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. સાથે સાથે અનુભવ રૂપ શ્રધ્ધાનના દઢત્વથી સમ્યક્દર્શન પ્રગટ થાય છે. દર્શન” શબ્દ બે કર્મ સાથે જોડાયેલો છે, જ્યારે તે દ્રષ્ટિ સાથે અનુસંધાન પામે છે ત્યારે તે “દર્શનાવરણ” કર્મ બને છે; અને જ્યારે તે શ્રધ્ધાન સાથે અનુસંધાન પામે છે ત્યારે મોહનીયના “દર્શનમોહ” નું સૂચવન કરે છે. આત્માનું સાચું દર્શન ન થાય તે દર્શનાવરણ અને આત્મા પ્રતિની સાચી શ્રધ્ધા થવા ન દે તે દર્શનમોહ કર્મ છે.