________________
આત્મવિકાસની યાત્રા
“શ્રી કેવળીપ્રભુનો સાથ, ભાગ-૧”નું આમુખ લખવાનું કાર્ય મને સોંપ્યું તેને હું મારું અહોભાગ્ય સમજું છું. શ્રી ચોવીશે તીર્થંકર ભગવંતને મારી કોટિ કોટિ વંદના.
થોડીક અંગત વાત તથા થોડાંક સંસ્મરણો મૂકવાની રજા લઉં છું. લગભગ પંચાવનેક વર્ષ પહેલાંથી સરયુબેનના ઘરે ‘મોરબી હાઉસ' જવાનું ઘણીવાર થતું. હું તથા સરયુ સહાધ્યાયી હતા, તેથી શાળામાંથી નીકળી, બપોરના સમયે હું તેને ત્યાં ઘણી વા૨ જતી. એ દિવસોની મીઠી મધુર યાદો મેં મારાં હ્રદયની ગઠરીમાં સંગોપી રાખી છે. સરયુના વાત્સલ્યમૂર્તિ માતા પ.પૂ. સુશીલાબેન અને ૫.પૂ પિતાશ્રી ભોગીલાલભાઈનાં નિર્ભેળ સ્નેહ અને મમતા માણવાનું સદ્ભાગ્ય મને સાંપડયું હતું. તેમની પાસેથી મને માતાપિતા તરીકેનો સ્નેહ મળતો રહ્યો હતો. તેઓ બંનેને મારાં હ્રદયની ભાવપૂર્વકની વંદના હો.
એકવીસમી સદીનાં ગ્લોબલ સંસ્કૃતિનાં આક્રમણવાળાં, પશ્ચિમનાં પવનનાં પ્રદુષણવાળાં, વર્તમાન જીવનમાં મચી રહેલી અફડાતફડીવાળાં, અશાંતિ, આતંક, રાગદ્વેષ અને વેરની ભાવનાથી ભરેલા વાતાવરણમાં ફસાયેલી આ માનવજાતને જરૂર છે, ‘આત્મા’ને જાણવાની, ઓળખવાની, સમજવાની અને માણવાની.
આત્માને જાણવાથી શરૂ કરી માણવા સુધીનો વિકાસ ક૨વા માટે શ્રી તીર્થંકર પ્રભુએ મહામૂલો ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશને શ્રી ગણધર પ્રભુનાં માર્ગદર્શન નીચે આચાર્યોએ ગ્રંથસ્થ કર્યો હતો; જે ‘આગમ સૂત્ર’ તરીકે જૈન દર્શનમાં ઓળખાય છે. તે જૈન તત્ત્વજ્ઞાનનો અખૂટ અને વિપુલ મહાસાગર છે. અનેકાનેક સાધુ ભગવંતોએ એ મહાસાગરને ખુંદી શ્રુતજ્ઞાનરૂપી મોતીનો પરિચય આપણને કરાવ્યો છે. તત્ત્વનાં ઊંડાણને પામવાનો માર્ગ બતાવ્યો છે. અલબત્ત, સામાન્ય જનોને માટે એ માર્ગ કઠિન, અગમ્ય અથવા અસુલભ રહ્યો છે, તેમ છતાં જેને એ પ્રાપ્તિની અદમ્ય ઇચ્છા જાગે છે તેને તે માર્ગ અવશ્ય મળે જ છે.
ઘણીવાર શ્રી તીર્થંકર પ્રભુની શાંત મુદ્રા સહિતની પ્રતિમા કે છબી જોઈને આપણાં અંતરમાં ભાવ ઊઠે છે કે, “હે પ્રભુ! અમે તારા જેવા ક્યારે થઈશું? અસાર એવા સંસારમાંથી, તેનાં બંધનોમાંથી અમને મુક્તિ ક્યારે મળશે? અલ્પમતિવાળા તથા પામર એવા અમે તમારા જેવા થવાની ઝંખના રાખીએ છીએ, તે ક્યારે સફળ થશે? વગેરે.”
xxviii