________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુ! અમે આ વીર્યની ઉત્કૃષ્ટતા સુધી પહોંચી શકીએ એવો પુરુષાર્થ મેળવવા પ્રાર્થીએ છીએ.
જીવને ત્રણ પ્રકારનાં વીર્ય પ્રગટી શકે છે (૧) મૈથુન સુખ ભોગવવામાં ઉપયોગી થાય તે શરીર ધાતુરૂપ વીર્ય – શારીરિક વીર્ય, (૨) મન, વચન તથા કાયાના યોગ મારફત ભોગવાતું આત્માનું બળ, તેને લીધે વિભાવમાં જઇ, કર્મબંધન કરી આત્માને સંસારમાં ચતુર્ગતિમાં શાતા – અશાતા ભોગવવા ભમવું પડે છે તે સાંસારિક વીર્ય, (૩) મન, વચન તથા કાયાના યોગને નબળા કરી, રત્નત્રયની આરાધનથી વીયતરાયનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક ભાવે જે અક્ષય આત્મિક વીર્ય પ્રગટ થાય છે તે શૈલેશી વીર્ય અથવા ક્ષાયિક વીર્ય. જે જીવનું વીર્ય કામને વશ થાય છે, તેનો આત્મા વિષય સુખનો ભોગી થાય છે. વળી મન, વચન તથા કાયાના ત્રણ યોગરૂપ વીર્યને લીધે જીવ સંસારનો ભોગી થાય છે. પરંતુ જો જીવ શૂરવીરપણું રાખી, આત્મામાં જ ઉપયોગવંત રહે તો તે આત્મા અયોગી – મન, વચન તથા કાયાના યોગ રહિત – બની ચૌદમા ગુણસ્થાને આવે છે.
અહો મહાવીર! આપના નામમાંથી સૂચવન થાય છે તે પ્રમાણે અમારે મહાવીર – શૂરવીર બનીને તેનું વર્ધમાનપણું કરતાં કરતાં અમારા આત્મામાં જ ઉપયોગવંત થવાનું છે. આ પ્રકારે વર્તન કરીને અમે ચૌદમા અયોગી ગુણસ્થાન સુધી વિકસી શકીશું, અને સિદ્ધાલયના વાસી થઈ અનંત અવ્યાબાધ સુખનો ભોગવટો કરવા ભાગ્યવંત થઇશું. આવું ઊંડું અને અદ્ભત રહસ્ય સમજાવવા બદલ આપનો ખૂબ ઉપકાર માની વંદીએ છીએ.
આપની અવર્ણનીય કૃપાથી જ અમે જાણી શક્યા છીએ કે આવા ઉત્તમ વીરપણાનું પ્રેરક જે વીર્ય છે, તેનું ઉત્પત્તિસ્થાન તો આત્મા જ છે, દેહ નથી. જેમ જેમ આત્મા ધ્યાનમાં – સ્વરૂપ સ્થિરતામાં આગળ વધે છે, તેમ તેમ પોતાના આત્મામાં કેટલી સ્થિરતા છે, કેટલું વીર્ય પ્રગટ થયું છે તેની જાણકારી તેને ધ્યાનના જ્ઞાનથી આવી શકે છે. વીર્ય અને ધ્યાન એ દેહની પેદાશ કે એકાગ્રતા નથી, પણ મુખ્યતાએ આત્માની સ્થિરતા છે.