________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
વીરતાનું ઉત્કૃષ્ટપણું જેનામાં હોય તે જ ખરા મહાવીર. મળેલા વીર્યને સતત વધારતા જવું, તેનું વર્ધમાનપણું કરવું તે મહાવીરનું કર્તવ્ય ગણાયું છે. આઠે કર્મનો ક્ષય કરી, પૂર્ણ શુદ્ધ થઈ, સિદ્ધભૂમિમાં સ્થાયી થવા માટે આ ઉત્તમ વીર્ય અનિવાર્ય છે. આપ વર્ધમાન સ્વામી પાસેથી ભાવિમાં અમને ખૂબ ઉપયોગી થાય તેવી આ સમજણ પામીને અમે ધન્યતા અનુભવીએ છીએ. કારણ કે વીર્યની વર્ધમાનતાથી જ અમારાં ચારે ઘાતી કર્મોનો ક્ષય ભાવિમાં થઇ શકવાનો છે, અને એ જ વીર્યના આધારે નવું એક પણ ઘાતી કે શાતાવેદનીય સિવાયનું અઘાતી કર્મ અને બાંધીશું નહિ. વળી, પૂર્વ સંચિત અઘાતી કર્મો પ્રત્યેક સમયે નિવૃત્ત કરતા જઇ આઠે કર્મથી મુક્ત થઈ અમે મુક્તિનાં સુખને માણીશું.
અહો શ્રી વીરપ્રભુ! આપની કૃપાદૃષ્ટિથી અમને સમજાયું છે કે અમારા જેવા છદ્મસ્થ જીવોનું વીર્ય વેશ્યા સાથે યોગ-જોડાણ કરીને સ્થૂળ તથા સૂક્ષ્મ ક્રિયાઓ કર્યા જ કરે છે. એના પરિણામે પ્રત્યેક સમયે અમારો આત્મા અનંતથી અનંતાનંત પુદ્ગલ પરમાણુઓની વર્ગણા સ્વીકારી, આત્માના પ્રદેશોને કર્મથી આવરી દે છે. આપની આપેલી સમજણથી અમને જણાયું છે કે જેમ જેમ વીર્યની ખીલવણી થતી જાય છે તેમ તેમ કર્મક્ષય થતો જાય છે, અને યોગની પ્રક્રિયા મંદ થાય છે. સર્વ ઘાતી કર્મોનો પૂર્ણતાએ ક્ષય થાય છે ત્યારે આત્માનું વીર્ય ઉત્કૃષ્ટતાએ પહોંચે છે, તેથી કેવળી પર્યાયમાં આત્મા યોગ સાથે સતત જોડાયેલો રહેતો નથી; એટલે કે યોગની ક્રિયા આત્મામાં પ્રવેશ પામી શકતી નથી. કેવળીપ્રભુ અમુક અમુક સમયના આંતરે યોગ સાથે એક સમય માટે જ જોડાય છે, ત્યારે અનંત શાતાવેદનીયના પરમાણુઓ જ ગ્રહણ કરે છે, બીજા કોઇ પણ પ્રકારનાં કર્મ ગ્રહતા નથી, ગ્રહણ કરેલા શાતાવેદનીયના પરમાણુઓ બીજા સમયે જ વેદીને ખેરવી નાખે છે, અને તેની સાથે પૂર્વ સંગ્રહિત ચાર અઘાતી કર્મના પરમાણુઓ પણ ભોગવાઇને ખરતા જાય છે. આમ પ્રભુનો આત્મા જ્યારે યોગ સાથે જોડાયેલો હોતો નથી, ત્યારે યોગની આત્મા પર અસર થતી નથી. વળી વીર્યની આ ઉત્કૃષ્ટતા હોવાથી આત્માને યોગની સાથેના જોડાણ વખતે માત્ર શાતા વેદનીયનો જ આશ્રવ થાય છે.
૮પ