SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ માણસને પોતાના દીકરાઓ તરફથી જેટલો ડર હોય છે તેટલો દીકરી તરફથી નથી હોતો. વસ્તુતઃ પોતાને દીકરીનો ડર લાગે એવા કિસ્સા જ્વલ્લે જ બને છે. માતાપિતાને દીકરી માટે પ્રેમભરી લાગણી એકંદરે વધુ રહે છે. અને જે સમાજમાં દીકરી માતાપિતાનું ઘર છોડી સાસરે જાય છે એ સમાજમાં દીકરીને માતાપિતા માટે ઉષ્માભરી સાચી લાગણી, ઝંખના, ઉમળકો, દરકાર વગેરે વધુ રહે છે. જમાઈના ચડાવવાથી કે ભાભીઓનાં મેણાં-ટોણાંથી ત્રાસેલી દીકરી માતાપિતાથી વિપરીત થઈ ગઈ હોય એવી ઘટનાઓ નથી બનતી એવું નથી, પરંતુ એમાં પણ અપરીતિ સવિશેષ હોય છે, ડર નહિ. પિતા અને પુત્રનો ઉછેર એટલે જૂની પેઢી અને નવી પેઢીનો ઉછેર. બંને વચ્ચે તફાવત હંમેશાં રહેવાનો. દુનિયા સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને એની જીવનશૈલી હોય છે. યુવાનો પોતાની રીતે આગળ ચાલવા ઇચ્છે છે. વૃદ્ધો હવે અશક્ત બન્યા હોય છે. તેઓ સ્થિરતા ઝંખે છે. તેમનામાંથી સાહસિકતા ચાલી જાય છે. સંતાનો જુવાન છે, તરવરાટવાળાં છે. સાહસિક છે, સ્વપ્નશીલ છે. એમની આગળ લાંબો ભવિષ્યકાળ છે. આથી બે પેઢી વચ્ચેના અંતરમાં જ્યારે પરસ્પર વૈમનસ્યની ગ્રંથિઓ પાકી થઈ ગઈ હોય છે, ત્યારે સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. મિલકત અને એની વહેંચણી એ સંતાનો સાથેના વૈમનસ્યનું મોટું કારણ બને છે. માબાપને બેચાર દીકરાઓ હોય ત્યારે તે દરેકને સરખે ભાગે મિલકત વહેંચી આપવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. માબાપનો એકાદ દીકરા પ્રત્યેનો પક્ષપાત એમાં ભાગ ભજવી જાય છે. મિલકતના વિભાજનથી સંતાનોને સર્વથા સાચો સંતોષ થયો હોય એવું જ્વલ્લે જ બને છે. ભાઈભાઈ વચ્ચેનો સ્નેહ ઓસરે છે. દેરાણી-જેઠાણી વચ્ચે કે સાસુવહુ વચ્ચે માનસિક તણાવ ચાલુ થઈ જાય છે. માણસની મિલકત બધી જ રોકડ સ્વરૂપે નથી હોતી. એમ હોય તો ભાગાકાર સહેલા બને છે. પણ ઘર, જમીન, ઘરેણાં, દુકાન, વેપાર-ઉદ્યોગ વગેરેના રૂપમાં રહેલી મિલકતના મૂલ્યાંકનમાં મતભેદ ઊભા થાય છે. પોતે એવો ભાગ લેવો કે ન લેવો એના પ્રશ્નો ઊભા થાય છે. એમાંથી ઉગ્ર અસંતોષ પ્રગટ થાય છે. પોતાના ભાગની અમુક મિલકત માટે પોતાનો આગ્રહ રખાય છે. પછી કુટુંબક્લેશ ચાલુ થાય છે. હસતા વૃંદાવનમાં બાવળિયા ઊગવા લાગે છે. માતાપિતાની પ્રસન્નતા હણાઈ જાય છે. વાણીવ્યવહારમાં ફરજિયાત સંયમ લાવવો પડે છે. ૦૪ gk postp પુત્ર માતાપિતાને કેવો ત્રાસ આપે તેની સાચી બનેલી બે ઘટનાના સાક્ષી ચિંતક રમણલાલ શાહના શબ્દોમાં. માબાપને ચાર દીકરા હતા એ ચારે પરણ્યા ત્યાં સુધી આનંદ-કલ્લોલમાં તેઓનું જીવન એક જ ઘરમાં વીત્યું. પણ પછી તેઓને સંતાનો થતાં, કુટુંબનો વિસ્તાર થતાં ઘર નાનું પડ્યું, એટલે છૂટા થવાની વાત આવી. મિલકતની વહેંચણીમાં ભાઈઓના મન ઊંચા થયાં. માતાપિતાએ પોતાના સૌથી નાના લાડલા દીકરાને પોતાના ઘરમાં સાથે રાખવાનું ઠરાવ્યું અને મોટા દીકરાઓ બીજે રહેવા ગયા. એક વખત માએ પોતાનાં ઘરેણામાંથી એક ઘરેણું મોટી વહુને લગ્ન પ્રસંગે પહેરવા આપ્યું અને એ પાછું ન આવ્યું. એમાંથી ઝઘડા ચાલુ થયા અને વધ્યા. નાના દીકરાએ માનાં ઘરેણાંના કબાટ પર કબજો જમાવી દીધો. રોજ સાથે મંદિરે દર્શન કરવા જતાં માતાપિતાને એક દિવસ નાના દીકરાએ ત્યાં મોટી વહુ સાથે ખાનગી વાત કરતા જોયાં અને એનો વહેમ વધી ગયો. રખેને માતાપિતા કોઈને ઘર લખી આપે તો ! પોતાને ફૂટપાથ પર રખડવાનો વારો આવે. એણે માતાપિતા પર કબજો જમાવી દીધો. ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી દીધી. માબાપ બહુ કરગર્યાં ત્યારે માતાપિતા વારાફરતી મંદિરે જાય અને તે પણ નોકર સાથે જાય એવી છૂટ મળી. એક દિવસ દીકરાને કહ્યા વિના પિતા બહાર ગયા. તે દિવસે સાંજે ધમાલ મચી ગઈ. ઉશ્કેરાયેલા દીકરાએ ધમકી ઉચ્ચારી દીધી કે - ‘હવેથી ઘરમાંથી જો બહાર પગ મૂકશો તો જાનથી મારી નાખીશ.’ પછી મંદિરે જવાનું પણ બંધ કરાવ્યું. માતાપિતાનો સૌથી લાડકો દીકરો હોય અને તેના તરફથી આવી ગંભીર ધમકી મળે તો કેટલું વસમું લાગે ! માતાપિતા સૂનમૂન બની ગયાં. ‘પોતાના પાપનો ઉદય છે’ એમ મન મનાવી વૃદ્ધાવસ્થામાં શાંતિના દિવસો પસાર કરવા લાગ્યાં. પણ પછી બન્યું એવું કે નાના દીકરાને એક દિવસ કમળો થયો. એમાંથી કમળી થઈ અને ભરયુવાનીમાં જ અકાળે એનું અવસાન થયું. સતત ભયમાં રહેતા કૃશકાય બની ગયેલાં માતાપિતાએ એ દિવસે આંસુ ન સાર્યાં, પણ ભયમાંથી મુક્ત થવાની રાહત અનુભવી. પાશ્ચાત્ય દેશોમાં યુવાન કે કિશોર દીકરા સાથે અણબનાવ કે ઝઘડો થતાં માતાપિતાને મૃત્યુનો ડર લાગે છે. ઉશ્કેરાયેલો દીકરો ક્યારે અચાનક ગન લઈને ધસી આવશે એ કહેવાય નહિ. જ્યાં ઘાતક શસ્રો સુલભ છે, ત્યાં આવો ડર વિશેષ રહે છે. આવી ઘટનાઓ પોતાના દેશ-પ્રદેશમાં વારંવાર બનતી હોવાથી પોતાના મનમાં ડર પેસી જાય છે, અમેરિકા અને બીજા ધનાઢ્ય દેશોમાં માતાપિતાનું ખૂન કરનાર દીકરાઓ ઘણુંખરું કિશોરાવસ્થાના હોય છે. |jgo pi>|p tel
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy