________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
આ દશ્ય જોઈ નટકન્યા પણ ઈલાયચી કુમારના પંથે ચાલવાનો નિર્ધાર કરી દીક્ષા અંગીકાર કરે છે, ત્યારે રાજા અને રાણી પણ સંસારથી વિરક્ત બની સંયમનો વેશ ધારણ કરે છે. આમ, ચાર ચાર આત્માઓ ચારિત્રના રંગે રંગાઈ એક પછી એક ગુણશ્રેણી ચઢતાં જાય છે. તેરમે ગુણસ્થાને પ્રવેશી કેવળજ્ઞાન, કેવળદર્શન પામી શાશ્વત સુખના અધિકારી બને છે. ઉપસંહાર ઃ
‘ઈલા અલંકાર’ આ ઐતિહાસિક કથાનકમાં ઈલાયચી કુમારનું રોમાંચક જીવનચરિત્ર માત્ર નથી, પરંતુ સદ્બોધની એક અદ્ભુત કથા છે. સાહિત્યિક તત્ત્વોથી સમૃદ્ધ એવી આ કથામાં નીતિબોધ, વ્યવહારિક બોધ, ધર્મતત્ત્વનું ચિંતન વગેરેનું નિરૂપણ સહજતાથી થયું છે, જે સાંપ્રત સમયમાં પણ ખૂબ ઉપયોગી છે.
કવિશ્રીએ આ કૃતિમાં કર્મની અકળ ગતિનું સ્વરૂપ સમજાવ્યું છે. મનુષ્યના મનને કારણે એની ગતિ બદલાય છે, પરંતુ એનું કારણ માત્ર મન નહિ પણ એના કર્મનું ફળ હોય છે. અર્થાત્ જે કાંઈ થાય છે તેમાં મનુષ્ય નહિ પરંતુ તેના કર્મ જ જવાબદાર હોય છે. સામાન્ય વ્યવહારમાં નિમિત્ત કારણને પ્રધાનતા અપાય છે, પરંતુ નિમિત્ત કારણો જેનું તેને ઉપાદાન કારણ હોય તે વ્યક્તિ પર પ્રભાવ પાથરે છે. ઉપાદાનની યોગ્યતા પ્રમાણે નિમિત્તનો પ્રભાવ પડે છે. નિમિત્ત કારણ પ્રત્યક્ષ દેખાય છે; જ્યારે ઉપાદાન કારણ પરોક્ષ ભાવે હોય છે, પરંતુ મનુષ્યની દૃષ્ટિ સ્થૂલ હોવાથી પ્રત્યક્ષને વધારે વજન આપે છે. નિમિત્ત કારણથી મોહની ઉદીરણા થાય છે, પરંતુ કર્મના પરિપાક અને ઉપાદાન કરણો જે રીતે ઉદ્ભવ્યા હોય તે રીતે જ નિમિત્તનું પરિણમન થાય છે. આમ,
- ૧૦૮
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ઈલાયચી કુમારના પાત્ર દ્વારા કર્મની ઉદીરણા અને કર્મવિપાકનો સુંદર સદ્બોધ કરાવ્યો છે.
ઈલાયચી કુમારની પતન અવસ્થામાં પણ ઉચ્ચકોટિની નૈતિકતા જોવા મળે છે, જેના કારણે પ્રેમતત્ત્વનું સાચું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પ્રેમની પૂર્વભૂમિકા મજબૂત હોય અને યોગ્ય રીતે પ્રેમનું ઘડતર થયું હોય તો જ આવી ઊંચી ભૂમિકા પ્રદર્શિત કરી શકાય. એટલું જ નહિ, અંતમાં નટકન્યા પણ ઉત્તમ પ્રેમની કેડીએ ચાલવા સંકલ્પ કરી ઈલાયચી મુનિ સાથે સંયમનો પંથ સ્વીકારે છે.
ખરેખર તો નાત, જાત કે નામ તે બહારનો લિબાશ છે. નટરાજ એક સામાન્ય માનવી હોવા છતાં કેટલા બધાં ઊંચા સંસ્કાર છે ! તેથી જ ઈલાયચીકુમારને હિતશિક્ષા આપી શકે છે. અહીં માનવમતિમાં દરેક પ્રત્યે સમભાવ રહે અને કોઈ ઊંચ-નીચ નથી તેનો ગર્ભિત ઈશારો પણ કવિશ્રીએ કર્યો છે. વળી, કોઈ મહાસંકટ ઊભું થવાનું હોય તો આવી પરિસ્થિતિમાં બુદ્ધિમાન માણસે વચલો રસ્તો કાઢવો જોઈએ કે જેનાથી સંકટ પણ ટળી જાય અને શાંતિ જળવાઈ રહે. આવી વ્યવહારિક કુનેહ નટરાજના મુખે સાંભળવા મળે છે.
નટકન્યાનું અતિશય રૂપ શ્રેષ્ઠીપુત્ર માટે અને પોતાની નટમંડળી માટે પણ ભયજનક બન્યું છે. આ છે નટકન્યાનું ચિંતન ! એક સાધારણ નારીના આટલા ઉચ્ચ કોટિના વિચાર તે ખરેખર નારીજાતિનું ગૌરવ છે.
આજે એક નાનો ગૃહસ્થ પણ નાની એવી ગૃહસ્થી છોડી શકતો નથી. જ્યારે રાજા અને રાણી રાજપાટ, વૈભવ, રિદ્ધિ-સિદ્ધિ છોડી સંયમનો માર્ગ અપનાવે છે. ખરેખર અહીં અપરિગ્રહનો ઉત્કૃષ્ટ બોધ પ્રાપ્ત થાય છે.
*૧૦૯