________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
વિનોદચોત્રીસી' માં સર્બોધ સ્પંદનો
- ડૉ. કાન્તિભાઈ બી. શાહ
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કૃતિપરિચય:પદ્યવાર્તા: મધ્ય ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાનું આલેખન બે પ્રકારે થયેલું છે. ૧. સ્વતંત્ર સળંગ વાર્તા સ્વરૂપે. જેમકે હંસાઉલી, મદનમોહના વગેરે. ૨. વાર્તામાલા સ્વરૂપે. એમાં જુદી જુદી વાર્તાઓ કોઈ એક કેન્દ્રીય કથાદોરમાં ગૂંથાઈને આવે. જેમકે સિંહાસનબત્રીશી, વેતાલપચીશી, સૂડાબહોંચેરી. ‘વિનોદચોત્રીસી’ આ બીજા પ્રકારની વાર્તામાલા છે. એના નામ પ્રમાણે જ એની બધી વાર્તાઓ વિનોદરસિક છે. વસ્તુની મનોરંજકતા તો ખરી જ, પણ એ જૈન સાધુએ આલેખેલી હોઈ એ બધી કથાઓ બોધકતાના તત્ત્વવાળી પણ છે.
આધારસ્ત્રોત : ‘વિનોદચોત્રીસી' ની આ કથાઓનું કથાવસ્તુ કવિનું મૌલિક છે એમ કહી શકાશે નહીં. આ ૩૪ કથાઓ પૈકી કેટલીક કથાઓનો આધારીત આપણા પૂર્વસૂરિઓના ધર્મગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, તો કેટલીક કથાઓ અતિ લોકપ્રચલિત કથાઓના વસ્તુ સાથે સામ્ય ધરાવે છે. ‘વિનોદચોત્રીસી' ની ૯ કથાઓ (ક્રમાંક ૫ થી ૧૨ અને ૨૯) નો આધારસ્રોત વિક્રમના નવમા શતકના પૂર્વાર્ધ સુધીમાં થયેલા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ - વિરચિત ગ્રંથ ‘ઉપદેશપદ’ તેમજ તે ગ્રંથ ઉપર શ્રી મુનિચંદ્રસૂરિએ સં. ૧૧૭૪ માં રચેલી ‘સુખબોધની’ નામની ટીકામાં પ્રાપ્ત થાય છે. એમાંથી બુદ્ધિના ચાર પ્રકારોની દષ્ટાંતકથાઓ ‘ઉપદેશપદ' ઉપરાંત શ્રી મલયગિરિકૃત ‘નંદીઅધ્યયન વૃત્તિ' માં પણ મળે છે. ક્ર. ૨૧ ની કથા ગૌણ ફેરફાર સાથે આચાર્ય રત્નશેખરસૂરિએ સં. ૧૫૭૬ માં રચેલ ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ' અને એની સ્વોપજ્ઞ ટીકા ‘શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકા' માં મળે છે. ક્ર. ૮, ૨૩, ૨૪ ની કથાઓ લોકપ્રચલિત લૌકિક કથાઓનું રૂપાંતર જણાય છે.
કવિ પરિચય : ‘વિનોદચોત્રીસી' એ જૈન સાધુકવિ હરજી મુનિની મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલી ૩૪ કથાઓના સંપુટવાળી પદ્યવાર્તા છે. હરજી મુનિ વિક્રમની ૧૭ મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા કવિ છે. ઉપકેશગચ્છની દ્વિવંદણિક શાખાના સિદ્ધસૂરિ – ક્ષમારત્ન – લક્ષ્મીરત્નના તે શિષ્ય છે. આ કવિના જન્મ-દીક્ષા-સ્વર્ગવાસ આદિના નિશ્ચિત વર્ષો પ્રાપ્ત થતા નથી, પરંતુ એમની બે રચનાઓ પૈકીની ‘વિનોદચોત્રીસી' (રચના સં. ૧૬૪૧) અને બીજી, ‘ભરડબત્રીસી' (રચના સં. ૧૬૨૪૪૪) ના રચનાવર્ષો પ્રાપ્ત થતાં હોઈ આ કવિનો કવનકાળ ૧૭ મી શતાબ્દીનો પૂર્વાર્ધ નિશ્ચિત કરી શકાય છે. આ સિવાય આ સાધુકવિના જીવનવિષયક કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી.
- ૬૪
-
-
૫
-