________________
વિશ્વકલ્યાણની વાટે ભૂત-પ્રેત-યોનિ અને વ્યંતરોનો આભાસ અને કલ્પનાથી પણ ભયભીત થવાય છે. ઉંમરના સંદર્ભ માનવને અલગઅલગ પ્રકારના ભય હેરાન-પરેશાન કરે છે..
નવજાત બાળક (Infant)ને અજાણ્યા સ્થળ, અજાણ્યા અવાજ અને અજાણી વ્યક્તિનો ભય લાગે છે. ત્રણથી છ વર્ષના શિશુને એકાંત અને અંધારાનો ડર લાગે છે. આ ઉંમરનું શિશુ ઘરના વાત્સલ્યથી સભર હંફાળા વાતાવરણથી થોડું અળગું થઈ નવા સામાજિક વર્તુળ તરફ પગરણ માંડે ત્યારે શિક્ષક-મિત્રો વગેરે સાથે તેના આત્મીય સંબંધો કઈ રીતે બંધાશે, તે ઘરમાં જે મુક્ત વાતાવરણમાં રહે, તેની રીતભાત કે કાલીઘેલી બોલી બહાર સ્વીકારાશે કે કેમ તેના પ્રત્યાઘાતોનો પ્રચ્છન્ન ભય શૈશવકાળમાં હોય છે. સાતથી ૧૨ વર્ષમાં શિક્ષકનો - પનિશમેન્ટનો, કોઈ પણ ક્ષેત્રની સ્પર્ધા અને ખોટું બોલવાનો ભય વધુ લાગે છે. તેથી ઓગણીસ વર્ષ સુધીનો ટીનએજરનો સમયગાળો (Identity crisis) નિજી પ્રતિભા અંગેના સંઘર્ષનો હોય છે. જે મિત્રોની સોબત હોય, જે પ્રવૃત્તિ કરતો હોય, જે ટેવો હોય તે સારી છે કે ખરાબ, તેનો શોખ અને વર્તણૂક સમાજ તેને સ્વીકારશે કે કેમ ? કુટુંબ, સમાજ અને ધર્મની પરંપરાઓ પ્રતિ તેને ગૂંચવાડો થાય અને તે Dilemma સ્થિતિમાંથી પસાર થાય ત્યારે પણ ભયની અનુભૂતિ થાય છે.
વીસથી સત્તાવીશનો સમયગાળો, કૅરિયર, કારકિર્દી, ઉચ્ચ અભ્યાસ જે નોકરીવ્યવસાય કે ધંધામાં સ્થિર થવું છે, તેમાં સફળતા મળશે કે કેમ તેનો ભય, મહત્ત્વાકાંક્ષાઓના આ તબક્કામાં પ્રિય પાત્રની પ્રાપ્તિની તીવ્રતમ ઇચ્છા જીવનસાથી, મનગમતું ઘર મળશે કે કેમ ? યુવાને સેવેલાં સ્વપ્ન સાકાર થશે કે કેમ તેનો ભય. ત્યાર પછી ચાળીશાની વય સુધી ધંધા-નોકરી કે કટુંબજીવનના ભયો સતાવે. ત્યાર પછીની સાંઠ સુધીની વયમાં સામાજિક પ્રતિષ્ઠાને લગતા ભયનો ઉમેરો થાય. સાંઠ પછીની વયમાં પોતાની ઉપેક્ષા થવાનો, બીમારીનો, સંતાનોના અલગ થવાનો, જીવનસાથી ગુમાવી દેવાનો અને નિવૃત્તિ (Retirement) પછી શું? અને મૃત્યુના ભયનો ઉમેરો થાય છે.
સત્વશીલ જીવનશૈલી કોઈને પણ નિર્ભય બનાવે. તેથી જ મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજનું જીવન નિર્ભયતાનો પર્યાય બની ગયું હતું.
બાળકોને કદી બાવો, રાક્ષસ કે ભૂત જેવાં કાલ્પનિક પાત્રોથી ડરાવાય નહીં. માતા-પિતા દ્વારા ધર્મના સંસ્કાર અને સત્યનું આચરણ બાળકોમાં નિર્ભયતાના ગુણો ખીલવે છે.
યુવાનોમાં આત્મવિશ્વાસનું આરોપણ કરવાથી તે નિર્ભય બને છે. ધંધામાં મોટું ખોટું અને સતત ખોટું ન કરવું પડે તેવી ગોઠવણ કરવી જરૂરી.
૧૩૯
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ ધંધો-ઉદ્યોગ કે વ્યવસાય પ્રામાણિકતાથી અને નીતિથી કરનારને ભય રહેતો નથી. વ્યવહાર અને કુટુંબજીવનમાં માયા, કપટરહિત સત્ય અને સરળ આચરણથી કેટલાક ભયને નિવારી શકાય છે.
આપણે સામાજિક, ધાર્મિક કે રાજકીય સંસ્થાઓના હોદ્દા પર હોઈએ અને કોઈ પ્રસંગે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય તો તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન (Prestige issue) ન બનાવીએ તો જાહેરજીવનનો ભય ટળી જાય.
જીવનપ્રવાહમાં પ્રીતનો ભય અને ભયની પ્રીત હોય છે. મારા પ્રિય પાત્રને ગમે છે, તેને ગમતું હું નહીં કરું તો તેને દુ:ખ થશે. એ પ્રીતનો ભય અને જીવનમાં કેટલાંક કાર્યને, કેટલીક વસ્તુને અને કેટલીક વ્યક્તિને અન્ય વ્યક્તિના ભયને કારણે પ્રીત કરવી તે ભયની પ્રીત છે. આત્મીયતા હોય ત્યાં નિર્ભરતા હોય.
શંકાશીલ વ્યક્તિઓ પોતાના જીવનમાં નિરર્થક ભયનું વર્તુળ પેદા કરે છે. ઓછો પરિગ્રહ જીવનને નિર્ભયતા તરફ લઈ જાય.
ભયમાં મગજનાં તીવ્ર આંદોલનો હોય છે. ચિત્તવિકારમાં સર્વથી હાનિકારક ભય છે. ભયને કારણે ચિત્તની ચંચળવૃત્તિ, યોગની એકત્તાનો મોટો વિરોધ કરનાર માનસિક દશા છે. માટે ભયભીત એકાગ્ર ન બની શકે, ભયભીત ચિત્તનો સંબંધ સત્ય સાથે સંભવી શકે નહીં.
ધ્યાન અને કાયોત્સર્ગ અભયની સ્થિતિ સુધી લઈ જવા ખૂબ ઉપયોગી છે. જ્ઞાનસુખ ભયરહિત છે. સમજણ અને જ્ઞાનની અમૃતવર્ષાથી આત્મભૂમિ પર ભયવેદનાની આગ બુઝાઈ જાય છે અને નિજાનંદની મસ્તીની અનુભૂતિ થાય છે.
નૈતિક કે સામાજિક રીતે અસ્વીકાર્ય છૂપી પ્રવૃત્તિ કરનારને તેનો આત્મા તો ડંખે અને તેથી તેનો ભય સતાવે છે. આપણે નિર્ભય થવું હોય તો કોઈને પણ ભય પમાડે તેવું કોઈ પણ કૃત્ય ન કરવું જોઈએ. માનવી તો શું, શુદ્ર જંતુ પણ ભયભીત ન થાય તેવું વર્તન આપણા જીવનને નિર્ભયતા ભણી લઈ જશે. જૈન ધર્મમાં અભયદાનને શ્રેષ્ઠ દાન કહ્યું છે.
આ પરથી આપણને જણાશે કે જ્ઞાનીભગવંતોએ બતાવેલ પાંચ અણુવ્રત, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના આચરણમાં ભયની સમસ્યાનો ઉકેલ છે. પવિત્ર શ્લોક, સ્તોત્ર, મંત્રનું રટાણ, પરમતત્વમાં શ્રદ્ધા અને સદ્ગુરુનું શરણ આપણને નિર્ભયતાના ઉત્તુંગ શિખર પર લઈ જશે
૧૪૦