SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિક સહચિંતન પ્રયત્ન કરે છે. આજે આપણે જેમના શાસનમાં છીએ એવા વર્તમાન અવસર્પિણી કાળના ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરે આજથી લગભગ ૨૫૬૮ વર્ષો પૂર્વે વૈશાખ સુદ અગિયારસના શુભ દિને અપાપાપુરી નામના ગામમાં પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાના ઉદ્દેશથી શાસનની સ્થાપના કરી. આ તીર્થની સ્થાપના સ્વયં તીર્થંકર પરમાત્મા કરે છે. જન્મદાતા પિતા એવા તીર્થંકર સ્થાપના પછી નવજાત શ્રી ચતુર્વિધ સંઘને ‘નમો તિત્યસ’ બોલીને નમસ્કાર કરે છે. પરમાત્મા ઉપાદિષ્ટ માર્ગે ચાલતાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ એટલે શ્રી ચતુર્વિધ સંઘ. ત્રણેય લોકમાં વિશિષ્ટ લોકોત્તર અને શ્રેષ્ઠતમ શ્રી સંઘ સૌને વંદનીય અને ઉપાસનીય બને છે. શ્રી ચતુર્વિધ સંઘનાં ચાર અંગોએ જિન શાસનની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી છે. તીર્થંકરોએ સંસારના કર્માધીન જીવોને ચતુર્વિધ સંઘના માધ્યમ દ્વારા જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધનાનો સમ્યક્ માર્ગ બતાવ્યો છે. યુગ પ્રમાણે પરિવર્તન આણી ચતુર્વિધ સંઘની એવી રીતે સ્થાપના કરી છે કે આ શાસન લેખિત બંધારણ વગર પણ અઢી હજારથી વધારે વર્ષથી અખંડ ચાલ્યું આવ્યું છે. પ્રભુ મહાવીરે કલ્યાણ અર્થે સ્થાપેલ આવા શાસનમાં સર્વ જીવો શાંત-પ્રશાંત અને ઉપશાંત હોય, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જગતના જીવો ભયંકર અશાંતિના ભોગ બન્યા છે. પરિગ્રહ પ્રત્યેની આસક્તિને કારણે જમીન-સીમાવિવાદ, કુદરતી સંપત્તિ કે નદીઓનાં નીર માટે ઝઘડા કુટુંબથી શરૂ થઈ કૉસ્મિક વિશ્વ સુધી પહોંચ્યા અને કલહ પ્રસર્યો તથા વિસ્તર્યો અને હિંસા વકરી છે. વૈશાખ સુદ અગિયારસનો શુભ દિન શાસનની સ્થાપનાનો પાવન દિવસ છે. આ દિવસ આપણા સૌ માટે સમક્તિનું આનંદપર્વ છે, કારણકે પ્રબુદ્ધ કરુણાવંત પ્રજ્ઞાપુરુષ પ્રભુ મહાવીરે પ્રાણીમાત્રના કલ્યાણ અર્થે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અહિંસા-અપરિગ્રહને આચાર અને અનેકાંતનો વિચાર આપ્યો... વિશ્વશાંતિ માટે અનેકાંતવાદ ઉત્તમ વિચાર છે. કોઈ પણ વાતને અનેક દૃષ્ટિકોણથી તપાસીએ તો સચ્ચાઈ અને તેમાં રહેલા તથ્યની પ્રતીતિ થાય. ગુરુ-શિષ્ય, પતિ-પત્ની વચ્ચે, નોકર-માલિક-મજૂર વચ્ચે, બે ધર્મો વચ્ચે, બે રાજ્યો કે બે રાષ્ટ્રો વચ્ચે, શાસકો અને પ્રજા વચ્ચે, બે પક્ષો કે સહકાર્યકરોના વિચારવિનિમય વેળાએ અનેકાંત દષ્ટિકોણ નજર સમક્ષ રાખતા ગેરસમજૂતી દૂર થઈ મૈત્રીભાવ પ્રગટશે. વિસંવાદિતા દૂર થઈ સંવાદ સર્જાશે. વ્યક્તિ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય એ વાત ભગવાન મહાવીરે અનેકાંત દ્વારા સમજાવી. પશ્ચિમી દેશોના સ્વાર્થી લોકોની ८७ * સાત્ત્વિક સહચિંતન સારાય જગતના જીવો, કુદરતી સંપત્તિ આદિ સત્તા પર હક્ક જમાવવાની દુષ્ટ ભાવના અને તે ભાવનાને ચરિતાર્થ કરવા વિકાસને નામે ઉત્પન્ન કરાયેલ યંત્રવાદ, કેળવણી અને વિજ્ઞાનનાં સાધનોમાં બુદ્ધિના વ્યભિચાર દ્વારા કરાયેલા વ્યાપક પ્રચારને કારણે જગત દુઃખના દાવાનળમાં ફસાયેલું છે. તીર્થોને ભ્રષ્ટ કરવાં, શાસ્ત્રભંડારો અને ટ્રસ્ટોની ધાર્મિક મિલકત પર સરકારી કબજો જમાવવાનો કારસો, કેંદ્રીય ખાતર અને સજીવ ખેતીને બદલે હિંસક જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોને જ પ્રોત્સાહન આપવાની નીતિ પરંપરાગત ખેતી અને ભારતીય જીવનપદ્ધતિને દુષિત કરી રહી છે. નવી કલ્યાણકારી શોધોને દૂરગામી અને વિવેકબુદ્ધિપૂર્ણ દૃષ્ટિકોણથી આવકારી શકાય. પશુહત્યા, દારૂ, જુગાર, લૉટરી, કીક્લબ, નશીલી દવાઓ, ડાન્સબાર, તમ્બાકુવાળા પાનમસાલા, અભદ્ર વીડિયો ચૅનલોની પ્રવૃત્તિ દ્વારા મેળવેલ કર કે સંપત્તિ પ્રજાનું કલ્યાણ ન કરી શકે. સાધનશુદ્ધિ વિના મેળવેલ સંપત્તિ પતનનું કારણ બને છે. આનું સહચિંતન કરીએ. શાસનસ્થાપનાના આ મંગલદિને વિશ્વકલ્યાણના આ મહાયજ્ઞમાં આપણે આપણા સમ્યક્ પુરુષાર્થના સમિધની આહુતિ અર્પણ કરીએ. ચાલો, સાથે મળીને આપણે જિન શાસનના મંગલમય સ્થાપનાદિને આરાધનામાં જોડાઈ સંકલ્પ કરીએ : ચતુર્વિધ સંઘનાં ચારે અંગો, સાધુજી-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા, સમાચારી અને શ્રાવકાચારના પાલન દ્વારા અનુશાસનમાં રહેવાનો દૃઢસંકલ્પ કરીએ. - શાસનરૂપી દીપના પ્રતીક તરીક દ્રવ્યદીપકના પ્રાગટચ સાથે અજ્ઞાનનાં અંધારાં ઉલેચવા સ્વાધ્યાય દ્વારા શ્રુતદીપક પ્રગટાવીએ. શાસનસ્થાપનાના મંગલદિને આયંબિલ તપની આરાધના કરીએ. સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ કરવાનો સંકલ્પ કરીએ. ‘હું બાર વ્રતધારી શ્રાવક બનું, મને સાધુપણું પ્રાપ્ત થાય અને અંતે મને સમાધિમરણ મળે' તેવા શ્રાવકના ત્રણ મનોરથો વારંવાર ચિંતવીએ. ૐ શાસન-સંસ્થાના સંચાલનમાં સામેલ થઈ શાસનસેવક બનવાનો સંકલ્પ કરીએ. ‘નમો તિત્થસ’ ૨૦ નવકારવાળી ગણીએ. તીર્થરક્ષા-સંઘરક્ષાનો સંકલ્પ કરીએ. • જિન શાસનના અનુયાયી બનવા માટે ધર્મસ્થાનોમાં, ધર્માનુષ્ઠાનોમાં તથા અંગત જીવનમાંથી જમાનાના શાસનને હડસેલી દઈ ‘જિન’નું શાસન સ્વીકારવાનો સંકલ્પ કરીએ. વિશ્વકલ્યાણકર જિન શાસનરૂપી પેઢીની સ્થાપનાના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરીએ. ८८
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy