________________
સાત્ત્વિક સહચિંતન
પદાર્થ પુદ્દગલના વિવિધ અણુ યા અણુસમૂહ સ્વરૂપ વિવિધ વિભાગોથી ભરપૂર છે. દશ્યજગત તો વિવિધ અણુસમૂહ સ્વરૂપ પુદ્દગલનું જ બનેલું છે. તેવી રીતે આધુનિક વિજ્ઞાન પણ જણાવે છે કે, ‘સમસ્ત સૃષ્ટિ વીજળીમય છે’ અને પ્રત્યેક પદાર્થ તે વીજળીના કણ, વીજળીના તરંગોથી ભરેલા છે. માનવશરીર એક Powerhouse-વીજળીઘર છે. વિજ્ઞાન તો માત્ર જડ પદાર્થ સ્વરૂપ Electricity-વીજળી સુધી જ પહોંચ્યું છે. અહીં વીજળી એ એક પૌદગલિક શક્તિરૂપ છે. જ્યારે જૈન દર્શને આત્મિક શક્તિરૂપ વીજળીનું પણ સ્પષ્ટ અને વિશદ્ વર્ણન કર્યું છે.
જૈન દર્શન કહે છે આત્મિક વીજળીને કરન્ટ અદશ્ય શક્તિ વડે સંકલ્પના સ્પંદનથી અખંડ વિચારધારાના વાયરો દ્વારા (તાર દ્વારા) લક્ષપર્યંત લાગુ થાય તેને ઉપયોગ યા લક્ષ કહેવાય. એ રીતે વર્ણવતા ઉપયોગના કારણે, તે સમયે ઇન્દ્રિય પ્રત્યક્ષ વર્તતા પદાર્થ અંગે અગર પૂર્વે અનુભવેલ પ્રત્યક્ષતાની સ્મૃતિરૂપ પદાર્થ અંગે આત્મા પોતે વિવિધ લાગણીઓમાં વર્તી પોતાની બુદ્ધિ અને વિવેક અનુસાર પોતાનાં હિતાહિતનું યા ગ્રહણ યા ત્યાગનું લક્ષ નિર્ણિત કરી રહે ત્યારે તે નિર્ણતાને ભાવના કહે છે.
અહીં ભાવનાં પરિણામ અને પ્રવૃત્તિમાં ઉપયોગનું અનુસંધાન તો હોય જ છે. આત્મિક વિદ્યુત કરન્ટના જોડાણ વિના ભાવનાં પરિણામ અને પ્રવૃત્તિ સંભવે જ નહીં. જડ અને ચેતન પદાર્થની ભિન્નતાનું કારણ એ જ છે. જ્યાં ઉપયોગ હોય ત્યાં જ ચેતન (જીવ) છે, જ્યાં ઉપયોગ નથી ત્યાં ચેતન નથી, જડ છે.
ઉપયોગ એ જૈન પારિભાષિક શબ્દ હોવાથી કેટલાકને તેની સમજ હોતી નથી. લૌકિક ભાષાનાં ધ્યાન, એકગ્રતા, તન્મયતા, લક્ષ રાખવું, ભાન રાખવું, Concentration - ધ્યાન રાખવું. આ શબ્દો ઉપયોગસૂચક જ છે. અમુક કાર્ય કરવા બહાર નીકળનાર વ્યક્તિ તેમાંથી કોઈ કામ વીસરી જાય, ભૂલી જાય કે અધૂરું કરે ત્યારે તેને ભાન વિનાનો કહે છે. અહીં ભાન ભૂલી જવું તે જ ઉપયોગશૂન્યતા કહેવાય છે.
પ્રકંપિત વીર્ય દ્વારા જ આત્મામાં નવાંનવાં કર્મનો બંધ થતો જ રહે છે, પરંતુ તે સમયે કર્મનું શુભાશુભરૂપે ઉત્પન્ન થતું પરિણમન તો તે સમયે વર્તતા જીવના ઉપયોગના જ આધારે છે, કેમ કે, ઉપયોગ વિના વીર્ય સ્ફૂરિત થઈ શકતું નથી, માટે કર્મનું શુભાશુભપણું ઉપયોગના આધારે જ થાય છે. આ ઉપયોગની પ્રવૃત્તિ જ્યારે શુભ કાર્યમાં હોય ત્યારે શુભ ઉપયોગ કહેવાય. અશુભ કે અશુદ્ધ ભાવે પ્રવૃત્તિ હોય ત્યારે અશુભ ઉપયોગ કહેવાય.
સાધના ક્ષેત્રમાં ઉપયોગ વિનાની ક્રિયા એકડા વગરના મીંડા જેવી છે. ઉપયોગ
SC
સાત્ત્વિક સહચિંતન
એ સંચિત શક્તિની વપરાશ છે. જે શક્તિનો વેડફાટ ઈંદ્રિય જગતમાં થઈ રહ્યો છે તે શક્તિને આત્મા તરફ વાળી તે ઉપયોગ છે. શ્રુતજ્ઞાનનું આપણા ઉપયોગમાં રૂપાંતર થાય તો જ તે આપણા માટે ઉપકારી બની શકે છે.
ધર્મધ્યાન પ્રવૃત્તિ શુભ ઉપયોગ, વિષયવાસના ઇન્દ્રિયોના વિષયની પ્રવૃત્તિ અશુભ ઉપયોગ. શુભ ઉપયોગ પ્રવૃત્તિથી દેવ અને મનુષ્યગતિ મળે. અશુભ ઉપયોગથી તિર્યંચ કે નરકગતિનાં કર્મ બંધાય. તીવ્ર ક્રોધ આદિ રૌદ્રધ્યાન તે અશુદ્ધ ઉપયોગ છે. શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગ ઉપરાંત ચોથો શુદ્ધ ઉપયોગ છે. સહજ સ્વરૂપથી નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમિત રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગની પ્રવૃત્તિમાં કર્મનિર્જરા થઈ શકે અને મોક્ષપ્રાપ્તિનો માર્ગ સહજ બને છે.
મનોયોગના સંદર્ભે ઉપયોગનો વિચાર કરીએ તો મનની વિચારશુદ્ધિ જ આપણા ઉપયોગને શુભમાંથી શુદ્ધ તરફ લઈ જશે.
ઉપયોગની શુદ્ધતાથી આધ્યાત્મિક ક્ષેત્રે આત્મિક ઉત્થાન અને વિશ્વશાંતિ છે, જ્યારે ઉપયોગની અશુદ્ધતાએ આત્મિક પતન, વિશ્વમાં વેર, ઝેર, ઈર્ષા, ઝઘડા અને યુદ્ધો સર્જાય છે. વળી, ઉપયોગની અશુદ્ધતા તે માનસિક વિચારોની મલિનતાને કારણે હોઈ અજ્ઞાનના વિકૃત વિચારોથી માનવીના બાહ્ય શરીરમાં પણ વિવિધ રોગો ઉત્પન્ન થાય છે. માટે આપણે વિચારશુદ્ધિ ટકાવી રાખવા લક્ષ આપવું જરૂરી છે.
સાહ્યોનું વાંચન, આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત અને સદ્ગુરુનો સત્સંગ આપણી વિચારશુદ્ધિને ટકાવી રાખશે.
શુદ્ધાપયોગાર્થી જીવે સદા જાગૃતિ રાખવી કે વર્તમાન સમયે હું પૌદ્ગલિક પરિણામોનો ગ્રાહક છું કે નિજ પરિણામ આત્મધર્મનો ગ્રાહક છું ? વળી, ચિંતવવું કે ઇન્દ્રિયજન્ય સુખથી હું નિવૃત્તિ ઇચ્છું છું અને મારી ગ્રાહકતા અને રમણતા પરગુણ પર્યાયથી સ્વગુણપર્યાયની બને. હું આત્મિક શક્તિને ચાહું છું. ચેતનશક્તિને ફોરવવા ઇચ્છું છું. આ જાતનું ચિંતન અને જાગૃતિ સેવવાથી આપણા શુભ ઉપયોગની યાત્રા ક્રમેક્રમે શુદ્ધ ઉપયોગની વૃત્તિ તરફ થશે.
વિશ્વમાં ચોતરફ ભોગ-ઉપભોગની સંસ્કૃતિનો વિસ્તાર થઈ રહ્યો છે, જ્યારે જૈન ધર્મની શ્રમણ સંસ્કૃતિએ વિશ્વને ઉપભોગ નહિ, પણ ઉપયોગની સંસ્કૃતિની ભેટ આપી છે. રોજબરોજના વ્યવહારુ જીવનમાં ભોગ-ઉપભોગમાં સંયમ જીવને શુભ ઉપયોગ તરફ લઈ જશે. નિશ્ચયે શુભ ઉપયોગ સાધકને શુદ્ધ ઉપયોગ તરફ લઈ જશે અને આ શુદ્ધ ઉપયોગ જ જીવને શિવ સુધીની યાત્રા કરાવશે.
૭.