________________
સંયમ જીવન અને જૈન ધર્મ
- પૂ. સાધ્વી સુતિર્થીકાજી
વનમાં ખોવાયેલ યાત્રીને ધ્રુવનો તારો દિશા બતાવે છે.
ગાઢ રાત્રિને સૂર્યનું વિમાન ઉજ્જવલ દિવસમાં રૂપાંતરિત કરે છે. જૈન દર્શન, તે ધ્રુવના તારા સમાન છે.
જૈન દર્શન, સૂર્યના વિમાન સમાન છે... કારણકે અસત્યના ભવંડરમાંથી સત્યના આકાશમાં તે જ તો લઈ જાય છે.
આત્મવિશ્વાસની છે જૈન દર્શન, આત્મસંકલ્પ છે જૈન દર્શન.
આત્મલગની છે જૈન દર્શન, આત્મખ્યાતિ છે જૈન દર્શન. આવાં આત્મવૈભવી દર્શનના દૃષ્ટિકોણને ચાલો થોડું સમજીએ.
વસ્તુમાં વસ્તુપણું, વસ્તુને વસ્તુ બનાવે છે. વસ્તુપણું એટલે કે વસ્તુત્વ. જો વસ્તુત્વ નહીં તો વસ્તુનું હોવાપણું પણ નિરાધાર છે. સાકરમાં મીઠાશ ન હોય તો તે સાકર કહેવાય નહીં. કારેલામાં કડવાશ ન હોય તો તે કારેલું કહેવાય નહીં, અર્થાત્ સારમાં સાકરપણું અને કારેલામાં કારેલાપણું ન હોય તો તે સાકર અને કારેલાનું અસ્તિત્વ હાજર નથી એમ કહેવાય તેમ જ એક જૈનીમાં જૈનપણું ન હોય તો તેનું જૈન હોવું નિરાધાર છે. જૈનત્વ જ વ્યક્તિત્વે જૈન બનાવનાર હોય છે; જન્મથી, કુળથી, ગોત્રથી કે નામથી કોઈ જૈન હોતું નથી.
જૈન દર્શન બહુ જ સ્પષ્ટપણે એવું માને છે કે જૈનત્વ એ કોઈ જૈનોની મોનોપોલી નથી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સાચા બ્રાહ્મણની વ્યાખ્યા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં જે રીતે આપી છે, તેનાથી તેઓએ માત્ર બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ જ નહીં, પરંતુ જૈનોનું જૈનત્વ પણ સ્પષ્ટ કર્યું છે. જેમ કોઈ વ્યક્તિ જન્મથી, કુળથી કે ગોત્રથી બ્રાહ્મણ નથી હોતી તો કોઈ વ્યક્તિ જન્મથી, કુળથી કે ગોત્રથી જૈન શી રીતે હોઈ શકે ? આ વાત કહીને એક ગંભીર વાત ખૂલે છે કે જૈન દર્શનને સંકુચિત વિચારધારાથી તોળવું એ સૃષ્ટિને કૂવા જેટલું સમજવું છે. માટે જૈન દર્શનને સમજવા એક વિસ્તૃત વિચારધારા અપનાવવી એ અતિઆવશ્યક છે.
પદ્દર્શનમાંથી ત્રણ દર્શનોને આસ્તિક દર્શન તથા ત્રણ દર્શનને નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. તેમાં જૈન, બૌદ્ધ અને ચારવાક તે નાસ્તિક દર્શન કહેવાય છે. આ મતનું ખંડન તો નહીં, પરંતુ તેનું બીજું એક પાસું આજે સમજવાનો પ્રયાસ કરીએ.
૪૩
...અને જૈન ધર્મ આસ્તિક્તા અને નાસ્તિકતાની સાચી પરિભાષા શું ? જે અસ્તિત્વને માને તે આસ્તિક અને જે અસ્તિત્વને ન માને તે નાસ્તિક. આ પરિભાષા તે શબ્દોને શોભતી હોય એવું લાગે. જે દર્શનનો આધાર જ અસ્તિત્વ હોય, જેના સર્વ સિદ્ધાંતો એક અસ્તિત્વ પર આધારિત હોય, એ દર્શન નાસ્તિક શી રીતે હોઈ શકે ? હા, ચોક્કસ નિશ્ચયથી પરમાત્માના કર્તુત્વભાવનો નકાર તે કરે છે, પરંતુ પરમાત્માના અસ્તિત્વનો નકાર કદાપિ તેણે નથી કર્યો. હવે તેને નાસ્તિક કહેવું કે આસ્તિક તે વિવાદનું કારણ નહીં, પરંતુ ચિંતનનું કારણ બનવું જોઈએ. વાસ્તવમાં તો જૈન દર્શન નથી આસ્તિક નથી કે નાસ્તિક. અસ્તિ અને નાસ્તિ તો એકાંતવાદનો વિષય હોય, જેની માતા જ અનેકાંતવાદ છે એવું આ દર્શન તે આસ્તિક કહેવાય કે નાસ્તિક તેનાથી સાચા જૈનીને ફરક પડતો નથી. તેને તો આસ્તિકતા અને નાસ્તિકતાથી પરે થવામાં જ રસ છે.
જે આસ્તિક બન્યો તે સમર્થક બની જશે અને જે નાસ્તિક બન્યો તે વિરોધી અને જે સમર્થન તથા વિરોધ સ્વયંના અનુભવથી ઉત્પન્ન નથી થયો તે સમર્થન અને વિરોધની કોઈ કિંમત જૈન દર્શનને નથી. જૈન દર્શન તો સન્માન રાખે છે તેનું જેણે સત્યનો અનુભવ કર્યો છે. માટે જેણે સત્યને એક વાર અનુભવ્યું તે કોઈનો એકાંત સમર્થક કે એકાંતવિરોધી બની ન શકે. એટલે જ જૈન દર્શનને માત્ર જૈન દર્શન નહીં, પરંતુ સત્ય દર્શન કહી શકાય. માત્ર જૈન દર્શન જ નહીં, અપિતુ જેજે દર્શન સત્યનું દર્શન કરાવે તે સર્વ દર્શન સત્ય દર્શન કહી શકાય. હા... એક એવું દર્શન જે દર્શનની શુદ્ધિને સાધનાનું સર્વપ્રથમ પગલું માને છે તે જૈન દર્શન. જેની દૃષ્ટિ મિથ્યા માન્યતાથી મુક્ત છે તે શુદ્ધ દૃષ્ટિનો ધણી. હજી સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જે માન્યતામાત્રથી જ મુક્ત છે તેની દૃષ્ટિ શુદ્ધ. જે માનતો નથી પણ માત્ર જાણે છે... પોતાને અને બીજાને-તે જ માન્યતાઓથી મુક્ત કહેવાય. બાકી જ્યાં માનવાપણું છે ત્યાં આસ્તિકતા અથવા નાસ્તિકતાને સ્થાન છે, પરંતુ જે માત્ર જાણે છે તે જ બંનેથી પરે છે, તે જ અલૌકિક છે... અને તે જ સાચો સત્યપ્રેમી છે.
*
જૈન દર્શન સત્યરૂપી ખજાનાને સાચવનારો એક રહસ્યમય પિટારો છે, જેનો એક દરવાજો વ્યવહાર છે તો બીજો નિશ્ચય. કોઈ એક દરવાજો ઉઘાડવાથી ખજાનો મળતો નથી. એકલા વ્યવહારને જાણવાથી સત્ય હાથ નહીં લાગે અને એકલા નિશ્ચયને જાણવાથી સત્યમાંથી સત્યની સુગંધ ઊડી જશે. કેટલાક એવું માને છે કે જૈન દર્શન એટલે કે નિષેધાત્મક દર્શન. દરેક વસ્તુનો નિષેધ કરી ત્યાગ કરી દેવાનું દર્શન. કેટલાક એવું માને છે કે નિર્લેપતાના નામે દરેક વિષયને સહમતી આપનારું દર્શન. અહીં આવશ્યક છે કે જૈન દર્શનને ઊંડાણથી સમજવાનો સમ્યક્ પ્રયાસ કરવામાં આવે.
૪૪