________________
‘ભાષ્યો અત્ર અગોપ્ય.’ કૃપાળુદેવે શબ્દપ્રયોગ વાપર્યો છે, ‘અગોપ્ય’. અગોપ્ય એટલે કંઈ પણ વસ્તુ છૂપાવ્યા વિના, યથાતથ્ય, ખુલ્લંખુલ્લાં, જેવો શ્રી વીતરાગે મોક્ષમાર્ગ ભાખ્યો છે તેવો જ. તે જ પ્રકારે આ માર્ગ અમે કહીએ છીએ. એમાં કોઈ પ્રકારની બાંધછોડ નથી. સંપૂર્ણ માર્ગ, વિશુદ્ધ માર્ગ – એ અમે અહીં ભાખ્યો છે. અહીં કહે છે, મોક્ષનો માર્ગ કંઈ બહાર નથી. પણ આત્મામાં છે.’ અને તે માર્ગ અગોપ્ય, યથાતથ્ય, કંઈ પણ છૂપાવ્યા વિના કહીએ છીએ. આ આ ગ્રંથનું અભિધેય છે. આ આત્મસિદ્ધિ ગ્રંથનો ઉદ્દેશ છે કે કાળબળના કારણે છિન્ન-વિછિન્ન થયેલા, છેદ-વિચ્છેદ પામેલા, ખંડ-ખંડિત થયેલા, મોક્ષમાર્ગને અગોપ્ય રૂપની અંદર ભગવાને જગતના જીવોની સામે ખુલ્લો કરી દીધો. આ આત્મસિદ્ધિ ગ્રંથનો હેતુ છે.
કેના માટે આ મોક્ષમાર્ગ અગોપ્યરૂપમાં ભગવાને કહ્યો ? આત્માર્થી માટે. વિચારવા આત્માર્થીને ભાષ્યો અત્ર અગોપ્ય.' આ આત્માર્થી સિવાયના જીવો માટે નથી. જે જીવોને એ માર્ગે જવું છે, જેને ઝંખના છે, જેને એ માર્ગે જવાની ઇચ્છા છે તેના માટે એ માર્ગ ખુલ્લો હોવો જોઈએ, સુગમ હોવો જોઈએ. સ૨ળ હોવો જોઈએ. જેને એ માર્ગે નથી જવું તેને તો જે ગામ ન જવું હોય એની દિશા શું કામ પૂછવી ? જો મોક્ષ મેળવવાની ઇચ્છા ન હોય, જો સંસારથી હજુ થાક લાગ્યો ન હોય, જો પરિભ્રમણમાં અને સંસારનાં સુખમાં આનંદનું વેદન થતું હોય તેના માટે ભગવાન આ માર્ગની વાત કરતાં નથી. માટે બીજી જ ગાથામાં કહ્યું કે જેને આત્મા પામવો છે એવા આત્માર્થીને ઉદ્દેશીને આ ગ્રંથ કહ્યો છે. જેને આત્માનો અર્થ સારવો છે એવો આત્માર્થી. એવા જગતના જીવો છે જેને આત્માર્થ પામવો છે તે બધા આત્માર્થી છે. તેવા આત્માર્થીને અમે વિચારવા માટે આ મોક્ષમાર્ગ કહીએ છીએ. કારણ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. મોક્ષમાર્ગનું જ્ઞાન વિચારવાથી થાય. આ તો અત્યંતર માર્ગ છે. અને અત્યંતર માર્ગ વિચારણાથી ખૂલે છે. માટે એમ કહ્યું છે કે, આત્માને કર્મથી મુક્ત કરાવો. કર્મબંધના હેતુઓથી અટકાવે, સ્વરૂપની સંપ્રાપ્તિ કરાવે તે મોક્ષમાર્ગ છે. કેવળ સમવસ્થિત શુદ્ધ ચૈતન્ય તે મોક્ષ. અને તેનું અનુસંધાન તે મોક્ષ માર્ગ. આવો મોક્ષ માર્ગ આત્માર્થી જીવો વિચારી શકે માટે અમે અહીં કહીએ છીએ.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરૂણા ઊપજે જોઈ. (૩)
ભગવાને અહીં આત્માર્થી જીવોના બે પ્રકાર કહ્યાં છે. કોઈ ક્રિયાને જ વળગી રહ્યાં છે; અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યાં છે; એમાં જ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે.’
પહેલી ગાથામાં ભગવાને કહ્યું, જગતના જીવો મૂળ પદનું સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખને પામ્યા છે. બીજી ગાથામાં કહ્યું કે, કાળ બળને લીધે, પુદ્દગલનું, ભૌતિકતાનું સામ્રાજ્ય, materialism, સુખના સાધનની એટલી બધી વિપુલતા, અધિકતા છે અને પુદ્ગલનું, પૈસાનું, ધનનું એટલું બધું મહત્ત્વ વધી ગયું છે કે જગતના જીવોને આ સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ લોપ થઈ ગયો છે.
回
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 42