________________
પ્રશ્ન કરવાનો રહેતો નથી. સર્વ ખુલાસા એમાંથી થાય છે. સોભાગભાઈ તો પ્રશ્નો ધોધની જેમ પૂછતા. કૃપાળુદેવ જવાબ લખે કે ન લખે પણ તેમના પ્રશ્નો ચાલુ જ હોય. હવે કહે છે, “કોઈ પ્રશ્ન પૂછવા જેવું રહ્યું નથી.” બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ છે. બધી જ જિજ્ઞાસાનું સમાધાન થઈ ગયું છે. આવા શાસ્ત્રપાઠીને હવે કાંઈ પૂછવાપણું નથી રહેતું તેનું કારણ આળસ નથી. પણ “આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં બધાં જ ખુલાસા થઈ જાય છે. કોઈ પૂછે કે તમે કયા મારગમાં ? અને તમારો ધર્મ કયો ?” તો એને એમ જવાબ દેવા ધારું છું કે, “અમારો આત્મસિદ્ધિ માર્ગ છે અને એ જ ધર્મ છે તો એ જવાબ દેવો ઠીક લાગે છે ?
જેઠ સુદ ચૌદસના છેલ્લો પત્ર લખે છે. દેહ ને આત્મા જુદાં છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન આઠ થયાં, આપની કૃપાથી, અનુભવ ગોચરથી, બેફાટ પ્રગટ જુદો દેખાય છે. રાત અને દિવસ, આપની કૃપાથી આ ચેતન અને આ દેહ એમ સહજ થઈ ગયું છે.” આ પુરુષ આત્મા પામ્યો. આ અનુભવનો વિષય છે. વાદવિવાદ, તર્કનો વિષય નથી. ખંડન-મંડનનો વિષય નથી. કોઈ તાર્કિક ન્યાય અહીં લગાડવો નહીં. આને અનુભવ ઉપર જ લેવાનું. હવે તો ચેતન અને દેહ આપની કૃપાથી સહજ થઈ ગયું છે. હવે તો પ્રયત્ન પણ ન કરવો પડે. આ ભેદજ્ઞાન થયું. શેનાથી ? આત્માસિદ્ધિ ગ્રંથની કૃપાથી કપાળુદેવે આત્મસિદ્ધિ આપી એની કૃપાથી થયું છે. વગર ભયે, વગર શાસ્ત્ર વાંચ્યું, “થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચ્ચીસ વર્ષે પણ થાય એવો નહોતો તે ખુલાસો આપની કૃપાથી થોડા વખતમાં થયો છે.
ગોશળિયા વિશે જે આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાનાં પત્રો લખી અને મોટી પાયરીએ ચડાવજો.” દેહ ને આત્મા પ્રગટ જુદા દેખાય છે તે છતાં કહે છે કે, પ્રભુ ! મોટી પાયરીએ ચડાવજો.’ શેષ રહેલાં કર્મો પણ નિઃશેષ થાય - અશેષ બને. હવે કોઈ ભવાંતરનું પરિભ્રમણ રહે નહીં. એવી માંગણી કરી. “મોટી પાયરી” એટલે “સિદ્ધપદની જ માંગણી કરી. હવે સંસારમાં રહેવું નથી. આ જીવ સમયે સમયે સંસારમાં મરી રહ્યો હતો. તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઉદ્ધાર થયો છે. વળી આપની કૃપા વડે વિશેષ ઉદ્ધાર થશે એમ ઇચ્છું છું. આવી પરિણતિ સંસારી જીવની હોય છે. આ સોભાગભાઈએ સંસારી જીવનું નિષ્કર્ષ કહી દીધું કે સમયે સમયે પરપરિણતિ હતી. પરવસ્તુ-પરપદાર્થ-પરભાવ એમાં મોહ બુદ્ધિ, અહંબુદ્ધિ - આસક્તિ એ પરપરિણતિ કહેવાય. જ્યારે ત્યારે સ્વનું પરિણમન થવાને બદલે પરલક્ષી પરિણમન થાય છે. શુભ ભાવ થાય તો ત્યાં રાગથી જોડાઈ ગયો. અશુભ ભાવ થાય તો દ્વેષથી જોડાઈ ગયો.
કોઈ પણ પરવસ્તુ કે પરવ્યક્તિને જોતાં જેવા ભાવ ઉદ્ભવે તેવા ભાવથી જીવ ત્યાં જોડાઈ જાય છે. આ વિભાવ ભાવ છે. એ પરપરિણતિ છે. એ જોયું કે તરત જ એની અંદર રતિ-અરતિ, રુચિઅરુચિ, ઈષ્ટ-અનિષ્ટ, ગમો-અણગમો અને આગળ જતાં જતાં રાગ-દ્વેષ – આ કષાયનું સ્થૂળ સ્વરૂપ છે. પહેલું સૂક્ષ્મ છે. કોઈ વ્યક્તિને જુએ અને હજી જ્યાં નજર મળે ત્યાં આત્મા ભાગી જાય છે. પરપરિણતિ થઈ જાય છે. રાગ-દ્વેષના ભાવ થઈ જાય છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 30 E