________________
‘આત્માના હોવા પણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય
આ શિષ્ય કેવો છે ! આપણે આત્મસિદ્ધિના શિષ્યને ઓળખવો પડશે. શિષ્ય ઓળખાશે એટલે ગુરુનો બોધ એની મેળે આપણને સમજાઈ જાશે. ‘આપે આત્માના અસ્તિત્વના જે પ્રમાણ – જે પ્રકારથી મને સમજાવ્યા, અને એનો મેં અંતરથી વિચાર કર્યો એટલે મને સંભવ થાય છે કે, “આત્મા જેવી કોઈ ચીજ જરૂર છે.’ શબ્દ મુક્યો છે ‘સંભવ'. અને ગુરુએ જે કહ્યું તેનો પોતે અંતરથી વિચાર કર્યો છે. ગુરુએ કહ્યું કે, “ભાઈ ! આ દેહાધ્યાસથી તને આત્મા દેહરૂપ ભાસ્યો છે. આ બંને પ્રગટ લક્ષણથી ભિન્ન છે. જેમ અસિને મ્યાન ભિન્ન છે તેમ બંને પદાર્થ ભિન્ન છે. આ તો દૃષ્ટિનો દેખનાર, અને રૂપનો જાણનાર જે છે તે જ આત્મા છે. અને આ તો બધા ઈન્દ્રિયોના અનુભવથી અબાધ છે, અને દરેક ઈન્દ્રિયને પોતાના વિષયનું જ્ઞાન છે, પણ એનું સમુચ્ચય જ્ઞાન જેને વર્તે છે તે આત્મા છે. ભાઈ ! ઈન્દ્રિયજન્ય જ્ઞાનને દેહ, ઈન્દ્રિય કે પ્રાણ જાણી શકતા નથી. આ બધાનું પ્રવર્તન તો આત્માની સત્તાથી થાય છે. અને કર્માધીન બદલાતી બધી જ પરિસ્થિતિની અંદર આ તો ન્યારો છે. બધી જ અવસ્થાઓને જાણવાવાળો આ ચૈતન્ય સ્વરૂપ છે. આ પ્રગટ છે આ એનું એંધાણ છે. તું ઘટસ્પટ આદિ પદાર્થને જાણે છે એટલે એને માનશ. પણ જાણનારને માનતો નથી. આ તારું કેવું જ્ઞાન ? અને દેહ જો આત્મા હોય તો સ્થૂળ દેહવાળામાં મતિનું ઠેકાણું નથી, અને કષદેહમાં પરમ બુદ્ધિ છે. આ દેહને આત્મા જો એક હોય તો આવી ભિન્નતા સંભવી શકે ? નહીં. માટે જડ અને ચૈતન્યનો સ્વભાવ એ તો પ્રગટપણે ભિન્ન છે. એ કોઈ કાળે બંને સ્વભાવ એક-મેકમાં એકરૂપપણું પામે નહીં. અને છેલ્લે કહ્યું કે તેં જે શંકા કરીને તે શંકા કરનાર જ તું પોતે છો.
શિષ્ય કહ્યું. આ તમે જે બધી વાત કરી એનો મેં અંતરથી વિચાર કર્યો. આ જીવ વિચાર જ નથી કરતો. સાંભળે છે ઘણું. વાંચે છે ઘણું. ચર્ચા ઘણી કરે છે, વાદવિવાદ ઘણાં કરે છે, ધર્મની બાબતમાં પાંચ-છ કલાક સુધી ચર્ચા કરી શકે. પણ વિચાર કરતો નથી. કારણ કે વિચાર કરવાનો યોગ ક્યારે ઉત્પન્ન થાય ? સંસારનાં કાર્યોની પ્રવૃત્તિથી એ નિવૃત્ત થાય અને વૃત્તિને અંદરમાં લઈ જાય, અંતર્મુખ થાય તો વિચાર થાય. નહીં તો વિચાર ક્યાંથી થાય ? કલ્પના થયા કરે. બાહ્યમાં વૃત્તિ ફર્યા કરે, આ જીવનો ઉપયોગ જ્યાં સુધી બાહ્યમાં ચાલ્યા કરે ત્યાં સુધી એ બાહ્ય પદાર્થ લક્ષી, પરભાવ લક્ષી, પરવસ્તુ લક્ષી જ સતત વિચાર કરે. આ વિચાર નથી એ તો કલ્પના છે. એ તો વિકાર છે. જીવ અંતર્મુખ થાય ત્યારે જ જ્ઞાનીના બોધના આધાર ઉપર, જ્ઞાનીના બોધના આશ્રયે જીવમાં વિચારની પ્રક્રિયા શરૂ થાય. જેને સુવિચારણા કીધી છે. જ્ઞાનીઓ કહે છે આવી સુવિચારણા એ આત્માર્થી જીવમાં પ્રગટે છે. કૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું કે આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરે તો જીવમાં વિચારનો અવકાશ ઉત્પન્ન થાય. અને એ વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો એક માર્ગ ઉપાય આત્મજ્ઞાન છે. અને તે આત્મજ્ઞાન આત્મવિચારથી થાય છે. અને તે આત્મારૂપ પુરુષના આશ્રય વિના તે વિચાર પ્રાય ઉદ્દભવ થતો નથી. આ ગણિત બહુ સરળ છે. પણ જીવને વિચાર કરવા માટે જૈન દર્શનમાં જે યોગ કીધા છે – સામાયિક – આ વિચારનો યોગ છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 168 E=