________________
દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાતુ તને દેહ ભાસ્યો છે. પણ આત્મા અને દેહ બંને જુદાં છે, કેમ કે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે.’
સદ્ગુરુ કહે છે તને અનાદિથી દેહાધ્યાસ છે. એક વાતનો આપણે અભ્યાસ કરતાં હોઈએ, તે વારંવારનો અભ્યાસ અધ્યાસ થઈ જાય છે. અધ્યાસ એટલે – અભ્યાસ એટલો બધો પાકો થઈ જાય કે પછી કોઈ પણ જાતના ધ્યાન વિના, પ્રયત્ન વિના, આયાસ વિના, અનાયાસે, સ્વાભાવિક, સહજ પણે જે ક્રિયા થાય એને અધ્યાસ કહેવાય. આ જીવને અનાદિકાળથી, અનંતના પરિભ્રમણમાં, એણે દેહનો જ અભ્યાસ કર્યો છે. જ્યારે અભ્યાસ પાકો થઈ જાય ત્યારે અધ્યાસ થઈ જાય. જેમ બહેનોને રસોઈનો અભ્યાસ પાકે પાકો થઈ જાય પછી તે અધ્યાસ થઈ જાય. રોટલી ગોળ જ વણાય. એ વાતો કરતાં કરતાં પણ રસોઈ સહેલાઈથી કરી શકે. કારણ કે એનો અધ્યાસ થઈ ગયો છે. જેને પાણી ભરવાનો અધ્યાસ થઈ ગયો હોય ને, એ પાણી ભરેલાં બેડાં માથે મૂકીને હાલતાં જાય, ટપાકા મારતાં જાય છતાં બેડું પડે નહીં. અધ્યાસ થઈ ગયો છે. આ જીવને દેહનો અધ્યાસ થઈ ગયો છે. અધ્યાસ તો સાચો યે થાય અને ખોટો યે થાય. અનાદિકાળથી દેહરહિત ક્યારેય થયો નથી. એટલે એને અભ્યાસ કરતાં કરતાં દેહનો અધ્યાસ થઈ ગયો. આ દેહનો અધ્યાસ થવાના કારણે એને આત્મા છે એ જ દેહ ભાસ્યો. એ પોતાને એટલો ભૂલી ગયો કે, દેહની સારસંભાળ, દેહની આળપંપાળ, દેહની અંદર જ મોક્ષ બુદ્ધિ રાખતાં રાખતાં, એ અધ્યાસની ભૂમિકામાં આવવાથી દેહ તે જ હું.” એવી પાકટ અવસ્થામાં પહોંચી ગયો.
એટલે જ્ઞાની કહે છે, “ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહમાન.’ હવે એવી મુસીબત થઈ ગઈ છે કે તને આત્મા જ દેહ જેવો લાગે છે. જેમ ઘણા માણસોને વળગણા એવી હોય - ઘરનું મમત્વ એવું લાગે કે ઘર જ પોતે છે. ઘણાને પોતાની મોટરગાડીની મહત્તા એટલી બધી હોય કે, - એનો એવો અધ્યાસ થઈ જાય કે – ગાડીને નવડાવવામાં, ધોવડાવવામાં, સાફ રાખવામાં એ ગાડીમય થઈ જાય છે. એવી ઘણાને પોતાની ચીજ પ્રત્યે પણ એટલી આસક્તિ હોય કે ઘણીવાર જાત ભૂલાઈ જાય. જાતનું ભાન ભૂલાઈ જાય ત્યાં સુધીનો અધ્યાસ થાય એટલે વસ્તુ સાથેની એકરૂપતા, દ્રુપતાની ભૂમિકામાં આવી જાય. એમ આ જીવને અનાદિકાળથી દેહનો અધ્યાસ થવાના કારણે સગુરુ ભગવંત ફરમાવે છે કે એટલે જ તને દેહ આત્મા જેવો લાગ્યો અને તે કહેવા લાગ્યો કે દેહ છે એ જ આત્મા છે. પણ ભાઈ ! બંને ભિન્ન છે. બંને ભિન્ન લક્ષણથી પ્રગટ છે. આ બેયના લક્ષણો તો તું જો. તારા અધ્યાસમાંથી પાછો ફર. જે મોહબુદ્ધિ, જે
એકરૂપતા, જે તદાકાર થઈ ગયો છે, એમાંથી થોડોક પાછો ફર અને આ બેય પદાર્થના લક્ષણ ઉપર વિચાર કર. બંનેના પ્રગટ ભિન્ન લક્ષણો છે. આ દેહ છે તે ઉત્પન્ન થયો છે. આત્મા ઉત્પન્ન થયો નથી. દેહ છે એ વિનાશી છે. આત્મા અવિનાશી છે. દેહ છે તે રૂપી છે. આત્મા અરૂપી છે. દેહ છે તે ઉપયોગ વિનાનો છે. આત્મા ઉપયોગી છે. દેહ છે એ જડ છે. આત્મા ચેતન છે. આ લક્ષણ તો જો. આ બંનેના પ્રગટ લક્ષણ જુદા જુદા છે. લક્ષણ એટલે “લક્ષ્ય અનેન ઇતિ લક્ષણમ્' જેનાથી લક્ષ્યનો લક્ષ થાય છે. ઓળખાણ થાય છે. લક્ષ્ય આત્મા છે. તેનું ઓળખાણ થાય. કોઈપણ પદાર્થનું લક્ષ કરવું હોય તો એના
T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 150 GિE