________________
લખવું એ લોખંડના ચણા ચાવવા જેવું વિકટ છે તે છતા દેવ, ગુરુના આશીર્વાદથી અને આદરણીય ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈના પ્રોત્સાહનથી મેં આ વિષય પર લખવાનો પ્રયાસ કર્યો છે જેનાથી હું આ વિષય પર સ્વાધ્યાય કરી શકું અને મારી અધ્યાત્મયાત્રામાં આગળ વધી શકું.
સમ્યગ્દર્શન એ આત્માનો નિજ સ્વભાવનો ગુણ છે. જ્યારે જીવાત્માને પોતાના જ સ્વરૂપ વિશેનું અજ્ઞાન અને ભમ ટળે છે ત્યારે સમ્યગ્દર્શન પ્રકટ થાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો જ્ઞાયક બને છે. અર્થાત્ આત્મામાં વિભાવ દશાનું અજ્ઞાન ટળી જઈને પોતાના જ સ્વભાવનું સમ્યજ્ઞાન પ્રગટે છે. સમ્યકત્વના પ્રગટવાથી રત્નત્રય પ્રગટે છે. જ્ઞાન સમ્યગુજ્ઞાન થાય છે અને સ્વરૂપાચરણ ચારિત્ર અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થાય છે. સમ્યકત્વયુક્ત ચારિત્ર જ મુલ્યવાન અને કાર્યસાધક હોય છે. જેવી રીતે મોહનીયકર્મનો ક્ષય થયા પછી બાકીના ત્રણ કર્મનો ક્ષય થવો અત્યંત સરળ થઈ જાય છે એવી રીતે સમ્યગદર્શન પ્રાપ્ત થતા સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર આ રત્નત્રય વડે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. આવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, રક્ષણ અને સંવર્ધનમાં જ હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ દુર્લભ દુર્લભ મનુષ્યજીવનનો માત્ર અને માત્ર હેતુ સમ્યગ્દર્શનના પ્રાપ્તિનો જ હોવો જોઈએ.
- રશ્મિ ભેદા