________________
સગદર્શન
આ રત્નત્રય એટલે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રની વિસ્તારથી વિચારણા કરીએ. ૧. સમ્યગદર્શન અર્થાત્ સમ્યકત્વ એ સર્વ ગુણોમાં પ્રધાનતમ ગુણ છે. આપણે સંસારથી છૂટવું છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે એ આપણું લક્ષ્ય છે એના માટે આપણે જે પુરુષાર્થ આચરવો પડે તેમ છે તેમાં સમ્યકત્વ ગુણની પ્રથમ આવશ્યકતા છે. સમ્યકત્વ ગુણ પ્રગટ્યા વિના કોઈ પણ આત્માની કોઈ પણ કાળે મુક્તિ નહિ થાય. આત્મજ્ઞાનનો મુખ્ય હેતુ સમ્યગ્દર્શન જ છે. તેની પ્રાપ્તિ વિના જ્ઞાન અને ક્રિયા અનંતરપણે મોક્ષનો હેતુ બનતા નથી. જ્ઞાન અને ચારિત્ર તો જ સમ્યગુ થાય જો સમ્યગ્દર્શન હોય. તે આવે તો બધી જ ક્રિયા સંવર, નિર્જરા અને મોક્ષનો હેતુ બને છે. મોક્ષમાર્ગમાં સમ્યગદર્શન એ પ્રથમ પગથિયું છે. આત્માના આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય છે જ્યાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જીવ બાહ્યાભિમુખતાના બદલે મોક્ષાભિમુખતા તરફ વળે છે. દેવ, ગુરુ અને ધર્મના પ્રતીકરૂપે જે નવપદ (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ)ની આરાધના કરાય છે તેમાં ધર્મમાં પ્રવેશ સમ્યગ્દર્શનથી થાય છે. તીર્થકર ભગવંતોના ભવોની ગણતરી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય ત્યારથી થાય છે.