________________
ધા૨ક ગણધરભગવંતોનું જ્ઞાન અનુપ્રેક્ષાથી વિસ્તાર પામતું જાય છે, અને એક અંતર્મુહૂર્તમાં ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચના કરે છે. જેમ એક બીજમાંથી અનેક બીજ ઉત્પન્ન થાય છે અને વિસ્તાર પામે છે તેમ એક પદના શ્રવણથી અનેક પદનું જ્ઞાનનું વિસ્તાર થાય છે, તત્ત્વની શ્રદ્ધા થાય છે તે બીજરૂચિ છે.
૬) અભિગમરૂચિ - જેણે અગિયાર અંગસૂત્રો, પ્રકીર્ણસૂત્રો તેમજ દૃષ્ટિવાદ આદિ સમગ્ર શ્રુતજ્ઞાન અર્થ સાથે યથાર્થ રીતે મેળવી તેના પ્રભાવથી યથાર્થ શ્રદ્ધા થવી તે અભિગમરૂચિ છે.
અહીં આર્ય સ્થૂલિભદ્રનું ઉદાહરણ છે. ચૌદ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુસ્વામી નેપાળમાં ધ્યાન કરતા હતા. ત્યાં તેમની પાસે સૂત્રની વાચના લેવા મુનિઓ ગયા. રોજની ૭-૭ વાચનાઓ ચાલતી. ધીમે ધીમે ઘણા મુનિઓની ધીરજ ખૂટવા લાગી અને ત્યાંથી વિહાર કરવા લાગ્યા. પરંતુ સ્થૂલિભદ્રસ્વામી ઉત્સાહ અને ખંતપૂર્વક વાચના ગ્રહણ કરતા રહ્યા અને દસ પૂર્વનું જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું.
એક વખત સ્થૂલિભદ્ર મુનિના દર્શન કરવા તેમની સંયમ-ભગિનિઓ આવી, ત્યારે મુનિએ લબ્ધિનો પ્રયોગ કરી સિંહનું રૂપ બનાવ્યું. ગુરુ સમજી ગયા કે જ્ઞાનનું અજીર્ણ થયું છે, વધુ જ્ઞાન પચાવવાની પાત્રતા નથી તેથી જ્ઞાનધારા ત્યાં અટકાવી દીધી. સ્થૂલિભદ્ર મુનિને પોતાની ભૂલ સમજાઈ. ગુરુ પાસે માફી માંગી ખૂબ પશ્ચાતાપ કર્યો. અંતે શ્રીસંઘે વિનંતી કરતા બાકી રહેલ ચાર પૂર્વનું જ્ઞાન માત્ર સૂત્રરૂપે જ આપ્યું, અર્થરૂપે ન આપ્યું. તાત્પર્ય એ છે કે જ્ઞાન ગહન છે, જેમ અભ્યાસ વધે તેમ સ્થિરતા, ગંભીરતા જરૂરી છે. આ રીતે ભણતા તત્ત્વની શ્રદ્ધા થાય તે અભિગમરુચિ છે.
૭) વિસ્તારરૂચિ - જીવ-અજીવાદિ સર્વ દ્રવ્યોના સર્વ ગુણ અને પર્યાયોને સર્વ નયો અને પ્રમાણથી વિસ્તારપૂર્વક જ્ઞાન થતા અર્થાત્, સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતોએ જે રીતે જાણ્યા છે જોયા છે, તે જ સ્વરૂપથી યથાતથ્ય - જેવા છે તેવા જ સ્વરૂપથી જાણવા અને તેના પર શ્રદ્ધા કરવી તે વિસ્તારરૂચિ સમ્યક્ત્વ છે.
૧૨૬
સમ્યગ્દર્શનની દસ રૂચિ