________________
૩૨૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
શું જ્ઞાન ને તેઓશ્રીની કઈ દશા તે બાને કઈ રીતે સમજાય ? ધીમે ધીમે જ્યારે બહાર પડવા માંડ્યું ત્યારે બાને સમજાવી-પટાવીને બેસાડ્યા ત્યારે એમને પણ જ્ઞાન લેવાની ઈચ્છા થઈ, જેના મહાન નિમિત્ત મહાત્મા નટુભાઈ બન્યા. ૧૯૭૩-૧૯૭૪માં બાએ જ્ઞાન લીધું. પણ એમને એનું ઊંડાણ કળાયું નહીં. છતાં દાદાશ્રીને પૂજ્ય દૃષ્ટિથી જોતા થઈ ગયા. ૧૯૮૩માં મામાની પોળમાં બા હતા, ત્યારે બાની સાથે હું ને મહાત્મા લીલાબેન જ્ઞાનની, દાદાની કીર્તન ભક્તિની ખૂબ વાતો કરતા. ને બાને ફરી જ્ઞાન લેવાની ભાવના જાગી. ને મામાની પોળમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમની અસલ બાંકડાની બેઠક પર બેસીને હીરાબાને ફરીથી જ્ઞાન આપ્યું. ત્યારે બાને કંઈક ઉઘાડ થયો. પછી તો દાદાશ્રી જ્યારે જ્યારે વડોદરામાં હોય ત્યારે અચૂક બાને વિધિ કરાવતા. બાની સ્પેશિઅલ વિધિ થતી ! કપાળે અંગુઠો ને માથા પર પગ મૂકીને બે વખત થતી. અને એની એમને જબરી અસર થઈ ગઈ ! પૂજ્ય દાદા સ્વયં ભગવાન જ છે તેની તેમને પ્રતીતિ થઈ ગઈ !