________________
ગ્રામોદ્ધાર | હિન્દુસ્તાનને સાચું સ્વરાજ્ય અનુભવવાનું હોય તો ગામડાની સિકલ, ખેડૂતની સિકલ બદલવી જોઈએ . ગુજરાતમાં અથવા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં જાઓ તો ગામડાંમાં ભાગોળે ઉકરડાની બદબુ આવે
ન પરસેવાની રોટી | ખેડૂતને મેં કહેલું કે તમે દરેક ઠેકાણે ડોક નીચી ન કરો. તમારું માથું સરજનહારને નમે, બીજા કોઈને ન નમે.
બળદ મોટરથી ભડકે છે તેમ તમે (ખેડૂતો) સરકારના અને જમીનદારના માણસથી ભડકો છો. એ ભયનો કશો અર્થ છે ? એ સરકારના માણસ કોણ અને જમીનદાર કોણ ? એને બે માથાં કે ચાર કાન છે શું ? તમારે ડરવાનું હોય કે એને ડરવાનું હોય ? તમે તો જગતના અન્નદાતા છો. તમારા જેટલા પવિત્ર જગતમાં કોણ છે ? તમે નિર્દોષ છો એમ હું નથી કહેતો, પણ જગતમાં ઓછામાં ઓછો પાપી મનુષ્ય જે પોતાના પરસેવાની રોટી ખાતો હોય તો તે તમે છો. અને તમે તો તમારા પરસેવાની રોટી પણ પૂરી ખાધા વિના પારકાનાં પેટ ભરો છો. તમે ન હો તો જગત એક ઘડીભર નભી ન શકે અને જગત ન નર્ભ તો જમીનદાર તો નભે જ શાનો ?
ગામ સ્વચ્છ રાખવું જોઈએ. ગામમાં ચીંથરાં નહીં પડેલાં હોવાં જોઈએ. ઢોરના પોદળા ગમે ત્યાં પડેલા ન હોવા જોઈએ. ગોજું ન હોવું જોઈએ. પરદેશી પાસે મોટામાં મોટી વસ્તુ શીખવાની હોય તો તે સ્વચ્છતા છે. માણસ પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરક બનાવી શકે છે.
આપણાં ગામડાંની રક્ષા કરી લેજો . મરણનો ભય છોડી દેજો. સંગઠનમાં દાખલ થઈ જજો. સંપ રાખજો. આપણામાં દુઃખી, ભૂખ્યાં હોય એને કામ આપજો , અને કોઈ અપંગ હોય એને ખાવાનું આપજો.
[ ૧૭ ]