________________
સંકટ સામે અડગ - આવું કે ન આવું મારું દિલ અહીં (બારડોલીમાં) પડેલું છે. આ તાલુકામાં તમારી સાથે રહીને હિન્દુસ્તાનની સ્વતંત્રતાની લડતમાં ઠીક ફાળો આપ્યો છે. પણ આપણે મળીએ ત્યારે એક કુટુંબના હોઈએ એમ દિલ ભરાઈ આવે છે. આપણે કઠણ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. થોડુંઘણું સંકટ આવે તે સહન કરવાની દૃઢતા રાખવી જોઈએ. બારડોલી તાલુકાના લોકો દુ:ખ આવે અને રડી ઊઠે તે આપણને શોભે નહીં. જે બહાદુરીથી (અંગ્રેજ) સરકાર સામે લડ્યા હતા, એ જ બહાદુરીથી દુઃખોનો સામનો કરીએ. સુખ અને દુઃખ ઓળખતાં આવડવું જોઈએ.
એ તો ખેડૂતો ઉપર વેર લેવાને ને તેમને પાયમાલ કરવા બેચાર સ્વાર્થી, નાગાઓને ઊભા કરીને તેમને જમીન આપી છે તો હું કહું છું કે ખેડૂતોનો ચાસચાસ પાછો નહીં અપાય ત્યાં સુધી લડત બંધ થવાની નથી.
ન સારી વાતનો અમલ - જો મારી સત્તા હોય તો બારતેર વર્ષની બાળાઓને જે પરણાવે તેને બંદૂકથી મારવાનો કે ફાંસીને લાકડે લટકાવવાનો કાયદો કરાવું. ચૌદપંદર વર્ષની બાળાઓ માતા થાય, સંખ્યાબંધ બાળવિધવા થાય તો પછી તમારા કૂવામાં પાણી ક્યાંથી રહેવાનું છે ? આ બધું હું તમારો ભાઈ થઈને કહું છું, તમે સમજો. તમારી દીકરીઓની તમે હત્યા કરી રહ્યા છો. નાતનાતરાના ખોટા ખર્ચા કમી કરો. આબરૂના નામથી થતી બાળહત્યા અટકાવો.
છોકરીઓને અઢાર વર્ષની અંદર ન પરણાવો નાની નાની બાળાઓ ઉપર સ્ત્રીનો બધો બોજ નાખી તેને કચરી નાખો નહીં. તે એક કુમળું ફૂલ છે, ખીલતી કળી છે, તેને અકાળે કાં મારો છો ?
જો પહેલાંની સ્થિતિ આણવી હોય, ધર્મરાજ્ય, રામરાજ્ય જોઈતું હોય અને બાપદાદાનું જિગર તમારામાં હોય તો હિંમત પકડો અને સારી વાતો અમલમાં મૂકો.
૭ર |