________________
અંગ્રેજો જાવ
અંગ્રેજો સાથે વિરોધ નથી; કોઈ કોમ કે વ્યક્તિનો આ સવાલ નથી. આ તો શાહીવાદના વિરોધનો ઠરાવ છે. નાઝીવાદનો જન્મ થયો તે પહેલાંના શાહીવાદ સાથે લડતા આવ્યા છીએ. બે લડતા હોય તો અમારે શું કરવું ? જોયા કરવું. બે બલા લડતી હોય તો ભલે લડે, પણ એક બલા તો ઘરમાં પડી છે.
દોઢસો વર્ષથી અમારા ખભા પર ચડ્યા છો તે ઊતરી જાઓ. તેઓ (અંગ્રેજો) કહે છે કે, અમે ઊતરી જઈએ તો તમારું શું થશે ? અલ્યા ભાઈ, બસો વર્ષ રાજ્ય કર્યા પછી પૂછો છો તો અત્યાર સુધી તમે શું કર્યું ? આ તો પેલા ચોકીદાર જેવું થયું. ચોકીદાર માલિકને પૂછે છે કે હું જઈશ તો તારું શું થશે ? અલ્યા ભાઈ, તું તો જા. કાં બીજો ચોકીદાર રાખી લઈશું, કાં તો ચોકી કરતાં શીખી લઈશું. પણ આ ચોકીદાર તો જતોય નથી ને વારંવાર લહુ જ બતાવ્યા કરે છે.
કર
હાથી અને મગતરું
આજે તો સરકાર જંગલમાં કોઈ ગાંડો હાથી ઘૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને રેંસી નાખે તેવી મદમત્ત બની છે. ગાંડી હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેવા મને મગતરાનો શો હિસાબ ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને ઘૂમવું હોય એટલું ઘૂમી લેવા દે, અને પછી લાગ જોઈને કાનમાં પેસી જા ! કારણ કે એટલી શક્તિવાળો હાથી પણ જો મગતરું કાનમાં પેસી જાય તો તરફડિયાં મારી, સૂંઢ પછાડી જમીન પર આળોટે છે. મગતરું ક્ષુદ્ર છે તેથી તેણે હાથીથી બીવું જ જોઈએ એમ નથી. મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે, છતાં તેમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? તે ઘડાને પોતાના જેવી ઠીકરીઓ બનાવી શકે છે. ફૂટવાનો ભય કોઈએ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાનો છે. ઠીકરીને શો ભય હોઈ
શકે ?
૧૩