________________
વફાદારી
એના એ જ ગર્વિષ્ઠ રાજાઓ અંગ્રેજને દરવાજે ચપરાસીને પૈસો આપીને પણ અંદર જાય, પણ ખેડૂતની ઝૂંપડીમાં તેમનાથી નહીં જવાય !
રાજાઓ પાસે તો વગરમહેનતની દોલત પડી છે, એટલે એ વહેલા બગડે. એવો માણસ તો દયાને પાત્ર છે. આ દુનિયામાં સત્તાની પાછળ પડેલો મોટામાં મોટો રોગ કોઈ હોય તો તે ખુશામત છે. રાજાઓને મીઠી વાર્તા સાંભળવી છે, પણ એ તો રાજદ્રોહ છે અને કડવી છતાં સાચી વાતો કહેવી એ જુ વફાદારી છે.
રાજાની નાલાયકી એ આપણી પોતાની નાલાયકી છે. એટલે પ્રજાએ તો રાજાના ચોકીદાર બનવું જોઈએ. આપણે ચોકી રાખીએ ત્યાં સુધી રાજા સારો રહે જ.
દુનિયા આખીમાં જવાબદાર રાજ્યતંત્રો છે અને અહીં આપણી દશા કેવી છે ? દેશી રાજ્યો તો પ્રજાશરીર ઉપર ગડગૂમડની માફક પરુપાંચ વહ્યા કરે તેવાં બની રહ્યાં છે.
૩૦
જુલમી રાજા
હિન્દુસ્તાનમાં છસો દેશી રાજ્યો છે. દુનિયાભરમાં કોઈ એવો મુલક નથી, જેમાં છસો રાજ્યો હોય, કેટલાંક તો એટલાં નાનાં છે કે છસાત ગામનો ધણી પણ પોતાને રાજા કહેવડાવે છે ! ભલભલાં સામ્રાજ્યો ખતમ થઈ ગયાં. રાજાઓ મુગટ ધારણ કરવાથી કંઈ આઝાદ નથી થઈ જતા. એ પણ ગુલામ જ છે, અને એમની નીચે આપણે ગુલામોના ગુલામ છીએ. આવી વિકટ સ્થિતિમાં સાફ રસ્તો કોણ બતાવે ? આટલાં દેશી રાજ્યો હોવા છતાં ય હિન્દુસ્તાન એક અવિભાજ્ય મુલક છે. આબોહવામાં, વેપારરોજગારમાં, કોઈ ચીજમાં ફરક નથી. પરદેશી સલ્તનતે પોતાની સત્તા કાયમ કરવા આ બધા ભેદો પાડ્યા છે.
હરેક જગ્યાએ જુલમી રાજાને ઉઠાડી મુકાય છે. તો તમને કોણ રોકે છે ? તાકાત હોય તો કરો.
૧