________________
ઇમારતનો ઘડવૈયો
એક ઇમારત ચણનાર કડિયો જેમ તેના પ્લાન બનાવનાર ઇજનેરના જેટલી શક્તિ પોતામાં હોવાનો દાવો કરતો નથી, છતાં તે પ્લાન પ્રમાણે ઇમારત પૂરી કરવામાં મુશ્કેલી જોતો નથી. તેમ ગાંધીજીના સાથીઓ જો તેમનો ઘડેલો સ્વરાજની ઇમારતનો પ્લાન બરાબર સમજી ગયા હશે તો તે પ્લાન મુજબ ઇમારતનું કામ આગળ ચલાવતાં મૂંઝાશે નહીં.
ગાંધીજીની અહિંસાવૃત્તિ, એમનો પ્રેમ, એમની મમતા, એમનું સ્વરાજ માટેનું રટણ અને એમનો અથાગ પરિશ્રમ નજર સામે રાખી જો તેઓ દિનરાત શ્રમ ક૨શે અને ગાંધીજીએ દોરી આપેલો સ્વરાજનો ચતુર્વિધ કાર્યક્રમ પાર ઉતારશે તો તેઓ પોતાની બધી ત્રુટિઓ ઓળંગીને ગાંધીજીના નામને અને પોતાની વફાદારીને દીપાવશે એમાં સંદેહ નથી.
૩ર
રાજધર્મ
હિન્દુસ્તાનના રાજાઓને કોઈએ બગાડ્યા હોય તો તે તેની પ્રજાએ જ.
રાજ્યને સાચી વાત કહી દેવી જોઈએ ને તેમ કરતાં ગમે તે દુઃખ કે આપત્તિ આવી પડે તે સહન કરવા તૈયાર થવું જોઈએ. એનું નામ ખરો રાજધર્મ છે. પ્રજાનો એ સાચો ધર્મ છે.
રાજા પ્રજાના દુઃખમાં ભાગ લે, આ ગરીબ અને અજ્ઞાન ભીલોમાં ફરે, તેની ઝૂંપડીમાં ફરે ને જુએ કે તેને શું દુઃખ છે અને કંઈ જરૂર પડે તો મદદ આપે તો તો આપણે એ રાજાને ખાંધે લઈને ફેરવીએ; કારણ હિન્દુસ્તાનના પ્રાચીન રાજાઓ તો એક પણ માણસ ભૂખ્યો રહેતો હતો ત્યાં સુધી સૂતા ન હતા. કારણ એ રાજા પ્રજાના રક્ષક હતા. આજના રાજાઓ કહે છે કે આ અમારો વારસાઈ હક છે. સેવાનો હક હતો તે તો ગુમાવી બેઠા ને પ્રજા પર જુલમ કરવાનો વારસાઈ હક કરતાં શીખ્યા.
૩૩