________________
{ વાત આપણી, આપણી માતૃભાષાની )
આજની ઘડીએ અતીતની સૃષ્ટિમાં જરા ડોકિયું કરું તો બાળપણમાં મળેલા સદ્ભાગ્યનું સ્મરણ થાય છે. જિંદગીની ફકીરી અને ફાકામસ્તી વચ્ચે પોતાની મોજ અને આગવા મિજાજથી મહાલતા સર્જકો વચ્ચે સમજણની પાંખો આવી ત્યારથી જ રહેવાનું મળ્યું. પિતા જયભિખ્ખું લેખક હોવાથી ઘરમાં પુસ્તક એ જ સૌથી મોટી મિલકત અને સાહિત્યકારો એ જ સૌથી મોટા સંબંધીઓ. અને તેથી ધૂમકેતુ આવે ત્યારે ઘરમાં પ્રવેશતાંની સાથે જ ચકલેટ આપે. ઝવેરચંદ મેઘાણીનો કાં ભાઈ'નો લહેકો હજી કાનમાં અથડાયા કરે છે. કનુ દેસાઈ આવે એટલે દોડીને નિશાળનું ડ્રૉઇંગ-પેપર લઈ આવું અને એના પર કનુ દેસાઈ ચિત્રો દોરે. ગુણવંતરાય આચાર્યની વાછટા અને દુલેરાય કારાણીનો જુસ્સો સ્પર્શી જાય,
એમાંય બે વ્યક્તિઓ પર બાળમન વધુ મોહી ગયું. એક પંડિત સુખલાલજી અને બીજા દુલા ભાયા કાગ. પંડિતજી પાસે બેઠા હોઈએ ત્યારે વિદ્વત્તા અને શાસ્ત્રીયતાનું વાતાવરણ સર્જાઈ જતું અને દુલા કાગ પાસે બેઠા હોઈએ ત્યારે હોકાના અવાજ સાથે વાણીની બુલંદીનો અનુભવ થતો.
એ જમાનામાં ‘ઝગમગ' સાપ્તાહિકની બોલબાલા હતી. ‘ગુજરાત સમાચાર' કરતાં ‘ઝગમગ'ની વધુ નકલો ખપતી ! ‘ઝગમગ' સાપ્તાહિક સૌથી પહેલું આજના ગાંધીગ્રામ અને એ સમયના એલિસબ્રિજ સ્ટેશને આવતું. હું વહેલો વહેલો સ્ટેશને પહોંચી જતો અને ફેરિયાની રાહ જોતો. કોઈ દિવસ મોડું થાય તો દોડ લગાવીને પહોંચી જતો. વરસાદ આવતો હોય તો ‘ઝગમગ' ખમીસ નીચે ઢાંકીને સહેજે પલળે નહીં તેમ જીવની માફક જાળવીને ઘરે લાવતો. ઘરે પહોંચીને પહેલું કામ સાપ્તાહિક વાંચવાનું અને વાંચ્યા પછી સાપ્તાહિકના અંકોની ગોઠવણી કરીને સરસ ફાઈલ બનાવવાનું.
રોજ સવારે પિતા જયભિખ્ખને લખતા જોતો. ટેબલ પર બેસીને ખડિયાની શાહીમાં કલમ બોળીને સુંદર અક્ષરે લખતા હોય. મનેય લખવાનું મન થાય અને એક દિવસ એક અનામી શહીદની કથા લખીને ‘ઝગમગ'માં મોકલવાનું સાહસ કર્યું. જયભિખ્ખનો પુત્ર છું એવું જણાવવા દેવું નહોતું, કારણ કે એ કારણે જો વાર્તા પ્રગટ થાય તો એમાં મજા શી ? જયભિખ્ખનું મૂળ નામ હતું બાલાભાઈ. કદાચ બાલાભાઈ નામ લખવાથી પણ તંત્રીને ખ્યાલ આવી જાય તો ? પરિણામે કુ. બા. દેસાઈના નામથી એ વાર્તા મોકલી.