________________ શબ્દસંનિધિ વધુ જીવ્યો હોત તો આપત એ મતલબનું શ્રી સુરેશ દલાલનું વિધાન સ્વીકારીએ તો પણ જગદીશે કહ્યું તેમ. દરેક લોહીને રડવા માટે પોતપોતાનો આગવો રાગ હોય છે. જગદીશની કવિતાનો સૂર વિષાદનો છે અને એ વિષાદનો સમ જગદીશનો પોતાનો છે. તેની વાણીમાં સધાતો લય વિષાદની જેમ ઘણી વાર સમકાલીનોની હળવાશને અપનાવે છે. કલ્પનાનું ફલક પણ વૈવિધ્ય કરતાં ઊંડાણને વિશેષ લક્ષે છે. તેમાં ભાવનાગાંભીર્ય અને કથનની મૌલિક ચમકને કારણે સહૃદયને તલ્લીન કરવાની શક્તિ છે. ‘એક અશરીર દર્દ માં મુકેલા નીચેના ઉદ્ગાર તેની કવિતા અને ભાવકને લાગુ પાડી શકાય : ગળામાંથી સરતા ખરજના સૂરોમાં એક અશરીર દર્દ જ્યારે ચાંદ સાથે આંકડા ભીડે છે ત્યારે સમુદ્ર પણ આંખો બંધ કરી દઈને પ્રાણાયામ કરે છે : અને સમુદ્રનું માથું હલતું નથી.” વીસમી સદીના આઠમા દાયકાના થોડાક ગુજરાતી કવિઓએ ઊંડા દર્દને સ્વકીય રણકાવાળી વાણી અને નવીન ચમકવાળી કલ્પનાથી કવિતામાં મઢી બતાવ્યું છે તેમાં જગદીશ જોષીનું સ્થાન છે.