SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ મળ્યું હોય તો મણિલાલનું ખરું સ્વરૂપ અથવા તો એમનામાં આવેલું પરિવર્તન કદાચ જોવા મળત. • આચાર અને વિચારનું દ્વૈત એ કદાચ એમના જમાનાનું પણ લક્ષણ હોઈ શકે. વિક્ટોરિયન યુગમાં બાહ્ય અને આંતરજીવન પરસ્પરથી સાવ ભિન્ન હોય તેવું બનતું; કારણ કે એ યુગમાં દંભ અને ઢાંકપિછોડાથી પોતાના સાચા વ્યક્તિત્વને છુપાવવાનો મોટા માણસો પ્રયત્ન કરતા હતા. મણિલાલની એટલી વિશેષતા ખરી કે એમણે પોતાના બધા દોષોને કાગળ પર મૂકીને આચાર્ય આનંદશંકર ધ્રુવે કહ્યું છે તેમ અઘમર્ષણ કરી દીધું છે. માત્ર એમનું ઐશ્વર્ય એટલે કે વિચારસંપત્તિ અને સાહિત્યસંપત્તિ જ આપણી પાસે રહે છે. આમ આત્મવૃત્તાંતની એક ખૂબી એ ગણી શકાય કે આમાં ક્યાંક પોતાના મહત્તાનાં ગુણગાન, બડાશ કે આત્મપ્રશંસા જોવા મળતાં નથી. શ્રી મુનશી અને એવા બીજા ઘણા આપણા આત્મચરિત્રકારો આમાંથી બચી શક્યા નથી. તેનાથી મણિલાલ મુક્ત રહી શક્યા છે. નર્મદ ‘મારી હકીકત'માં જે ન કરી શક્યો, તે મણિલાલે કરી બતાવ્યું છે. ઘણી વાર આત્મચરિત્રકાર અમુક નકશાને સામે રાખીને પોતાનું આત્મચરિત્ર લખતો હોય છે. પોતાના વર્તમાનના સંદર્ભમાં ભૂતકાળને મૂલવવાનો પ્રયાસ કરે છે. ભૂતકાળનું સાતત્ય વર્તમાનમાં બતાવવા કોશિશ કરે છે. મહાન વ્યક્તિ પોતે મહાન બની તેના કારણરૂપે બાળપણથી જ મહાનતાનાં બીજ એનામાં રહેલાં હતાં એમ બતાવે એવું પણ બને છે. જ્યારે અહીં વર્તમાન ભૂતકાળ કરતાં તદ્દન વિપરીત હોવા છતાં, જેવો છે તેવો પોતાનો ભૂતકાળ આપ્યો છે. માણસની કલ્પના જ્યાં ન પહોંચે, ત્યાં સત્ય પહોંચે છે, એનો ઉત્તમ દાખલો મણિલાલનું આ આત્મવૃત્તાંત છે. આવી વ્યક્તિ તદ્દન નિમ્નકક્ષાની સ્ત્રી સાથે વ્યભિચાર કરે તેની કલ્પના પણ થઈ શકતી નથી. જેની કલ્પના પણ ન કરીએ, તેવા વળાંકો મણિલાલના જીવનમાં જોવા મળે છે. આ આત્મકથામાં મણિલાલનું નિખાલસ કથન મળે છે. બીજાને વિશે નિખાલસ થવું સરળ છે, કિંતુ પોતાના વિશે નિખાલસ થવું અઘરું કામ છે. પણ આથી માત્ર આને ઐતિહાસિક મૂલ્ય ધરાવતું આત્મવૃત્તાંત કહીને અટકીશું નહીં. - ૧૭૦] અનોખી આત્મકથા - આમાં એક પ્રકારનો આંતરસંઘર્ષ જોવા મળે છે. એ આંતરસંઘર્ષ આત્મસંશોધનમાં પરિણમતો નથી એ સાચું, પરંતુ એ આંતરસંઘર્ષ પોતાને જે કક્ષાએ થયો હોય તે કક્ષાએ રહીને, જેવો થયો હોય તેવો આલેખ્યો છે. આ આંતરસંઘર્ષનું આલેખન કરીને મણિલાલ ગૂંગળામણનો છુટકારો અનુભવે છે. આ આત્મવૃત્તાંતમાં આત્મદર્શનનો કોઈ હેતુ છે જ નહિ. માત્ર પછી આવનારા જમાના આગળ પોતાની ફરિયાદ રજૂ કરવાનો ઉદ્દેશ છે. . અહીં પોતાની પ્રતિષ્ઠાને ભોગે નિખાલસ કથનનો પ્રયોગ થયો છે. ગાંધીજીની આત્મકથામાં સમકાલીન વ્યક્તિઓનાં રેખાચિત્રો મળે છે, તેમાં ગાંધીજીએ ઘણી તકેદારી રાખી છે. ઘણી વાર તેઓ નામ આપ્યા વગર લખે છે. કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્યને ડાઘ લાગે નહિ તેની સાવધાની રાખે છે. મણિલાલ ગાંધીજી જેટલી અહિંસાની પરવા કરતા નથી. માત્ર સત્ય પર જ એમની નજર અને નેમ ઠરેલી છે. આ સત્ય હંમેશાં સુંદર હોય તેવો એમનો આગ્રહ નથી. સત્યનું એક લક્ષણ એમાં રહેલું અગ્નિતત્ત્વ છે. જે એને સ્પર્શે તે દાઝે એવું આમાં અનેક સ્થાને જોવા મળે છે. મણિલાલની ભાષાશૈલી પણ ધ્યાન ખેંચે છે. આ આત્મવૃત્તાંત એ ખાનગી વિશ્રંભકથા છે. એટલે એમાં ભાષાની શિષ્ટતાને ઓપ ન હોય એ સ્વાભાવિક છે. મણિલાલ પાસે જે ભાષાપ્રભુત્વ હતું તે જોતાં તો એમ કહી શકાય કે આ આત્મવૃત્તાંત તે વધુ સારી ભાષામાં લખી શક્યા હોત, પરંતુ ખાનગી વાતચીતમાં ભાષાનું જે પ્રાકૃત સ્વરૂપ પ્રગટ થાય છે, એ સ્વરૂપ એમણે યથાવત્ રાખ્યું છે. વેદાંતની ચર્ચા કરનાર અને તર્કશુદ્ધ વિચારો રજૂ કરનાર મણિલાલ પોતાના આચરણનો બચાવ કરવા ‘અભેદમાં શરીરસંબંધ પાપકર્તા નથી' એવો ઉપદેશ આપે છે, તેમાં એમનું વિકૃત માનસ જોવા મળે છે. વિવેકાનંદ જેવા જેને માન આપે, વિદેશમાં વ્યાખ્યાનોમાં જેમને નિમંત્રણ મળે, મેક્સમૂલર જેવાનો જે પ્રતિવાદ કરે એવી વ્યક્તિ એક બાજુ બૌદ્ધિક સ્તર પર ઊંડુ ચિંતન કરે અને બીજી બાજુ એના શરીરની ભૂખ એવી કે જે એને પ્રાકૃતતાની ઊંડી ગર્તામાં ઉતારી દે છે ! સમાજશાસ્ત્રી, માનસશાસ્ત્રી અને સેક્સોલૉજિસ્ટ માટે મણિલાલનું આત્મવૃત્તાંત સંશોધનની મોટી સામગ્રી પૂરી પાડે છે. પરંતુ એથીય વધુ તો આ આત્મવૃત્તાંત એ આપણા નવલકથાકારો અને નાટ્યકારો માટે પડકારરૂપ છે. Q ૧૭૧]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy