SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • તેઓ મોરબી રાજ્યમાં ન્યાયાધીશ તરીકે નિમાયેલ અને ત્યારપછી માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, જામનગર વગેરે સ્થળોએ પોલીસ-ઉપરી તરીકે નોકરી કરી. આવા સમયમાં અને ખાસ કરીને બહારવટિયાઓ સાથેના ધીંગાણાના સમયમાં એમના પિતાને વારંવાર ગોચર-અગોચર સ્થળોએ રાતવાસો કરવા પડતા, ત્યારે રાત્રી સમયે મીરો, વાઘેરો, બારોટો આવીને એમની પાસે આવીને વાર્તાઓ કહેતા. ગુણવંતરાય આવા હંગામામાં પિતા સાથે બાળપણથી જ ફરતા. ઐતિહાસિક વાર્તાઓ અને દરિયાઈ કથાઓ સાથે એમને આ રીતે પ્રથમ પરિચય અને પ્રેમ થયો. પિતાના અવસાન પછી પિતાની ઉત્તરક્રિયાના સંબંધે મતભેદ થતાં સત્તર વર્ષની વયે ઘર છોડીને નીકળી ગયા. મુંબઈમાં ફૂટપાથો પર ઘૂમી-ઘૂમીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો, પરંતુ કમાવાની જવાબદારીને કારણે ઇન્ટરમાંથી અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. મુંબઈના અખબારી જગતે આ યુવાનમાં તેજસ્વિતા જોઈ. નોકરી તો પૂફરીડરની મળી, પરંતુ ધીરે ધીરે કલમ ચલાવવા માંડી. રાણપુરથી પ્રગટ થતા ‘સૌરાષ્ટ્ર' પત્રના તંત્રી શ્રી અમૃતલાલ શેઠે રજવાડાં સામે જેહાદ આદરી હતી. ગુણવંતરાય આચાર્ય ‘સૌરાષ્ટ્ર'ના લેખકમંડળમાં જોડાયા અને દીર્ઘ સમયપર્યત ત્યાં કામ કર્યું. આ ‘સૌરાષ્ટ્ર' પત્રે ઘણી તડકીછાંયડી જોઈ. ગુણવંતરાય આચાર્ય એના સાક્ષી બન્યા. “રોશની’ અને ‘ફૂલછાબ' જેવાં પત્રોમાં સંચાલનકાર્ય પણ કર્યું. ઉર્દૂ અને હિંદી ભાષાના નિષ્ણાત એવા કંડલાનિવાસી શ્રી મણિશંકર શામજી ત્રિવેદીએ ગુણવંતરાય આચાર્યને લેખનપ્રવૃત્તિ તરફ દોર્યા. એ પછી ‘બહુરૂપી ના તંત્રી ચંદુલાલ જેઠાલાલ વ્યાસનો મેળાપ થયો. રાણપુરમાં શેઠના ડહેલામાંથી ‘બહુરૂપી' સાપ્તાહિક પ્રગટ થતું. એ સમયે એની અર્ધા લાખ નકલ વેચાતી હતી. એમાં ગુણવંતરાય આચાર્યની રહસ્યકથાએ વાચકો પર અનેરું કામણ કર્યું હતું. એ રહસ્યકથામાં બાહોશ ડિટેક્ટિવ વકીલ ચિત્રગુપ્ત એની ‘સફેદ પરી’ મોટર લઈને મરિનડ્રાઇવ પરથી પસાર થતો – એવું આલેખન આવતું. આ રહસ્યકથાને એટલી બધી લોકચાહના મળેલી કે કોઈને કોઈ વાચકો મરિનડ્રાઇવ પર જઈને એના રસ્તા પરથી ‘સફેદ પરી’ નીકળે એની રાહ જોતા, ચંદુલાલ વ્યાસને વિપુલ સર્જન કરે એવા લેખકની જરૂર હતી અને નસીબજોગે • લીલીછમ ક્ષણો : ગુણવંતરાય આચાર્ય મળી ગયા. આ ચંદુલાલ વ્યાસે લોકપ્રકાશન લિમિટેડના પત્ર ‘પ્રજાબંધુ'ના તંત્રી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ સાથે ગુણવંતરાય આચાર્યનો મેળાપ કરી આપ્યો. એ સમયે ‘પ્રજાબંધુ'ના વાચકોને ભેટપુસ્તક આપવામાં આવતું હતું. ચુનીલાલ વર્ધમાન શાહે આ નવોદિત લેખકને ભેટપુસ્તક લખવા કહ્યું. ગુણવંતરાય આચાર્યે ‘પ્રજાબંધુ' તરફથી “પીરમનો પાદશાહ” નામનું પહેલું ભેટપુસ્તક લખ્યું. એ જ “પ્રજાબંધુ'ના ભેટપુસ્તક તરીકે એમણે લખેલી ‘દરિયાલાલ' નવલકથાએ ગુણવંતરાય આચાર્યને ઉત્તમ નવલકથાકારની ખ્યાતિ સાથે રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવ્યો. ગુણવંતરાય આચાર્યની કલમ સડસડાટ વણથંભી ચાલતી. એક વાર એક રાતમાં આખું પુસ્તક લખી નાખેલું. ૧૯૩૭ના વર્ષમાં એક રાતે દસ વાગે કલમ લઈને બેઠા અને ‘કોરી કિતાબ' નામની ૨૫૬ પાનાંની સામાજિક નવલકથા લખી નાખી. તે ખુબ ઝડપથી લખી શકતા. ત્રણ ત્રણ કમ્પોઝિટર ઊભા ઊભા બીબાં ગોઠવતા હોય અને બાજુના ટેબલ પર ગુણવંતરાય લખીલખીને પાનાં આપતા હોય. ક્યારેક તો કમ્પોઝિટર અને લેખકની હરીફાઈ જોવા મળતી. આ લેખકે કમ્પોઝિટરને હરીફાઈમાં પાછા પાડી દેતા. એમના ત્વરિત લેખન અંગે એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે. રાજકોટથી એક ભાઈએ સાપ્તાહિક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ અંગે ગુણવંતરાય આચાર્યને મળવા આવ્યા અને એમના સાથ-સહયોગની માગણી કરી. ગુણવંતરાયે કહ્યું કે તમને જરૂ૨ પ્રોત્સાહન આપીશ. તંત્રીએ કહ્યું કે જો આપની નવલકથા મળે તો મારા સાપ્તાહિકને પ્રારંભે જ ઘણી લોકચાહના સાંપડે. ગુણવંતરાય આ વાતનો સ્વીકાર કર્યો. થોડા દિવસ બાદ એ તંત્રી ગુણવંતરાયને મળવા મુંબઈ આવ્યા અને કહ્યું કે સાપ્તાહિકની બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. માત્ર આપની નવલકથાના પ્રકરણની રાહ જોવાય છે. ગુણવંતરાય આચાર્યને આપેલું વચન યાદ આવ્યું. એમણે તંત્રીશ્રીને કહ્યું, ‘તમે જરા ચા-નાસ્તો કરો, એટલી વારમાં હું આવું છું.' થોડી વારમાં ગુણવંતરાય પાછા આવ્યા અને હાથમાં નવલકથાનું પહેલું પ્રકરણ હતું. વચ્ચેના સમયગાળામાં એમણે એ લખી નાંખ્યું ! કહ્યું કે “આ તું લઈ જા. બીજું મેટર પછી મોકલીશ.” એ સમયે ‘ગુજરાત સમાચારમાં ધારાવાહી નવલકથામાં બે લેખકો વિશેષ ચાહના પામ્યો હતો : ગુણવંતરાય આચાર્ય અને શિવકુમાર જોશી, એક લેખકની નવલકથા પૂર્ણ થાય, એટલે તરત જ બીજા લેખકની ધારાવાહી નવલકથાનો પ્રારંભ થતો.
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy