________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
પ્રગટ કર્યાં. જેને રૂઢિ અને વહેમ માનીને વિદેશીઓ મજાક કરતા હતા એનો એમણે સબળ પ્રત્યુત્તર આપ્યો. હિંદુસ્તાનની પ્રજા નિર્માલ્ય છે એવો ચારેબાજુ અપપ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે વીરચંદ ગાંધીએ કહ્યું કે આ પ્રજા તો અત્યંત સમર્થ, શક્તિવાન અને સંસ્કૃતિસમૃદ્ધ છે પરંતુ એને વિશે દુષ્પ્રચાર કરીને એને નિર્માલ્ય દર્શાવવામાં આવી છે. જે સમયે ખ્રિસ્તી મિશનરીઓ ભારતીય ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પર આયોજનબદ્ધ આઘાત કરતા હતા અને એ માટે વિદેશમાંથી અનર્ગળ સંપત્તિ આવતી હતી એની સામે વીરચંદ ગાંધીએ પ્રચંડ પોકાર કર્યો. એમની નિર્ભયતા તો એવી હતી કે ખ્રિસ્તી મિશનરીઓ સમક્ષ અને ખ્રિસ્તી સમાજ સમક્ષ એમણે હિંદુસ્તાનમાં ચાલતી એમની વટાળપ્રવૃત્તિ અંગે સ્પષ્ટ દૃષ્ટાંતસહિત, હૃદયસ્પર્શી અને છતાં પૂરેપૂરા સચ્ચાઈભર્યાં પ્રવચનો આપ્યાં. મિશનરીઓએ ક્લુષિત કરેલી હિંદુસ્તાનની છબીની પાછળના એમના અયોગ્ય ઇરાદાઓને પ્રગટ કર્યા. એમની પ્રબળ રાષ્ટ્રભક્તિએ જગતને જણાવ્યું કે ભારત પાસે અહિંસાનું અપૂર્વ બળ છે અને એ મહાવીરની અહિંસાની શક્તિથી સ્વતંત્રતા મેળવશે.
એમણે અમેરિકા અને ઇંગ્લૅન્ડના શ્રોતાજનો સમક્ષ પોતાના વિદેશપ્રવાસોમાં ૬૫૦ જેટલાં વક્તવ્યો આપ્યાં અને પ્રત્યેક વક્તવ્યમાં વિષયની નવીનતા, પ્રસ્તુતિની પ્રવાહિતા અને પોતાના અભ્યાસ અંગેનો આત્મવિશ્વાસ પ્રગટ કર્યાં.
વિશ્વધર્મ પરિષદમાં
આવો, આજથી એકસો સોળ વર્ષ પૂર્વે અમેરિકામાં સર્જાયેલી ભારતીય સંસ્કૃતિની મહાન ગૌરવગાથા સમી ઐતિહાસિક ઘટના પર કાળના પડદાને હટાવીને જરા નજર કરીએ.
વાત તો એવી હતી કે ૧૪૯૩માં અમેરિકા શોધનાર કૉલમ્બસની ચોથી શતાબ્દીની પૂર્ણાહુતિના સંદર્ભમાં પશ્ચિમના દેશોએ અને વિશેષ કરીને અમેરિકાએ ભૌતિક પ્રગતિની હરણફાળ દર્શાવવા માટે ભવ્ય આયોજનોનો ઉપક્રમ યોજ્યો. આને માટે ઈ. સ. ૧૮૯૩માં અમેરિકાએ પોતાની ભૌતિક પ્રગતિના મહિમાગાન માટે ‘વર્લ્ડ કૉલમ્બિયન એક્સપોઝિશન' નામના ભવ્ય
10
ભારતીય સંસ્કૃતિનો આત્મા કાર્યક્રમનું આયોજન કર્યું. આ આયોજનો પાછળનો હેતુ પશ્ચિમની સંસ્કૃતિએ પ્રાપ્ત કરેલી અપ્રતિમ સિદ્ધિઓ જગતની અન્ય ‘પછાત’ સંસ્કૃતિઓને દર્શાવવાનો હતો. આ
વિરાટ આયોજનમાં વિશ્વની ભિન્ન ભિન્ન વિચાર-ધારાઓને પ્રતિનિધિત્વ આપવા માટે વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સનું આયોજન કરવામાં આવ્યું. અઢી મહિના સુધી કરાયેલા
વિશ્વધર્મ પરિષદના કાર્યક્મોની માહિતી આપતી ૧૩૦ પૃષ્ઠની પુસ્તિકા પ્રગટ કરવામાં આવી.
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
વિશ્વના ઇતિહાસમાં આવી પરિષદોના ઉલ્લેખો મળે છે પરંતુ એક જ સ્થળે આટલા બધા ધર્મના અગ્રણીઓ એકત્રિત થઈને નિર્ભીક રીતે સ્વધર્મનું દર્શન-ચિંતન પ્રગટ કરે તેવું આ સર્વપ્રથમ આયોજન હતું. ભૌતિકતામાં રાચતા અસહિષ્ણુતાભર્યા વિશ્વમાં આટલા બધા ધર્મો એકસાથે એક મંચ પર બેસીને વાત કરે અને તેમની રજૂઆત અન્ય ધર્મીઓ એકાગ્રતાથી સાંભળે તેવી શક્યતા અને સફળતા અંગે ઘણા લોકો સાશંક હતા. વળી કેટલાક ખ્રિસ્તી પાદરીઓ અને તુર્કસ્તાનના સુલતાને આ પરિષદનો વિરોધ કર્યો હતો. આ પરિષદમાં વિશ્વના મુખ્ય દસ ધર્મોને સ્થાન આપવામાં આવ્યું, જેમાં યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ, હિંદુ, તાઓ, કન્ફ્યુશિયસ, શિતો, જરથુષ્ટ્ર, કેથૉલિક અને પ્યોરિટનનો સમાવેશ કરવામાં આવ્યો.
વિશ્વધર્મ પરિષદના આયોજકોએ વિશ્વના ધર્મો વચ્ચે સમજણ કેળવીને સંવાદ રચવાનો આશય જાહેર કર્યો હતો, પરંતુ એના હાર્દમાં જઈએ તો એનો એક આશય અન્ય ધર્મોના સંદર્ભે ખ્રિસ્તી ધર્મની સર્વોપરિતા પુરવાર કરવાનો હતો. અહીં સર્વ ધર્મોની સંસ્કૃતિઓનું મિલન યોજ્યું હતું, પણ એના કેન્દ્રમાં તો જિસસ ક્રાઇસ્ટના સંદેશને સ્થાપવાનો હેતુ હતો.
- II