SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા જાનનું જોખમ હોવા છતાં મહુવાના વીર વીરચંદભાઈ ઘોડા ઉપર મુસાફરી કરતા. સહેજે ડર્યા વિના પાલિતાણાની અવારનવાર મુસાફરી કરી જરૂરી સાક્ષી-પુરાવા તથા જુબાનીઓ એકત્ર કર્યાં હતાં. આથી ગભરાઈને પાલિતાણાના નામદાર દરબાર ગવર્નરને અરજી કરવા માટે મહાબળેશ્વર ગયા. એટલે વીરચંદભાઈ પણ અન્ય જૈન આગેવાનો સાથે ગવર્નરને જઈને મળ્યા. એ અરસામાં પાલિતાણાના ઠાકોર શ્રી સૂરસિંહજીનું અવસાન થતાં આ જુલમ કેસ બંધ થયો. સુરસિંહજીની ગાદીએ ઈ. સ. ૧૮૮૬માં ઠાકોર માનસિંહજી આવ્યા. જૈન શ્રાવકોએ મૂંડકવેરો દૂર કરવા નવા રાજવીને અપીલ કરી. દરમિયાન વીરચંદ ગાંધીની આગેવાની હેઠળ ગવર્નર લૉર્ડ રેની મુલાકાત લેવામાં આવી. એ પછી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટસન સમક્ષ પુરાવાઓ રજૂ કર્યા. પ્રચલિત લોકવાયકા આ કરારને માટે કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)ના પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટસનને રૂબરૂ મળવા ગયેલા વીરચંદ ગાંધીનો એક પ્રસંગ મહુવાના વડીલો પાસેથી સાંભળવા મળ્યો. કર્નલ વૉટસનને મળવા માટે વીરચંદ ગાંધી મુંબઈ ગયા. કહે છે કે એ સમયે વીરચંદ ગાંધી અને શંકર શેઠ બે વ્યક્તિઓને જ બે ઘોડાવાળી બગી રાખવાનો અધિકાર હતો. વીરચંદ ગાંધી કર્નલ વૉટસનના નિવાસસ્થાને પહોંચ્યા, પરંતુ એમણે જાણ્યું કે કર્નલ વૉટસન તો પ્રવાસે ગયા છે, ત્યારે એમણે શ્રીમતી વૉટસનને મળીને પાલિતાણાના શ્રી શત્રુંજય તીર્થનો મહિમા સમજાવ્યો. અહિંસક એવી જૈન જીવનશૈલીનો ખ્યાલ આપ્યો અને એનાથી પ્રભાવિત થયેલાં શ્રીમતી વૉટસને કહ્યું કે તેઓ એમના પતિને આ અંગે વાત કરશે અને આ કાર્યમાં શક્ય તેટલાં મદદરૂપ બનશે. પછીના દિવસે જ્યારે તેઓ વૉટસનને મળવા ગયા, ત્યારે એમણે પાલિતાણાના યાત્રાળુ પર લાદવામાં આવેલો મૂંડકાવેરો અયોગ્ય ઠેરવ્યો અને તે દૂર કરવા તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી. વીરચંદ ગાંધીના અવિરત પ્રયાસોને પરિણામે ઠાકોર માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે પાલિતાણા તીર્થ અંગે નીચે મુજબ કરાર થયો. 40 ભારતીય સંસ્કૃતિનો આત્મા (૧) રૂપિયા બેનો યાત્રાળુ દીઠ વેરો કાઢી નાખવો અને તે માટે ઠાકોરને પ્રતિવર્ષ જૈનો રૂ. ૧૫,૦૦૦ અંકે રૂપિયા પંદર હજાર ઉંચક આપે. (૨) આ ગોઠવણ સને ૧૮૮૬ના એપ્રિલથી ૪૦ વર્ષ સુધી કાયમ રાખવી. (૩) ૪૦ વર્ષની આખરે ઉપરોક્ત ઉંચક ૨કમમાં ફેરફાર કરવાને બંને પક્ષને છૂટ આપવામાં આવી. બંને બાજુની દલીલો ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર અથવા નામંજૂર કરવાનું કામ બ્રિટિશ સરકારના હાથમાં રહેશે. આ સમાધાનને કારણે સામાન્ય સ્થિતિ ધરાવતા યાત્રાળુને માટે શ્રી શત્રુંજય તીર્થનો યાત્રામાર્ગ ખુલ્લો થઈ ગયો. સહુએ આ સમાધાનને અંતરના ઉમળકાથી વધાવી લીધું. વીરચંદ રાઘવજી ગાંધીની કાર્યશક્તિ એવી હતી કે એને પરિણામે અંગ્રેજ અમલદારો પણ એમની વાતને વજૂદ આપતા અને એનો સ્વીકાર પણ કરતા હતા. વીરચંદ ગાંધીએ ગવર્નર લૉર્ડ રેને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાનું નિમંત્રણ આપ્યું. આ પ્રસંગે શ્રી શત્રુંજય તીર્થ પર લૉર્ડ રેને જૈન સમાજે માનપત્ર આપ્યું હતું. આ માનપત્ર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ વાંચી સંભળાવ્યું હતું. ત્રીજો વિદેશપ્રવાસ એ પછી વીરચંદ ગાંધીના ત્રીજા પરદેશ પ્રવાસ વખતે એમને મુંબઈમાં ૨૩મી સપ્ટેમ્બર ૧૮૯૮ના રોજ ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખપદે સન્માનપત્ર આપવામાં આવ્યું. એમને સમગ્ર હિંદુ સમાજના પ્રથમ હિંદુ તરીકે ઓળખાવ્યા, જેમાં વિશ્વધર્મ પરિષદની કામગીરી, નારીકેળવણી માટેના પ્રયત્નો, દુષ્કાળપીડિત દેશબાંધવોને સહાય વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એમણે કરેલો શાકાહારનો પ્રચાર, વટાળપ્રવૃત્તિનો વિરોધ તથા આર્થિક ક્ષેત્રમાં એમના ભારતના વિકાસના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા. ૧૮૯૯માં એમણે સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે લંડનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં હાજરી આપી. 41
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy