________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે ૧૮૯૩ના સપ્ટેમ્બરથી ૧૮૯૫ માર્ચ સુધી અમેરિકાનાં શિકાગો, બોસ્ટન, વૉશિંગ્ટન, ન્યૂયૉર્ક, રોશેલ્ટર, ક્લીવલેન્ડ, કાસાડાગા, લીલીડેલ, લાપોર્ટ, બ્રુકલાઇન, શારોન, રોક્સબરી, એવનસ્ટન, હાઇલૅન્ડપાર્ક જેવાં નગરોમાં વીરચંદ રાઘવજી ગાંધીનાં ભિન્ન ભિન્ન વિષયો પર પ્રવચનો યોજાતાં રહ્યાં. આપણને આશ્ચર્ય એ થાય કે કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)ના ખૂણામાં આવેલા મહુવા ગામના ઓગણત્રીસ વર્ષના આ યુવાને આટલા બધા ભિન્ન ભિન્ન વિષયોનું ક્યારે ઊંડું અવગાહન કર્યું હશે ? વળી તેઓ વિદેશી શ્રોતાઓ સમક્ષ અંગ્રેજી ભાષામાં પોતાના એ અંગેના વિચારો પ્રમાણભૂત રીતે વ્યક્ત કરી શકે છે, એવી એમની જ્ઞાનસજજતા આજેય આશ્ચર્યચકિત કરી દે છે. સ્વામી વિવેકાનંદને વીરચંદ ગાંધીની શક્તિ પર ઘણો વિશ્વાસ હતો. તેઓ એક પત્રમાં લખે છે કે વીરચંદ ગાંધી એક શહેરથી બીજે શહેર ભાષણો આપવાના છે અને તેમાં તે વિજય મેળવશે.
ધર્મ, સાહિત્ય અને રાજ કારણના વિદ્વાન તથા જૈન ધર્મના ખ્યાતિપ્રાપ્ત સેવક મહાત્મા ભગવાનદીને લખ્યું છે, “વીરચંદ ગાંધી જેવા માનવીને ભારતની ભૂમિએ જન્મ આપ્યો ન હોત તો ૧૮૫૭ પછી ભારત એની ગરિમાનો પ્રભાવ બીજો કોઈ દેશ પર પાડી શક્યું ન હોત. તેઓ એક ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોના સર્વધર્મ સંમેલનમાં સામેલ થયા હતા તે ગૌણ બાબત છે. પણ અમેરિકામાં તેમણે આપેલા વક્તવ્યથી સમગ્ર ભારતનું ગૌરવ વધ્યું અને અમેરિકામાં લોકોએ જાણે ઈશુને સાંભળી રહ્યા હોય એમ એમની વાતો સ્વીકારી.''
વીર ચંદ ગાંધી, એચ. ધર્મપાલ અને સ્વામી વિવેકાનંદ આ ધર્મજ્ઞાતા અનોખા કાન્તદ્રા હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે તે કાન્નદ્રષ્ટા, વર્તમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે કાન્નદ્રષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટ્યું નહોતું ત્યારે વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિંદુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ છ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતાં વીરચંદભાઈ *The Jain Philosophy' વિશેના એમના પ્રવચનમાં કહે છે :
“આશ્ચર્યની વાત એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની આફતો આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત અને જાગ્રત રહ્યો છે. એનાં આચાર અને ધર્મ સબૂત છે અને સમગ્ર વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કારીગરી, કલા, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, આતિથ્યસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર - બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, પણ એવું બન્યું નથી અને બની પણ નહીં શકે.
અહિંસા અને શાંતિમય સહઅસ્તિત્વ છેક ઈ. સ. ૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી. એક વાર એમણે અમેરિકન લોકોને કહ્યું,
ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રોમાં સ્વાતંત્ર ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહીં કરે.”
૧૮૯૩માં ગાંધીજી માત્ર બૅરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ !