________________
પૂજ્યશ્રીના પદ્યમાં પણ આંતર્સત્યની પરમ ગતિ પ્રગટ થાય છે. એ કહે છે, “વિદ્યા અને શુભ જ્ઞાન સમ કોઈ દાન નહીં એમ દેખવું. વિદ્વાન જ્ઞાની સમ નહીં કો પૂજ્ય જગમાં પખવું.” જ્ઞાન સન્માનને યોગ્ય છે. વિદ્વત્તા સદૈવ આદરણીય છે. આ સનાતન સત્ય તેમણે સહજભાવે અભિવ્યક્ત કર્યું છે. પૂજ્યશ્રીએ આલેખેલા ૧૧૫ ગ્રંથો એમના આત્મચૈતન્યનો સાક્ષાત્કાર કરાવનારા છે. તમામ ગ્રંથો તત્ત્વજ્ઞાન, ચિંતન, અધ્યાત્મભાવ, કાવ્યો અને જ્ઞાનોપાસનાના મહાગ્રંથો છે. ને એટલે જ તો તત્સમયના વિખ્યાત સર્જકો પણ એમના સર્જનની ભૂરિ ભૂરિ પ્રશંસા કરે છે. એમણે લખેલ ગ્રંથ ‘કર્મયોગ’ એટલો તો સ્વયે સાર્થક અને બેમિસલ છે કે ખુદ લોકમાન્ય ટિળક કહે છે, “મને ખબર હોત કે તમે ‘કર્મયોગ’ ગ્રંથ લખવાના છો, તો હું એ વિષય પર ન લખત.”
ડાયરીના શબ્દોમાં ક્યાંય ડંખ નથી કે કશો પૂર્વગ્રહ નથી. બસ, સહજ ભાવે શબ્દધારા વહે છે. હા, એક વાત જરૂર છે. ઈમાનદારી કે પ્રામાણિકતા પર બોધવાણી ઉચ્ચારનારાઓનો તો આ જગતમાં તોટો નથી, પણ પ્રામાણિકતાને આચરણમાં મૂકનાર કેટલા ? બહુ ઓછા. આંગળીના વેઢે ગણાય એટલા. કદાચ એટલા પણ નહીં ! તેઓ અવારનવાર ‘સમાધિસુખની વાત કરે છે. અધ્યાત્મમાર્ગી મનુષ્ય આત્મોન્નતિના લક્ષ્ય સાથે અગ્રગમ ન કરીને ‘આત્મસમાધિ'ને સંપ્રાપ્ત કરી શકે છે. તેઓ ડાયરીમાં લખે છે : “આત્મ સમાધિથી આત્માની શાંતતા પ્રગટે છે અને સહજ સુખની ખુમારીનો અનુભવસ્વાદ આવે છે.”
આ અપ્રગટ ડાયરી એક અધ્યાત્મ યોગીની કલમે લખાઈ છે અને તેથી જ ‘ડાયરી સાહિત્ય ’માં તે અણમોલ અને વિશિષ્ટ પ્રદાન બની રહે છે. સંસાર સ્થિત સ્વાર્થ પરસ્ત વ્યક્તિઓ ડાયરીઓ જરૂર લખે છે, પણ એમાં સત્ય ઓછું અને સ્વપ્રશસ્તિની માત્રા વધુ હોય છે. પૂજ્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની કલમે લખાયેલ આ અપ્રગટ ડાયરી અધ્યાત્મમાર્ગે આગળ વધવા માગતા શુભાશયી મનુષ્યો માટે માત્ર પ્રેરણામૃતનું પાન કરાવનાર જ નહીં, પરમાત્મત્વના દર્શન માટેનું દ્વાર ખોલનાર પણ છે, જેમાં સત્ય છે, અધ્યાત્મ છે, સહજતા છે, કરુણા છે અને સવિશેષ તો આત્મચૈતન્યનો સાક્ષાત્કાર છે.
“પ્રગતિની પરાકાષ્ઠાતમુ એ જીવન ! માત્ર બે પચ્ચીસીનું જ જીવન ! બે જ જીવનવસંત ! એકમાં માનવ બન્યા, બીજામાં મહાન ! પણ કેટલી તરબતર કરી મૂકે તેવી સુવાસ !”
જયભિખ્ખ