________________
અધ્યાત્મ યોગીની આત્મચેતન્યના સાક્ષાત્કાર સમી.
અપ્રગટ ડાયરી
પ.પૂ. આચાર્યશ્રી ઉદયકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.
જ્યાં સત્ય છુપાઈ જતું હોય અને હકીકતોના ચહેરા પર દુપટ્ટો ઢાંકી દેવાયો હોય તથા માત્ર ને માત્ર ‘સ્વ'ના સુખું સુખુ સ્વરૂપને જ ચાલાકીપૂર્વક પ્રગટ કરાયું હોય, એવી ડાયરીઓ તો ઘણીય જોવા મળે ...પણ જેમાં અધ્યાત્મને સમાંતર રહી નિજત્વને અસલ સ્વરૂપે વ્યક્ત થવા દેવાયું હોય, તેમજ શબ્દ શબ્દ સત્યની સોડમ છંટાઈ હોય એવી ડાયરી જ વાંચનારને પરમ આત્મસંતૃષ્ટિની અનુભૂતિ કરાવે...!
હોય એવી ડાયરી ? હા, છે, એવી ડાયરી પણ છે.
જે અપ્રગટ છે, છતાં વાંચતાં જ આત્મતૃષાનું શમન થવા લાગે અને એ ડાયરી લખાઈ છે યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સત્યપ્રિય કસાયેલી કલમે.
એ ડાયરી નોખી-અનોખી અને સાચા અર્થમાં ‘ડાયરી' છે, કારણ કે ક્ષણ ક્ષણની સચ્ચાઈને રણકતા શબ્દ થકી આલેખવામાં આવી છે. સર્વત્ર આત્મચિંતન અને આત્મસંવાદનો આફ્લાદ જોવા મળે છે. કારણ કે ક્યાંય શબ્દછલના કે વાસ્તવનો ઢાંકોઢુબો નથી. કારણ કે રોજ રોજ કેલેન્ડરોના દટ્ટામાંથી ફાટતાં પતાકડાંમાં આકૃતિ પામતી સચ્ચાઈને સ્વેચ્છાપૂર્વક વ્યક્ત થવા દેવાઈ છે. કારણ ? કારણ કે તે અધ્યાત્મના ઉત્તુંગ શિખરે બિરાજમાન પરમ વંદનીય આત્મયોગીની ડાયરી છે.
જે છે, તે જેમનું તેમ છે માત્ર શબ્દોમાં ઝિલાયા છે પ્રસંગો.