________________
૭૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૩૪ શરૂ કરી તો તે પ્રવૃત્તિને પણ ક્રિયા માટેની પ્રવૃત્તિ જ ગણવી. દા. ત. કોઈ ગરીબ મજુરને પૂછે કે “ક્યાં જાય છે... ? તે કહેશે કે “જમવા જાઉં છું”. ખરેખર તો તે મજુરીના પૈસા લઈ બજારમાં જશે. ત્યાંથી ખરીદી કરશે, ઘેર જઈને રોટલા-શાક બનાવશે પછી જમશે. તો પણ ફેક્ટરીથી છૂટતા જ તે “હું જમવા જાઉં છું” તેમ કહે છે. અહીં ભોજન ક્રિયાની મુખ્યતા છે, મુખ્ય સંકલ્પ છે, તે સંકલ્પની સિદ્ધિ માટે કરવામાં આવતી અન્ય ક્રિયાઓની ગૌણતા છે. તેથી આ સંકલ્પને નૈગમનય કહેવામાં આવે છે. અંશઃ અંશનો પૂર્ણમાં ઉપચાર. પગમાં સામાન્ય ફેક્ટર થયું હોય તો પણ “પગ ભાંગ્યો” એમ કહેવાય છે. ધંધામાં થોડું નુકશાન થયું અને કહે કે “સાફ થઈ ગયો” અથવા “ઊઠી ગયો.” સાડી ઉપર સ્ટેજ ચા ઢોળાઈ અને કહે કે મારી આખી સાડી બગાડી નાંખી. ઉપચાર : ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં ઉપચાર કરવામાં આવે છે. તે બધો નૈગમનાય છે.
દિવાળીના દિવસે આપણે કહીએ “આજે દીવાળીના દિવસે ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા.” આ ઘટનાને ૨૬૦૦ ઉપર વર્ષ થયા છતાં ભૂતકાળનો વર્તમાનમાં ઉપચાર કરીને આપણે કહીએ છીએ કે આજે નિર્વાણ પામ્યા.
દૂધપાક તૈયાર થઈ રહ્યો હોય અને કોઈ પૂછે કે આજે શું બનાવ્યું છે તો જવાબ મળે છે કે દૂધપાક બનાવ્યો છે. હકીકતમાં હજુ બન્યો નથી પણ કહે કે બનાવ્યો છે. ભવિષ્યનો ભૂતકાળમાં ઉપચાર કર્યો. (૨) સંગ્રહનયઃ જે નય સર્વ વિષયોને એકરૂપ સંગ્રહ કરી લે તે સંગ્રહનય. ત્રસ અને
સ્થાવર જીવો આમ બે જાતના છે. પણ સંગ્રહનયથી “જીવ” કહેવાય. દૂધી, કાકડી, ભીંડા, કારેલા વગેરે ભિન્ન ભિન્ન હોવા છતાં સંગ્રહનયથી શાક કહેવાય. કોન્ડોમિનિયમ, બાયલેવલ, એપાર્ટમેન્ટ, કોલોનિયલ વગેરે “ઘર”
કહેવાય. (૩) વ્યવહારનયઃ જે નય વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી સમજાવે
તે વ્યવહાર નય. બીજા શબ્દોમાં કહીએ તો પૃથક્કરણ કરવાની જે દૃષ્ટિ તે વ્યવહાર નય. આ નય કહે છે કે Be Specific તે સિવાય વ્યવહાર ન ચાલે.