________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૩૨
૬૫ સમાધાનઃ એકેન્દ્રિય જીવોને સૂક્ષ્મ શ્રત હોવા છતાં અક્ષરના બોધરૂપ શ્રુતજ્ઞાન નથી હોતું. નિસર્ગ સમ્યગ્દર્શન પામેલા જીવને મતિજ્ઞાન હોવા છતાં શ્રુતના બોધનો અભાવ હોય છે. આમ શબ્દરૂપ શ્રુતની અપેક્ષાએ માત્ર મતિજ્ઞાન એકલું હોઈ શકે છે.
શંકા : મતિજ્ઞાન આદિ ચાર સાથે કેવળજ્ઞાન હોય કે નહીં? કેવળજ્ઞાનના સમયે અન્ય જ્ઞાનોનો સર્વથા અભાવ હોય છે કે અન્ય જ્ઞાનો ઢંકાઈ જાય છે?
સમાધાન: આ વિષયમાં બે મત છે.
એક મત એવો છે કે અન્ય જ્ઞાનોનો સર્વથા અભાવ હોય છે, પ્રથમનાં ચાર જ્ઞાન આત્માને, કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન આત્માના સ્વભાવરૂપ છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે.
બારી-બારણાવાળા મકાનમાં સૂર્યનો થોડો પ્રકાશ આવે છે. જો મકાનને જ સર્વથા પાડી નાંખવામાં આવે તો તે સ્થળે સંપૂર્ણ પ્રકાશ આવે છે. તે જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મરૂપ આવરણ હોવાથી કેવળ જ્ઞાનનો પ્રકાશ (સૂર્યસમાન) આત્મારૂપ મકાનમાં આવી શકતો નથી. પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ બારી-બારણા હોવાથી થોડો થોડો પ્રકાશ આવે છે. જ્યારે સર્વથા આવરણ ખસી જાય છે ત્યારે જ્ઞાનનો સંપૂર્ણ પ્રકાશ આવે છે, અને બારી-બારણારૂપ ક્ષયોપશમનો અભાવ હોવાથી મતિ આદિ ચાર જ્ઞાનનો પણ સર્વથા અભાવ હોય છે.
બીજા મતે કેવળજ્ઞાન હોય ત્યારે ચાર જ્ઞાનનો સર્વથા અભાવ નથી હોતો. શક્તિરૂપે ચાર જ્ઞાન હોય છે પણ સૂર્યના ઉદયકાળે ગ્રહ, નક્ષત્ર જેમ ઢંકાઈ જાય છે તેમ કેવળજ્ઞાન હોય ત્યારે અન્ય ચાર જ્ઞાન હોય છે પરંતુ ઢંકાઈ જાય છે.
સૂત્ર (૧-૩૨) પ્રયોજન : આ સૂત્રમાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની વિપરીતતા અર્થાત્ અજ્ઞાનતા રજુ કરી છે.
मतिश्रुतावधयो विपर्ययश्च १-३२ મતિશ્રુતાવધયો વિપર્યયશ્ચ ૧-૩૨ મતિ-શ્રુત-અવધયઃ વિપર્યયઃ ચ ૧-૩૨